મહાન શાસનજ્યોતિર્ધર યુગદિવાકર આચાર્યપ્રવર ધર્મસૂરીશ્વરજી મહારાજ
- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ
''એમના બન્ને હાથ વસ્તુપાલ-તેજપાલ જેવા દાનેશ્વરી હતા. ક્યારે કોને કેટલું અપાવ્યું તેના લેખા - જોખા કોઈની પાસે નથી. માનવશરીરે જન્મીને દેવ તરીકે જીવન જીવનારા પ્રસન્નચિત્ત ઉદારમના સહ્ય્દય તથા સમાજ માટે યથાશક્ય અને યથાપરિસ્થિતિ અભૂતપૂર્વ બલિદાન દેનારા પ.પૂ. સ્વર્ગસ્થ આચાર્ય વિજયધર્મસૂરીશ્રરજી મ.ની નોંધ ભાવિકાળના ઈતિહાસકારોને લીઘા વિના છુટકો નથી.'' ધ્યાનમાં રહે કે આ સમગ્ર બયાન એમના કોઈ શિષ્ય-પ્રશિષ્યનું નથી. અન્ય સમુદાયના વિદ્ધાન મહાત્માનું છે.
ગુરુતત્વનો મહિમા જૈન પરંપરામાં એવો અદ્ભૂત પ્રસ્તુત થયો છે કે જે વાંચીએ ત્યારે દિલ-દિમાગ અહોભાવથી પુલકિત થઈ જાય. ચૌદસો ચુમ્માલીશ ગ્રન્થકર્તા સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ગંભીર રહસ્યપૂર્વક ' ગુરુ-દેવ ' શબ્દ પ્રયોગ કરીને ચોક્ક્સ દૃષ્ટિબિંદુથી ગુરુતત્વને ભગવાનથી ય અધિક પ્રાધાન્ય આપ્યું છે, તો સમર્થ શાસ્ત્રકાર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરે ' ગુરુતત્ત્વવિનિશ્ચય ' નામે સ્વતન્ત્ર ગ્રન્થ રચીને ગુરુતત્ત્વનું મહિમાગાન કર્યું છે.
માત્ર જૈન પરંપરા જ શા માટે ? અજૈન પરંપરામાં પણ અઘિકૃત ધર્મગ્રન્થોમાં ગુરુતત્ત્વનો મહિમા હ્ય્દયને સ્પર્શી જાય એ રીતે પ્રસ્તુત કરાયો છે. હમણાં નજર ગઈ ' યોગવાશિષ્ઠ ' ગ્રન્થના એક શ્લોક પર. ગુરુતત્ત્વની દુર્લભતા વિશે એ સરસ રજૂઆત કરે છે કે :-
यावन्नानुग्रहः साक्षाज् - जायते परमेश्वरात्
तावन्न स'गुऱुं कश्चिच् - छास्त्रवान्नपि प्रापयेत ।
ભાવાર્થ કે વ્યક્તિ ભલે ને શાસ્ત્રજ્ઞાતા-વિદ્વાન હોય. પરંતુ જયાં સુઘી પ્રભુનો સાક્ષાત્-પ્રત્યક્ષ અનુગ્રહ ન થાય ત્યાં સુઘી એને સદ્ગુરુની પ્રાપ્તિ સુલભ થતી નથી. આ શ્લોક વાંચતા યાદ આવી ગયો જૈન વર્ગમાં વર્તમાનમાં ખૂબ પ્રચલિત એક ' સ્લોગન ' નો પૂર્વાર્ઘ કે '' પ્રભુકૃપાસે ગુરુ મીલે.'' પ્રભુની પ્રત્યક્ષ કૃપા વિના જેની પ્રાપ્તિ શક્ય નથી એ ગુરુતત્ત્વ કેવું અલૌકિક અદ્ભુત ગણાય ? આ અલૌકિક ગુરુતત્ત્વનું સાન્નિધ્ય માણીશું આજે એક વર્તમાન જૈન શાસનની શિરતાજ વિભૂતિનાં ગુણસંકીર્તન દ્વારા. એ વિભૂતિ એટલે મહાન શાસનજ્યોતિર્ધર સમર્થ સંઘનાયક યુગદિવાકર આચાર્યવર્યશ્રી ઘર્મસૂરીશ્વરજી મહારાજ. આ શ્રાવણ શુદિ-૧૧, તા. ૧૬-૦૮-૨૪ના જેમના ૧૨૧મા જન્મદિનની ઉજવણી પાલિતાણાની પુણ્યભૂમિમાં અમારા સહિત નેવું સંયમીભગવંતોનાં સાન્નિધ્યમાં સામૂહિક ચાતુર્માસઆરાઘકો સહિત બારસોથી વઘુ ભાવિકો વચ્ચે તેમજ અન્યત્ર મુંબઈ વગેરે સ્થળે ઠેર ઠેર વિશાળ સંખ્યામાં થઈ રહી છે તે પૂજ્ય યુગદિવાકર ગુરુદેવ વિશે આપણે સર્વપ્રથમ સંક્ષિપ્ત તવારીખી માહિતી મેળવીએ.
સત્ત્યોતેર વર્ષનો જીવનપર્યાય, બાસઠ વર્ષનો સંયમપર્યાય, માત્ર ચૌદ વર્ષના દીક્ષાપર્યાયમાં છ હજાર શ્લોક પ્રમાણ સંસ્કુત સુમંગલા - નવતત્ત્વટીકાનું સર્જન, ક્ષેત્રસમાસ-પંચમકર્મગ્રન્થ-ષટ્ત્રિંશિકાચતુષ્ક પ્રકરણ શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રસંસ્કુતટી કાદિ ગ્રન્થોનાં વિદ્વત્તાસભર વિવેચનો, દ્રવ્યાનુયોગ-જૈન કર્મવાદ પર વિરલ વ્યાખ્યાન શૈલી, એમનાં 'ભગવતીસૂત્રનાં પ્રવચનો' ગ્રન્થના છ-છ વાર પુનરાવૃત્તિ, મુખ્યત્વે વીશ વર્ષના સમયખંડમાં એકસો પાંત્રીશ જિનમંદિરોનાં અને ચોર્યાશી ઉપાશ્રયોનાં ઉપદેશલબ્ધિ દ્વાર ભવ્ય નિર્માણ, બહોંતેર દિવસીય બે હજાર યાત્રિકોયુક્ત પદયાત્રાસંઘ આદિ વિવિધ પદયાત્રાસંઘો, સાધર્મિક ભક્તિ-અનુકંપાદિ માટે ક્રોડો રૂા. ની દાનગંગા, અઢી લાખ ભાવિકોયુક્ત એકવીશ કિ.મી. દીર્ધ અંતિમયાત્રા પાલખી અને ચોપન સ્થળે ગુરુમંદિર નિર્માણ : આ છે યુગદિવાકર ગુરુદેવનો સંક્ષિપ્ત જીવનપરિચય.
આવો, હવે આપણે સ-દ્-ગુ-રુ આ ચાર અક્ષરના આધારે એ ચાર પ્રથમાક્ષરથી શરૂ થતાં પૂજ્યશ્રીના ચાર ગુણસ્વરૂપોનું સંકીર્તન કરીએ :
(૧) સમતાનિધાન :- પંચસૂત્રગ્રન્થમાં શ્રવણનું એક વિશેષણ છે 'પસંતગંભીરાસયા ' મતલબ કે શ્રમણનો સ્વભાવ શાંત - પ્રશાંત તેમજ ગંભીર હોય... સ્વભાવનાં આ બન્ને વિશેષણો ગુરુદેવમાં સંપૂર્ણ સાર્થક કરતા હતા. આપણે એમાંથી અહીં વિષયને અનુરૂપ સમતાગુણ નિહાળવાનો છે.
લગભગ સાડા પાંચ દાયકા પૂર્વની વાત. એક જૈન પત્રકારે અખબારમાં ગુરુદેવ વિશે એક ટીકાટિપ્પણ કરી કે '' સાધુએ અલગ અલગ સ્થાને વિચરવું જોઈએ. પરંતુ ધર્મસૂરીશ્વરજી મ. છેલ્લા અમૂક વર્ષોથી મુંબઈમાં જ વિચરે છે.'' જો કે આ ટીકા ઉપરછલ્લી-દીર્ધ વિચાર વિનાની હતી. કારણ કે ગુરુદેવની એ સ્થિરતામાં મુંબઈમાં સૌથી વધુ સંઘોમાં જિનમંદિરોનાં અને ઉપાશ્રયોનાં નિર્માણ થયા હતાં. બીજી વાત એ હતી કે પૂજ્યશ્રીનાં ચાતુર્માસો અલગ અલગ સંઘોમાં થતા હતા અને ત્રીજી વાત એ હતી કે તેઓ શેષકાળમાં ગુજરાતમાં વડોદરા-અમદાવાદ વગેરે સ્થળે અને મહારાષ્ટ્રમાં પૂના-નાસિક વગેરે સ્થળે ધર્મપ્રભાવનાર્થે વિચરતા હતા.
(૨) દયાનિધાન :- ગુરુદેવની હયાતિમાં એમના માટે પ્રયોજાતાં વિવિધ સાન્વર્થ વિશેષણોમાં એક વિશેષણ હતું કરુણાવતાર. ગુરુદેવ સાચે જ કરુણાના-દયાના અવતાર હતા. એમની દયા-કરુણાના અઢળક પ્રસંગોમાંથી માત્ર બે પ્રસંગો સંક્ષેપમાં નિહાળીએ :
* ઇ.સ. ૧૯૭૭માં ગુરુદેવની પ્રેરણાથી, મુંબઈથી શત્રુંજ્યમહાતીર્થનો બે હજાર યાત્રિકોયુક્ત પદયાત્રામહાસંઘ યોજાયો. મનોરના જંગલમાથી પસાર થતાં આ સંઘના કાર્યકરોએ ત્યાંના અદિવાસીઓને અર્ધનગ્ન હાલતમાં ઠીકરામાં ભીખ માંગતા જોયા. પદયાત્રાસંઘનો અનુકંપાવિભાગ સંભાળતા સુરેશભાઈ ઝવેરી અને ભરતભાઈ ઝવેરી નામે બે કાર્યકરે ગુરુદેવને ઉપરોક્ત હકીકત જણાવી. આ આદિવાસીઓ માટે કાંઇક કરવા વિનંતિ કરી. કરુણાવતાર ગુરુદેવે એક જ દિવસમાં નિત્ય સાંજે ૫ થી ૭માં ગરીબો માટે વાસણસેટ-સાડી-ચણિયા-ધોતી-ઝભ્ભાનું દાન શરૂ કરાવ્યું. વાસણના દશ હજાર સેટ તો માત્ર પૂર્વોક્ત ઝવેરી ભાઈઓના હાથે અપાયા । પદયાત્રાસંઘની પૂર્ણતા સુઘી આ અનુકંપાદાનની પ્રવૃત્તિ જારી જ રહી.
* ગુરુદેવના કાર્યકાળમાં મુંબઈમાં શ્રી ધર્મસૂરીશ્વરજી કાશીવાળાના સમુદાયના પરમ વિદ્ધાન શાસ્ત્રભ્યાસી પંન્યાસ પૂર્ણાનંદવિજ્યજી મ.(કુમારશ્રમણ) પણ વિચરતા હતા. ઘણા સ્થળે ઉપાશ્રયોમાં એ સાથે હોય ત્યારે ગુરુદેવની પ્રવૃત્તિઓનું એ નિરીક્ષણ કરે. એ અન્ય સમુદાયના હોવા છતાં ગુરુદેવના પરમ ગુણાનુરાગી હતા. ગુરુદેવની શાસનપ્રભાવનાઓથી તો એ પ્રભાવિત હતા જ. ઉપરાંત સાઘર્મિકભક્તિ-અનુકંપાપ્રવૃત્તિથી ખૂબ રાજી થઈ ગૂરૂદેવનાં કાલધર્મ પછીના એક લેખમાં એમણે લખ્યું કે :- '' એમના બન્ને હાથ વસ્તુપાલ-તેજપાલ જેવા દાનેશ્વરી હતા. કયારે કોને કેટલું અપાવ્યું તેના લેખા-જોખા કોઈની પાસે નથી.
(૩) ગુણનિધાન :- ગાંભીર્ય-ઔદાર્ય-ઔચિંત્ય-વાત્સલ્ય-નિ:સ્પૃહતાદિ અઢળક ગુણો ગુરુદેવમાં એટલી ઉત્કૃષ્ટ કક્ષાએ વિલસતા હતા કે આ ત્રીજા મુદ્દામાં કયા એક ગુણનો ઉલ્લેખ કરવો એ મુંઝવણ થઈ પડે. છતાં અમને જે ગુણ પ્રત્યે વિશિષ્ટ લગાવ છે એ ' ગુરુસમર્પણ ' પૂજ્યશ્રીમાં કેવું પરાકાષ્ઠાએ વિલસતું હતું એનો એક પ્રસંગ જોઈએ :
ઈ.સ. ૧૯૭૭. મુંબઈથી ઐતિહાસિક પદયાત્રાસંઘ સાથે પાલિતાણા પઘારેલ ગુરુદેવનું સાહિત્યમંદિરમાં ચાતુર્માસ. આ એ સમયખંડ હતો કે જેમાં ગુરુદેવ કારકીર્દિના સર્વોચ્ચ શિખરે હતા. તે સમયના અન્ય એક મહાન પ્રભાવક આચાર્યદેવ ચન્દ્રોદયસૂરીશ્વરજી મહારાજે આ સમયખંડના પત્રમાં ગુરુદેવને લખ્યું હતું કે '' જન્મજન્માંતરની અને આ જીવનની કરેલ શાસનપ્રભાવનાઓનાં સર્વોત્કૃષ્ટ ફળનો અનુભવ આપશ્રી કરી રહ્યા છો.'' આવા સમયખંડમાં ત્યાં બાળમુમુક્ષુરૂપે સાથે રહેલ અમે એક દૃશ્ય રોજ નિહાળ્યું હતું કે સાંજે પૂજ્યશ્રી પોતાના ૮૭ વર્ષીય ગુરુદેવને વંદન માટે પધારે, વિધિપૂર્વક ઊભા થવા સાથે વંદન કરે, પછી દિવસભરની તમામ ઘટનાઓનું બયાન એમની સમક્ષ કરે. નોંધપાત્ર વાત એ કહી કે વીશ-પચીશ મિનિટના એ વાર્તાલાપમાં તેઓ સ્વગુરુદેવ સાથે સમ આસને તો ન બેસે, નીચે પણ ન બેસે. તેઓ તમામ માહિતી ઊભા રહીને જ આપે । સાથે ગુરુજી જે ઇચ્છા દર્શાવે તેને કોઈ દલીલ-ચર્ચા વિના ' તહત્તિ ' કરે. શાસનના સમર્થ નાયક બન્યા પછી પણ આવા ભાવ ઉત્કૃષ્ટ ગુરુસમર્પણ વિના શે સંભવે ?
(૪) જ્ઞાનનિધાન :- 'રુ' અક્ષરનો અર્થ છે પ્રકાશ. ગુરુના સંદર્ભમાં એ પ્રકાશ જ્ઞાનનો હોય એથી 'રુ' અક્ષરના સંદર્ભમાં આપણે 'જ્ઞાનનિધાન' ગુણ લીધો છે. આ માટે આપણે ટાંકીશું સ્વ. ર્ડા. રમણલાલ ચી. શાહનો અભિપ્રાય. તેઓ મુંબઈ યુનિવર્સીટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને 'પ્રબુદ્ધ જીવન' ના તંત્રી હતા. તેઓ સળંગ ચારેક વર્ષ ગુરુદેવ પાસે રાત્રિતત્ત્વજ્ઞાન ચર્ચા માટે આવતા. એમાં એમણે પોતાનો અનુભવ આ શબ્દોમાં લખ્યો છે કે '' પૂ. આચાર્યમહારાજે આપણા શાસ્ત્રગ્રન્થોનું ઘણું ઊડું અધ્યયન કર્યું છે. પ્રત્યેક વિષયનો તેમની પાસે તરત શાસ્ત્રીય ઉત્તર હાજર હોય. શાસ્ત્રોની સેંકડોં પંકિતઓ તેમને કંઠસ્થ હતી અમારા દરેક પ્રશ્નોની તેઓ વિવિધ દૃષ્ટિકોણથી સવિગત છણાવટ કરતા. જેથી અમને પૂરો સંતોષ થતો. વળી તેમની દૃષ્ટિ હંમેશા વ્યવહારનય અને નિશ્વયનયના સમન્વયની રહેતી...'' પૂજ્યશ્રીના અગાધ શાસ્ત્રજ્ઞાનની જાણે કે આ મહોરછાપ છે....
છેલ્લે ગુરુદેવને હ્ય્દયાંજલિ આપતા આ પંકિત લખી સમાપન કરીશું કે :-
જૈસે ગગનાંગણમેં ચમકે, સૂરજ - ચાંદ - સિતારે,
વૈસે જિનશાસનમાં ચમકે, ધર્મસૂરીશ્વરગુરુજી હમારે..