મોહ અને ક્ષય : આ બે શબ્દોના પ્રથમાક્ષરથી બને 'મોક્ષ'. જે સાધક મોહ ક્ષય કરે એને મોક્ષ હાથવેંતમાં છે...
- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- ''જે વ્યક્તિ મિત્રબુદ્ધિ-મૈત્રીભાવના ધરાવે છે એ વ્યક્તિનો અભિગમ સામી વ્યક્તિના અપરાધને-ગુનાને જતો કરવાનો રહે. જ્યાં અપરાધને-ગુનાને અગ્રિમતા અપાય ત્યાં સંબંધમાં મડાગાંઠ સર્જાય. આ મડાગાંઠનાં કારણે સંબંધ જલ્દી તો ન સુધરે, બલ્કે ક્યાંક જીવનભર પણ એ ન સુધરે. જ્યાં અપરાધને-ગુનાને ભૂલી જવાય-નજરઅંદાજ કરાય ત્યાં મડાગાંઠ તો નહિ, સાવ સામાન્ય ગાંઠ પણ ન સર્જાય.''
માનવીના મુકાબલે હાથી જેવા પ્રાણીનું શારીરિક બળ અનેકગણું અને જબરજસ્ત છે. પરંતુ માનવી પાસે બુદ્ધિ એથી 'પાવરફુલ' છે એનાં બળે તે હાથી પર પણ સંપૂર્ણ અંકુશ ધરાવે છે. આ બુદ્ધિનાં બળે માનવી આકાશમાં ઊંચે ઊંચે પહોંચ્યો છે, તો સમુદ્રના અતલ પેટાળમાં સફર કરી આવ્યો છે. એ દ્રષ્ટિએ બુદ્ધિને મહત્ત્વપૂર્ણ પરિબળ માનવું રહે. આ બુદ્ધિના 'મ' અક્ષરથી આરંભાતા જે ચાર પ્રકારો છેલ્લા બે લેખોમાં નિહાળ્યા એ શૃંખલામાં આજે અંતિમ બે પ્રકારો નિહાળીશું.
(૫) મિત્રબુદ્ધિ :- જગતના સર્વ જીવો મારા મિત્રો છે - સહુ જીવો સાથે મારે મૈત્રી છે. આ વિભાવનાને કહેવાય છે મિત્રબુદ્ધિ યાવત્ મૈત્રીભાવના. પ્રારંભની ચાર બુદ્ધિ ત્યાજ્ય કક્ષાની જીવનમાં આત્મસાત્ ન કરવા જેવી હતી, જ્યારે હવેની બુદ્ધિની જીવનમાં આત્મસાત્ કરવા જેવી છે. આપણે એ પૈકી આ મિત્રબુદ્ધિ અર્થાત્ મૈત્રીભાવનાની કેટલીક વિશેષતાઓ પર વિચારણા કરીશું.
મિત્રબુદ્ધિ-મૈત્રીભાવનાની પ્રથમ વિશેષતા એ છે કે તે સામી વ્યક્તિનું બૂરું - અહિત ન ઈચ્છે. કારણ કે વ્યક્તિ સામેની વ્યક્તિનું હિત-શુભ ઈચ્છે તો જ મિત્રબુદ્ધિ - મૈત્રીભાવના ટકી શકે. વ્યવહાર જગતમાં આપણે નિહાળીએ છીએ કે સાચો મિત્ર હોય એ પોતાનાં મિત્રનું હિત જ - શુભ જ ઈચ્છે. બસ, એ જ મુજબ સાચી મૈત્રીભાવના એ છે કે જેમાં અન્ય જીવોનું હિતચિંતન હોય. એથી જ 'શાંતસુધારસ' ગ્રન્થકાર ભગવંતે મૈત્રીભાવની વ્યાખ્યા કરતાં આ પંક્તિ લખી છે કે ''મૈત્રી પરેષાં હિતચિંતનંયત્.'' મતલબ કે અન્યોનાં હિતનું ચિંતન એ મૈત્રીભાવના છે.
મિત્રબુદ્ધિ - મૈત્રીભાવનાની બીજી વિશિષ્ટતા એ છે કે સામી વ્યક્તિએ આપણો અપરાધ કર્યો હોય, અરે! મોટામાં મોટું નુકશાન પણ કર્યું હોય, તો ય એને વિરોધી ન માનવી - એને શત્રુ ન માનવો. 'શાંતસુધારસ' ગ્રન્થકાર આ માટે પંક્તિ લખે છે ''ચિન્ત્યો જગત્યત્ર ન કોપિ શત્રુ.'' એટલે કે આ સૃષ્ટિમાં કોઈને પણ આપણો શત્રુ ન માનવો. આ સંદર્ભમાં એક સરસ પદાર્થ આપણે સમજીએ. જૈન પરંપરામાં સોળ પૈકી અંતિમ ચાર ભાવનાઓ દર્શાવાઈ છે મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યસ્થ્ય. તત્ત્વાર્થશાસ્ત્રમાં આ ચારે ય ભાવનાના વિષયો દર્શાવાયા છે કે કઈ ભાવના કોના માટે ધરવી. જેમ કે કરુણા અર્થાત્ દુ:ખ દૂર કરવાની ભાવના દુ:ખી જીવો માટે જ હોય, સુખી જીવો માટે નહિ. એટલે કરુણાનો વિષય દુ:ખી જીવો જ હોય તે નિશ્ચિત થયું. આ રીતે ત્યાં દરેક ભાવનાના વિષયો દર્શાવાયા છે. તેમાં મૈત્રીભાવનાનો વિષય દર્શાવાયો છે સર્વ જીવો. મતલબ કે તે જીવ સુખી હોય કે દુ:ખી. ગુણવાન હોય કે નિર્ગુણ. આપણો અપરાધી હોય કે હિતકારી : તો પણ એના પ્રત્યે મિત્રબુદ્ધિ-મૈત્રીભાવના જ ધારણ કરવી. મૈત્રીભાવનાનો વિષય 'સર્વ જીવો' દર્શાવવા દ્વારા શાસ્ત્રકારો આપણને એ પદાર્થ આપે છે કે કોઈ પણ જીવને, શત્રુને પણ, શત્રુ ન માનવો. બલ્કે મિત્ર જ માનવો. યાદ કરીએ આનાં અનુસંધાનમાં મૈત્રીભાવના માટેની પેલી પ્રસિદ્ધ
ગીતપંક્તિ કે :-
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે;
શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે..
મિત્રબુદ્ધિની-મૈત્રીભાવની ત્રીજી વિશિષ્ટતા છે સંબંધ સુધરવાની ત્વરિત શક્યતા. જે વ્યક્તિ મિત્રબુદ્ધિ - મૈત્રીભાવના ધરાવે છે એ વ્યક્તિનો અભિગમ સામી વ્યક્તિના અપરાધને-ગુનાને જતો કરવાનો રહે. જ્યાં અપરાધને-ગુનાને અગ્રિમતા અપાય ત્યાં સંબંધમાં મડાગાંઠ સર્જાય. આ મડાગાંઠનાં કારણે સંબંધ જલ્દી તો ન સુધરે, બલ્કે ક્યાંક જીવનભર પણ એ ન સુધરે. જ્યાં અપરાધને-ગુનાને ભૂલી જવાય-નજરઅંદાજ કરાય ત્યાં મડાગાંઠ તો નહિ, સાવ સામાન્ય ગાંઠ પણ ન સર્જાય. અપરાધ ભૂલી જવાની વૃત્તિમાં સ્થિતિ કેવી ગાંઠવિહોણી-સોફ્ટ -સહજ બની રહે એ જાણવું છે ? તો વાંચો આ મજાની ઘટના :
એક સંત સાથે કોઈ ભાઈને વિચારધારાનો વાંધો હતો. એમાં કોઈક નાનકડી ઘટના એવી બની ગઈ કે જેમાં ભાઈને મનની ભડાશ કાઢવાનો મોકો મળી ગયો. એ સંત પાસે આવ્યા. અને અતિશય ગુસ્સામાં બેફામ-બેલગામ અપશબ્દોની ગાળોની બોછાર વરસાવવા માંડયા. લગભગ એક કલાકથી વધુ સમય એ ભયાનક આક્રોશથી ગુસ્સો ઠલવતા રહ્યા. પરતુ એ 'વનસાઈડ' નો વ્યવસાય હતો. સામે સંતની કોઈ પ્રતિક્રિયા ન હતી. એ સાવ મૌન રહી ભાઈનો આક્રોશ-આક્ષેપ સાંભળતા રહ્યા. બોલી બોલીને થાકી ગયા પછી ભાઈ ઘરે જતા રહ્યા.
ગુસ્સાનો પારો ઊતર્યા પછી રાત્રે ભાઈને લાગ્યું કે પોતે વધુ પડતો ગુસ્સો કર્યો છે, અણછાજતા શબ્દો પ્રયોજ્યા છે. પોતાનો બેફામ વાણીવિલાસ અને સંતની અવ્વલ કક્ષાની સહનશીલતા: બન્નેની રાત્રિના એકાંતમાં ભાઈનાં મન પર ઘેરી અસર થઈ. એમણે મનોમન નિર્ણય કર્યો કે કાલે સંતને મળી માફી માંગી લેવી. બીજા દિવસે સંત પાસે જઈ એમણે ગઈકાલનાં વર્તન બદલ માફી માંગી. સંતે એમને માફી માંગતા અટકાવીને કહ્યું: ''મને તમારી વાતથી માઠું જ નથી લાગ્યું. માટે માફીની જરૂર નથી.'' પેલા ભાઈએ આશ્ચર્ય અનુભવતા જણાવ્યું : ''એમ કેવી રીતે બની શકે ? હું આટલા બધા અપશબ્દો-ગાળો બોલ્યો એની તમને અસર કેમ ન થાય ?'' સંતે પ્રતિભાવમાં ભાઈને સરસ વાત કરી : ''ધારો કે તમે મને મીઠાઈનો થાળ ભેટ આપતા હો અને હું એનો સ્વીકાર ન કરું તો એ થાળ મારી પાસે રહે કે તમારી પાસે ?'' ''મારી પાસે જ રહે.'' ભાઈએ ઉત્તર આપ્યો.
(૬) મોહક્ષયબુદ્ધિ :- બુદ્ધિનો આ પ્રકાર પણ ઉત્તમ-ઉપાદેય છે. 'મોહ' શબ્દનો એક મુખ્ય અર્થ છે આસક્તિ. આ આસક્તિ વ્યક્તિ પર પણ હોઈ શકે અને વસ્તુ પર પણ હોઈ શકે. કોઈ સૌંદર્યમયી વ્યક્તિ પર આકર્ષણ થવું એ વ્યક્તિસંબંધી આસક્તિ છે, તો ગુલાબજાંબુ-કેરીનો રસ જેવા પદાર્થો પર આકર્ષણ થવું એ વસ્તુસંબંધી આસક્તિ છે. જેઓ મોક્ષમાર્ગના આરાધક છે - અધ્યાત્મજગતમાં પ્રવેશ્યા છે એ ન તો વ્યક્તિ પર આસક્ત થાય છે, ન તો વસ્તુ પર. જેઓ સન્નિષ્ઠપણે આ મર્યાદાને અનુસરે છે એમની બુદ્ધિને કહેવાય છે મોક્ષક્ષયની બુદ્ધિ. આ માર્ગના સાચા સાધકો પોતાની જાતને એવી કેળવણી આપે છે કે જેનાથી વ્યક્તિ-વસ્તુ પરનું આકર્ષણ તૂટતું જાય. એક-બે પંક્તિનાં બે ઉદાહરણો જોઈએ તો, અમારા સમુદાયમાં દાયકાઓ પૂર્વે એક મહાત્મા એવા થયા હતા કે જેમણે દીક્ષાદિનથી કાલધર્મ (અવસાન) સુધી પોતાનાં એક પણ સ્વજનનો પ્રત્યક્ષ પરિચય તો નહતો રાખ્યો, ઉપરાંત પત્ર-ફોન વગેરેથી પરોક્ષ પરિચય પણ નહતો રાખ્યો. કારણ એ જ કે સ્વજન પર પણ આસક્તિ ન રહે. આમાં સ્નેહરાગસંબંધી આસક્તિ ન રહે એની તકેદારી હતી. તો અમારા સમુદાયમાં એક સાધ્વીજી એવા છે કે જે સ્વાદનું આકર્ષણ - આસક્તિ ન રહે તે માટે દાળ અને ભાત, શાક અને રોટલી વાપરતા નથી. સામાન્ય વ્યક્તિને આ અશક્ય જ લાગે. જૈન શ્રમણોની પરિભાષામાં એને સંયોજનાદોષથી મુક્તિ ગણવામાં આવે છે.
મોહના-આસક્તિના સંબંધમાં એક વાત ખાસ સમજવાની છે કે જેના પર આસક્તિ છે એ જ વ્યક્તિ/વસ્તુ આત્મકલ્યાણમાં અવરોધક બની રહે છે યાવત્ અધ:પતનનું કારણ બને છે. આપણે એ સમજતા હોઈએ તો ય આચરણસમયે જાણ કે એ સમજ વિલુપ્ત થઈ જાય છે. પરિણામ એ આવે છે કે તે જ નિમિત્ત મારક બને છે : પેલા હરણની ઘટનાની જેમ.
જંગલમાં વસતું એક હરણ પાણીમાં જેટલી વાર પોતાનું પ્રતિબિંબ નિહાળે એટલીવાર એનાં મસ્તક પરનાં બે ઉત્તુંગ વાંકડિયા શિંગડા નિહાળી હરખાય. એને એમ થતું કે મારા દેહનું સૌથી અધિક આકર્ષણ આ શિંગડા જ છે. એનાં મનમાં સૌથી વધુ વિચાર શિંગડાના જ ચાલે અને એનાથી એ આનંદ આનંદ અનુભવે. એકવાર એ અસાવધ હતું અને ચિત્તો એનાથી ખૂબ નજીક આવી ગયો.હરણે 'હરણફાળ' ભરીને ભાગવા માંડયું. આગળ હરણ અને પાછળ ચિત્તો. પગના જોર પર હરણને લાગ્યું કે બચી જવાશે. એને પહેલી વાર લાગ્યું કે જે પગ પર ક્યારેય ગૌરવ લીધું ન હતું એ જ એને બચાવી રહ્યા છે. દોડતાં દોડતાં અચાનક ઝાડીમાં હરણનાં ઉત્તુંગ શિગડા એવા ભેરવાઈ ગયા કે જોરદાર પ્રયત્ન પછી ય નીકળી ન શક્યા. હરણ હવાતિયાં મારતું રહ્યું અને ચંદ મિનિટોમાં એને આંબી ગયેલ ચિત્તાએ શિકાર કરી લીધો!
છેલ્લે એક મસ્ત વાત : મોહ અને ક્ષય, આ બે શબ્દોનો પહેલો અક્ષર લઈએ એટલે શબ્દ બને મોક્ષ. જે સાધક મોહક્ષય કરે એને મોક્ષ હાથવેંતમાં છે...