ઘોઘાતીર્થથી શત્રુંજયમહાતીર્થનો પદયાત્રાસંઘ : "ભવસાગર તરવાને કાજે ગિરિવર નૈયા છે..."
- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- પ્રેમાભાઈ શેઠે તડામાર તૈયારીઓ સાથે શત્રુંજયગિરિરાજ પર ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવ્યું. ઊજમફઈની ભાવના અનુસાર, એમાં શાશ્વત નંદીશ્વરદ્વીપમાં જે રીતે જે જે પર્વતો-જિનાલયો છે તે રીતે તે તે પર્વતો-જિનાલયો રચાવાયા. એટલે કે એક અંજનગિરિ-ચાર દધિમુખ પર્વત-આઠ અતિકર પર્વત મળી એક દિશામાં તેર પર્વત-તેર જિનાલયો સર્જાયા અને એ જ પદ્ધતિએ અન્ય ત્રણ દિશામાં મળી કુલ બાવન પર્વત-બાવન જિનાલયમાં નિર્માણ થયા ! શત્રુંજયગિરિરાજ પર નવ ટૂંક પૈકી છઠ્ઠી ટૂંકરૂપે શોભતું આ જિનાલય "ઊજમફઈની ટૂંક" અથવા "નંદીશ્વર ટૂંક" રૂપે પ્રસિદ્ધ છે.
કેટલાક નામ-ધામ આ સૃષ્ટિમાં એવા છે કે જે પ્રાચીન હોવા ઉપરાંત પવિત્ર-પુણ્યવંતા હોય. આ કક્ષાની વિચારણામાં સૌથી શ્રેષ્ઠ-સર્વોચ્ચ નામ-ધામ આવે શાશ્વત શ્રી શત્રુંજયગિરિરાજનું. જૈન શાસ્ત્રોની માન્યતા અનુસાર આ તીર્થાધિરાજની પ્રાચીનતા અનાદિકાલીન છે, તો એની પવિત્રતા-પુણ્યાઢ્યતા કલ્પનાતીત-શબ્દાતીત છે.
ભલે શ્રી શત્રુંજયગિરિરાજની હરોળમાં આવે તેવાં નામ-ધામ અન્ય ન હોય. પરંતુ પ્રાચીનતા અને પવિત્રતાના સંદર્ભમાં યાદ કરી શકાય તેવાં અન્ય નામો-ધામો ભારતભૂમિમાં છે ખરા. આવું એક નામ છે ઘોઘાતીર્થ. એની પ્રાચીનતાના સીધા પુરાવામાં એક છે કહેવતો. જેમ કે ગુજરાતીમાં બે ઉક્તિ પ્રસિદ્ધ છે કે "લંકાની લાડી ને ઘોઘાનો વર" તેમજ "હીરો ઘોઘે જઈ આવ્યો, ડેલે હાથ દઈ આવ્યો." આ ઉપરાંત તવારીખી તાસીરમાં ય ઘોઘાની પ્રાચીનતા પ્રતિબિંબિત થાય છે. માત્ર પ્રાચીનતા જ નહિ, પવિત્રતા ય એની એવી છે કે એનાં કારણે જૈન પરંપરાના એકસો આઠ પાર્શ્વનાથતીર્થોમાં એક સ્થાન આ ઘોઘાતીર્થને અપાયું છે. શ્રી શત્રુંજયગિરિરાજનાં સાન્નિધ્યમાં સતત સાત માસની અમારી શાસનઆરાધનામય-પ્રભાવનામય સ્થિરતાના અંતિમ ચરણમાં હાલ અલગ-અલગ તીર્થોથી શ્રી શત્રુંજયતીર્થાધિરાજના પાંચ પદયાત્રાસંઘોનો ઉપક્રમ ચાલે છે. તેમાં ત્રીજો પદયાત્રાસંઘ છે આ ઘોઘાતીર્થથી. બારસો ઉપરાંત યાત્રિકો અને કુલ સત્તરસોની સંખ્યામાં યોજાયેલ આ પદયાત્રાસંઘનો પ્રારંભ ત્યાંના મૂલનાયક શ્રી નવખંડાપાર્શ્વપ્રભુના પવિત્ર જન્મકલ્યાણકપર્વ પોષદશમીથી થઈ રહ્યો છે ત્યારે, આપણે આ ઘોઘાતીર્થ અને શત્રુંજયતીર્થાધિરાજ : બન્નેના પુણ્ય ઈતિહાસની થોડી શી ઝલકનાં દર્શન આ લેખ દ્વારા કરીએ.
ઘોઘાતીર્થના મૂલનાયક છે શ્યામલવર્ણા પ્રશમરસનિમગ્ન શ્રી નવખંડાપાર્શ્વપ્રભુ. વિ.સં. ૧૧૬૮માં એટલે કે આજથી નવસો બાર વર્ષ પૂર્વે આ પ્રતિમાનું નિર્માણ ઘોઘાનગરના જ જૈન ભાવિક હીરાભાઈએ કરાવ્યું હતું. એ પ્રભુનું અંજનવિધાન તત્કાલીન મહાન આચાર્યવર્ય શ્રી મહેન્દ્રસૂરીશ્વરજી મ.ના હસ્તે થયું હતું. એવા શ્રેષ્ઠ મુહૂર્તે અને ઉત્કટ ભાવધારાએ એ વિધાન દ્વારા પ્રતિમામાં પ્રભુતાનું પ્રાગટય થયું કે જોતજોતામાં ઘોઘાની ખ્યાતિ આ પ્રભુનાં કારણે શતદલ કમલની જેમ મહેંકી રહી. ત્યારે ઘોઘામાં અન્ય જિનાલયો હતા જ. પરંતુ આ પ્રભુના પ્રભાવે ઘોઘાને તીર્થનું સ્થાન-માન વર્યું. વિ.સં. ૧૪૩૧ માં અર્થાત્ આજથી છસો પચાસ પૂર્વેની એક કૃતિમાં ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનેન્દ્રસૂરિજી ઘોઘાતીર્થે આ પ્રભુની યાત્રા કર્યાનો ઉલ્લેખ કરો છે, તો મહાન શાસ્ત્રકાર ન્યા.ન્યા. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર આજથી ત્રણસો ત્રેસઠ વર્ષ પૂર્વે સર્જેલ એમના પ્રસિદ્ધ ગ્રન્થ 'સમુદ્ર વહાણ સંવાદ'ના પ્રારંભે જ મંગલાચરણમાં આ પંક્તિથી આ પ્રભુનું સ્મરણ કરે છે કે : "શ્રી નવખંડ અખંડ ગુણ, નમી પાસ ભગવંત."
પ્રશ્ન એ થાય કે આ પ્રભુનું નામ નવખંડા કેમ ? કારણમાં ધર્મઝનૂનની કલંકકથા રહી છે. ભારતવર્ષનો ઘણો ઈતિહાસ વિધર્મી સામ્રાજ્ય સમયે જૈન તીર્થોના-હિંદુતીર્થોના નાશનો રહ્યો છે. એ ધર્મઝનૂનના વા-વંટોળમાં ઘોઘાતીર્થનું આ જિનાલય સપડાયું. ઝનૂન એ તીવ્રતાએ પહોંચ્યું, કે જિનાલયનો તો ધ્વંસ કરાયો જ. પણ એથી ય વધુ ભયંકર બાબત એ બની કે પ્રભુપ્રતિમાના નવ નવ ટુકડા કરાયા ! એ ખંડિત ટુકડા એક પોટલામાં બાંધી કૂવામાં ફગાવી દેવાયા : જાણે કે આ પ્રભુનું નામ-નિશાન પણ ન રહે એવી મેલી મુરાદ અને કાળાં કરતૂત !
સમય જ્યારે અધોગતિનો ચાલતો હોય ત્યારે અધિષ્ઠાયકાદિ શક્તિઓ પણ નિષ્ક્રિય રહે-ઉપેક્ષાવંત રહે. એથી વિપરીત કાળ જ્યારે પ્રગતિનો-ઉન્નતિનો હોય ત્યારે એ જ અધિષ્ઠાયકાદિ શક્તિઓ જાગૃત-પ્રભાવવંત થઈ જાય. તીર્થોન્નતિનો સમય પાક્યો હશે. તેથી અધિષ્ઠાયક શક્તિએ ઘોઘાના જૈન ભાવિકને સ્વપ્નમાં સંકેત કર્યો કે 'ભાવનગરના બાપેસરાકૂવામાં આ પ્રભુ ખંડિત અવસ્થામાં પોટલામાં છે. તમે એને બહાર લાવો.' ભાવિકે શ્રદ્ધાપૂર્વક પ્રયાસ કર્યો અને પ્રભુ સ્વપ્નસંકેત અનુસાર બહાર પધાર્યા. દૈવી શક્તિએ હવેના ક્રમનો પણ સંકેત કર્યો કે 'પ્રતિમાના નવે ય ભાગને યથાવત્ ગોઠવી નવ મણ લાપસીમાં નવ દિવસ રાખો. એનાથી પ્રતિમા અખંડ બની જશે.' શ્રદ્ધાળુ ભક્તજનોએ આ સંકેતનો પણ અમલ કર્યો. સહુ પ્રતીક્ષામાં હતા કે નવ દિવસ બાદ અધિષ્ઠાયકનો પ્રભાવ કેવો રંગ લાવે છે !
બરાબર આઠ દિવસ વ્યતીત થયા અને નવમા દિવસે પ્રભાતે નવી બાબત બની. ભરૂચથી યાત્રાસંઘ સમુદ્રમાર્ગે પ્રસ્થાન કરી ઘોઘાથી સિદ્ધગિરિરાજ જવા આવ્યો. એ સંઘને સિદ્ધગિરિરાજને ભેટવાની ખૂબ ઉતાવળ હતી, સાથે જ ઘોઘાના પાર્શ્વપ્રભુનાં દર્શનની ય ઉત્કંઠા હતી. એમણે ભાવાવેગમાં આગ્રહ કર્યો કે "અમને પ્રભુનાં દર્શન હમણાં જ કરાવો. તો જ અમે સમયસર પાલિતાણા જઈ શકીએ." સ્વપ્નસંકેત અનુસાર હજુ એક દિવસ બાકી હોવાથી પ્રભુ બહાર લાવવા ઉચિત ન હતું. છતાં વિવેકની સામે ભક્તિની ઘેલછા જીતી ગઈ. પ્રભુ લાપસીમાંથી બહાર લવાયા. સમયાવધિ સંપૂર્ણ ન થઈ હોવાથી પ્રભુપ્રતિમાના નવ સાંધા પૂરેપૂરા ભરાયા નહિ. પ્રતિમા અખંડ થઈ, પરંતુ સાંધા ય સ્પષ્ટ રહ્યા. આજે પણ આ પ્રતિમામાં નવ સાંધા સ્પષ્ટ નિહાળવા મળે છે. એ આપણને જાણે કે મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે કે આરાધનાનાં હર કોઈ ક્ષેત્રે ઘેલછાને નહિ, વિવેકને મહત્ત્વ આપો.
આ છે ઘોઘાતીર્થના ઈતિહાસનું સ્વર્ણિમ સંક્ષિપ્ત દર્શન અને... હવે નિહાળીશું તીર્થાધિરાજ સૃષ્ટિશિરતાજ શ્રી શત્રુંજયગિરિરાજના ભક્તિરંગમઢયા સ્વર્ણિમ ઈતિહાસનું માત્ર એક પાવન પૃષ્ઠ. કારણ કે શત્રુંજય ગિરિરાજ તો ભક્તિ-સમર્પણ-શુદ્ધિ-સિદ્ધિના ઈતિહાસનો એવો અખૂટ ભંડાર છે કે એના માટે ઉક્તિ છે "કહેતા નાવે પાર." આ અપાર અદ્ભુત ઈતિહાસ ધરાવતા શત્રુંજયગિરિરાજ માટે ભક્તોની ભાવના-શ્રદ્ધા ય એવી અપાર છે કે જે કૈંક પ્રાચીન-અર્વાચીન કૃતિઓમાં હૈયે વસી જાય એ રીતે ઝળહળે છે. હમણાં આ લખાઈ રહ્યું છે ત્યારે જ અમારા કર્ણપટલ પર ભક્તિગીતના આ શબ્દો સંગીતસૂરાવલિ સાથે પ્રસરી રહ્યા છે કે :-
મારાં ભાગ્ય ખૂલ્યા મારાં પાપો હટયાં, આ ભરતક્ષેત્રમાં જન્મ થયો,
ને પરમપવિત્ર શાશ્વતતીર્થ, શ્રી શત્રુંજયનો સ્પર્શ થયો;
એના કણકણમાં હર રજકણમાં, અનંતા જીવો તરીયા રે,
જ્યાં વારે વારે આદિપ્રભુએ, પાવન પગલા કરીયા રે...
આ શબ્દોમાં ઝળહળતી ભક્તિને વૃત્તિ-પ્રવૃત્તિમાં ઝળહળતી નિહાળવી છે ? તો વાંચો આ ભક્તિ છલકતી ગિરિરાજ ઘટના :
સમગ્ર ભારતવર્ષના જૈન સંઘનું નેતૃત્વ જેમની પાસે હતું તે અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ. પિતાનું તાજું મૃત્યુ થયું હતું અને યુવાન વયની એક માત્ર બહેનના લગ્ન કરાવવાના બાકી હતા. યુવાન નગરશેઠે બહેનને પિતાની ગેરહાજરી જરા ય સાલે નહિ એવા ઠાઠથી અને લખલૂંટ ખર્ચથી બહેનના લગ્નનો નિર્ધાર કર્યો. લગ્નનાં આયોજનો એવાં થયાં કે શેઠની ધારણા સવાયી સાર્થક કરી. શેઠે માત્ર કરિયાવર-દાયજારૂપે એક-બે નહિ, પાંચસો પાંચસો ગાડા ભરાવ્યા. દરેક ગાડામાં એકેકથી ચડિયાતી ચીજવસ્તુઓ હતી. ભાઈનાં મનમાં હતું કે આ અપ્રતિમ ઉદારતાથી બહેન ખુશીથી ઝૂમી ઊઠશે. પરંતુ એવું કાંઈ બન્યું નહિ. બહેનના ચહેરા પર કોઈ પ્રતિભાવરેખા અંકિત ન થઈ.
વિસ્મયચકિત ભાઈએ બહેનને પૂછયું : "ઊજમ ! હજુ કાંઈ તારે જોઈએ છે ? તો બોલી જા. બધું જ થશે. મારી ભાવના માત્ર મારા તારા રાજીપાની છે." ઊજમે કહ્યું : "ભાઈ ! આ પાંચસો ગાડાનો કરિયાવર હોય કે ન હોય. એનાથી મને કાંઈ ફર્ક પડતો નથી. મારી ભાવના એક જ છે કે શત્રુંજયગિરિરાજ પર મારી અભિલાષા મુજબનું એક દેરાસર બને. તું એ કરી આપ તો હું રાજી રાજી." તત્ક્ષણ પ્રેમાભાઈ શેઠે પાંચસો એકમું ગાડું મંગાવ્યું. એના પર મોટા અક્ષરે લખાણ હતું : "શત્રુંજયગિરિરાજ ઊજમફઈનું દેરાસર." ઊજમફઈના ચહેરા પર સ્મિતનો સાગર લહેરાયો.
ઈતિહાસ ગવાહ છે કે એ પછી પ્રેમાભાઈ શેઠે તડામાર તૈયારીઓ સાથે શત્રુંજયગિરિરાજ પર ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવ્યું. ઊજમફઈની ભાવના અનુસાર, એમાં શાશ્વત નંદીશ્વરદ્વીપમાં જે રીતે જે જે પર્વતો-જિનાલયો છે તે રીતે તે તે પર્વતો-જિનાલયો રચાવાયા. એટલે કે એક અંજનગિરિ-ચાર દધિમુખ પર્વત-આઠ અતિકર પર્વત મળી એક દિશામાં તેર પર્વત-તેર જિનાલયો સર્જાયા અને એ જ પદ્ધતિએ અન્ય ત્રણ દિશામાં મળી કુલ બાવન પર્વત-બાવન જિનાલયમાં નિર્માણ થયા ! શત્રુંજયગિરિરાજ પર નવ ટૂંક પૈકી છટ્ઠી ટૂંકરૂપે શોભતું આ જિનાલય "ઊજમફઈની ટૂંક" અથવા "નંદીશ્વર ટૂંક" રૂપે પ્રસિદ્ધ છે. આ લખાય છે એના બે દિવસ પૂર્વે અમે શત્રુંજયગિરિરાજ પરની, આ શાસ્ત્રકથિત બાવનજિનાલયનો સાક્ષાત્કાર કરાવતી, એ ટૂંકની ચૈત્યવંદના-યાત્રા કરી છે.
અંતે, શ્રી શત્રુંજયગિરિરાજ સંબંધી ઈતિહાસના આ સ્વર્ણિમ પૃષ્ઠનું સમાપન કરતાં એ જ ગાઈશું કે :-
ભવસાગર તરવાને કાજે ગિરિવર નૈયા છે...
શાશ્વતગિરિનાં દર્શન કરતાં હર્ષિત હૈયાં છે...