અન્યોના ગુણોની પ્રશંસા કરશો તો ગુણવૃદ્ધિ થશે....અન્યોના દોષો વાગોળ્યા કરશો તો દોષવૃદ્ધિ થશે....
- અમૃતની અંજલિ -આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- 'જીવનની શ્રેષ્ઠ મૂડી છે પ્રસન્નતા. આ પ્રસન્નતાને અધ્યાત્મનો-ધર્મનો સંસ્પર્શ આપીએ તો એને કહી શકાય સંક્લેશમુક્ત સમાધિમય સહજ પ્રસન્ન અવસ્થા
જી વનની શ્રેષ્ઠ મૂડી કઈ ગણાય ? પૈસો ? જેઓ પૈસાની જીવનવ્યવહારોમાં નિહાળાતી ઉપયોગિતાને જ કેન્દ્રમાં રાખી વિચારે છે તેઓ એમ માને છે કે જીવનની શ્રેષ્ઠ મૂડી પૈસો છે. પરંતુ આ માત્ર ઉપરછલ્લી વિચારણાનું પરિણામ છે. જેમણે સંપત્તિને શ્રેષ્ઠ મૂડી માની એને જ એકમાત્ર ધ્યેય બનાવી દીધું છે એ શ્રીમંત બની જાય તો પણ એનાં જીવનમાં આ જ ધ્યેયનાં કારણે સર્જાતા સંક્લેશો-સતત ટેન્શનો-આરોગ્યના અગ્નિસંસ્કાર કરી દે તેવી હાયવોયો વગેરે નિહાળીએ તો એમ માનવું જ રહે કે સંપત્તિ જીવનની શ્રેષ્ઠ મૂડી ન હોઈ શકે. હા, એનો જરૂર પૂરતો-આવશ્યકતાનુસાર સંગ્રહ ગૃહસ્થ વ્યક્તિ કરી શકે ખરી. પરંતુ એ જીવનની શ્રેષ્ઠ મૂડી-એકમાત્ર ધ્યેય ન હોઈ શકે.
જીવનની શ્રેષ્ઠ મૂડી છે પ્રસન્નતા. આ પ્રસન્નતાને અધ્યાયનો-ધર્મનો સંસ્પર્શ આપીએ તો એને કહી શકાય સંકલેશમુક્ત સમાધિમય સહજ પ્રસન્ન અવસ્થા અને સરેરાશ દુન્યવી સ્તરનો સંસ્પર્શ આપીએ તો એને કહી શકાય મનની સદાબહાર આનંદસભર અવસ્થા. સંપત્તિ કે સુવિધાનાં સાધનો ભલે અલ્પ હોય, તો ય વ્યક્તિની ભીતરમાં જો પ્રસન્નતા છલકાતી હોય તો એનો પમરાટ આસપાસ-ચોપાસને મહેંકાવી દે. ચાર ભાવનાની વિચારણાના ઉપક્રમમાં આજે આપણે જે બીજી ભાવનાની વિચારણા કરવાની છે તે, જીવનમાં આ પ્રસન્નતાનો પમરાટ ફેલાવે તેવી છે. આવો, આપણે એ ભાવના પર વિચારવિહાર કરીએ.
(૨) પ્રમોદભાવના: પ્રમોદ શબ્દનો અર્થ છે પ્રસન્નતા-આનંદ. એ પ્રગટાવે તેનું નામ છે પ્રમોદભાવના. પણ...સબૂર! એક વાત અહીં ખાસ ખ્યાલમાં રાખવી કે કામ-ભોગની સુખમાસામગ્રીથી જે તુચ્છ આનંદ પ્રગટે એને અહીં પ્રમોદરૂપે ગણવાનો નથી. બાળક મનપસંદ ચોકલેટ મળી જતાં ખુશખુશાલ થઈ જાય એ પ્રમોદભાવ નથી, તો યુવાન વ્યક્તિ મનગમતા પાત્ર સાથે લગ્ન થઈ જતાં રાજીની રેડ થઈ જાય તે ય પ્રમોદભાવ નથી, પ્રૌઢ વ્યાપારી વ્યવસાયમાં સંપત્તિની રેલમછેલ થઈ જતાં હર્ષથી હસુ હસુ બની રહે એ પ્રમોદભાવ નથી, તો વૃદ્ધ વ્યક્તિ શારીરિક આરોગ્ય પરત મળતાં આનંદવિભોર બની જાય તે ય પ્રમોદભાવ નથી. કારણ કે આ બધા જ આનંદ પ્રૌદ્ગલિક છે અને આભાસી છે. પૌદ્ગલિક આનંદ ક્યારે ય કાયમી હોતો નથી. દ્ગલની સામગ્રી દૂર થાય એટલે એ આનંદ પણ દૂર થઈ જાય-નંદવાઈ જાય. જેમ કે ચોકલેટ-મનપસંદ વિજાતીય પાત્ર-સંપત્તિ કે આરોગ્ય દૂર થતાં જ ક્રમશઃપૂર્વોક્ત બાળક-યુવાન-વ્યાપારી અને વૃદ્ધનો આનંદ અવશ્ય નંદવાઈ જ જવાનો. આભાસીનો અર્થ છે વાસ્તવિક નહિ, માત્ર ઉપરછલ્લો-દેખાવનો આનંદ. ભીતરના-અપૌદ્ગલિક આનંદની સામે આ ઉપલક આનંદની કોઈ વિસાત નથી - હેસિયત નથી !
પ્રમોદભાવના જે આનંદની વાત કરે છે તે પુદ્ગલ આધારિત નથી, બલ્કે ગુણવત્તા આધારિત છે. સામી વ્યક્તિમાં અલ્પ યા મહાન નાના યા મોટા જે જે વિશિષ્ટ માર્ગસ્થ સદ્ગુણો હોય એને જાણતાંવેંત-નિહાળતાવેંત હૈયું ગુણાનુરાગજનિત આનંદથી છલકાઈ જાય-પ્રમોદથી ઉભરાઈ જાય તે છે પ્રમોદભાવના. સામી વ્યક્તિ પોતાની છે કે પરાયી, મામૂલી છે પ્રતિષ્ઠિત, પોતાની સમર્થક છે કે વિરોધી: આવી કોઈ બાબતને પ્રમોદભાવનામાં સ્થાન નથી હોતું. ત્યાં સ્થાન હોય છે માત્ર શુદ્ધ ગુણાનુરાગને. એથી જ પ્રમોદભાવનાને ગુજરાતીમાં વ્યાખ્યાયિત કરતી પેલી કાવ્યપંક્તિમાં સરસ લખાયું છે કે:
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમલમાં, મુજ જીવનનું અર્ધ્ય વહે....
આ પ્રમોદભાવનાના લાભો અઢળક છે. આપણે તે પૈકી ફક્ત ત્રણ લાભ નિહાળી: (એ) કોઈ વ્યક્તિમાં વિલસતી ચારિત્રશીલતા-પવિત્રતા, કોઈ વ્યક્તિમાં મહોરેલ દીન-દુઃખીની સેવા, કોઈ વ્યક્તિમાં પાંગરેલ અપ્રતિમ ઉદારતા વગેરે સદ્દગુણો નિહાળી પ્રમોદસંપન્ન વ્યક્તિમાં જે ભીતરી પ્રસન્નતા-આનંદ છલકાય છે તે એને ભીતરથી તર-બતર ભરપૂર રાખે. એને ખાલીપાનો અનુભવ ન થાય. એ આનંદ આભાસી કે તકલાદી નહિ, મૌલિક છે. માટે એ દીર્ઘકાલીન બની રહે અને જ્યાં જ્યાં ગુણો નિહાળવા મળશે ત્યાં ત્યાં વધુ ને વધુ સમૃદ્ધ થશે. (બી) પ્રમોદભાવના વ્યક્તિના ઈર્ષ્યાનામે દુર્ગુણને જડમૂળથી ખતમ કરે છે. જેમ કે કોઈ વ્યક્તિ એની ગુણાઢયતાનાં કારણે લોકમાં મશહૂર થાય-સમાજપ્રસિદ્ધ થાય તો પ્રમોદભાવસંપન્ન વ્યક્તિને એની ઈર્ષ્યા-બળતરા નહિ થાય, બલ્કે આનંદ-પ્રસન્નતા જ થશે. (સી) પ્રમોદભાવનાનો પર્યાયવાચી અન્ય શબ્દ અનુમોદના છે. શાસ્ત્રો એમ કહે છે કે એક વ્યક્તિ કોઈ સુકૃત-ધર્મકાર્ય કરીને જેટલો લાભ પ્રાપ્ત કરે એટલો જ લાભ અન્ય વ્યક્તિ કેવલ અનુમોદનાથી-પ્રમોદભાવથી પ્રાપ્ત કરી શકે છે: પછી ભલે ને એ અનુમોદના-પ્રમોદભાવ વ્યક્ત હો કે અવ્યક્ત.
કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો જૈન ચરિત્રગ્રન્થોની આ હ્ય્દયસ્પર્શી ઘટના:
રાજવંશી કુલપરંપરા અને શ્રેષ્ઠ સૌંદર્ય ધરાવતા બલભદ્રમુનિ જંગલમાં સાધના કરતા હતા. તપના પારણાદિને ભિક્ષા માટે એ ગામ-નગરમાં પધારે ત્યારે નગરસ્ત્રીઓ પોતાનાં કાર્યો વીસરી જઈ મુનિનાં સૌંદર્યને એકીટસે નિહાળ્યા કરે: જેમ ભ્રમર પુષ્પનો રસાસ્વાદ તલ્લીનભાવે માણ્યા કરે એમ. ભાવિમાં કાંઈ અનિષ્ટ ન બને એ માટે બલભદ્રમુનિએ નિર્ણય કર્યો કે 'મારે પારણા માટે પણ ગામ-નગર સુધી જવું નહિ. જંગલમાં કોઈ પ્રવાસી પાસેથી જો કાંઈ ખપતી ભિક્ષા મળી જાય તો પારણું કરવું. નહિ તો ઉપવાસ કરવા.લ્લ એમણે આ રીતની અત્યંત ઘોર સાધના જારી રાખી.
એક મધ્યાહ્નની વાત. કોઈ સુથારકાર્ય કરતો પ્રવાસી જંગલમાં એક વૃક્ષની મોટી ડાળ કાપતો હતો. એની પાસે ભાતાનો ડબ્બો જોતાં માસુમ મૃગલું ખુશી ખુશીથી દોડતું બલભદ્રમુનિ પાસે ગયું અને મુનિને પોતાની સાથે લઈ સુથાર સુધી આવ્યું. જંગલમાં મુનિવર નિહાળી વિસ્મયવિભોર સુથાર ઠેઠ સુધી કપાવા આવેલ ડાળી અધૂરી રાખી નીચે ઉતર્યો. ખૂબ ભાવથી ડબ્બો ખોલી એણે ભોજનસામગ્રી મુનિને વહોરાવવા માંડી. મુનિ, મૃગ અને મુસાફર: ત્રણે ય યોગાનુયોગ પેલી કપાવા આવેલ ડાળ નીચે જ ઊભા હતા. ભવિતવ્યતાવશ એકાએક જોરદાર વાવાઝોડું આવતા ડાળ એ રીતે તૂટી પડી કે નીચે રહેલ ત્રણે ય પર જોશભેર પડી અને ત્રણે ય ત્યાં જ એક સાથે મૃત્યુ પામ્યા !
મુનિ તપ નામે સુકૃત કરનાર હતા, સુથાર ભિક્ષારૂપે ટેકો આપવા દ્વારા નવી તપપરંપરા જાણે કે કરાવનાર હતો અને મૃગલું એ બે ય ને નિહાળી મનોમન ખુશ થનાર માત્ર અનુમોદના કરનાર જ હતું. પરંતુ શાસ્ત્રોએ જણાવ્યું કે ત્રણે ય એક જ સમાન ફળ પામી એક જ સાથે પાંચમો સ્વર્ગલોક પામ્યા. કવિવર પંડિત શ્રી વીરવિજયજી મહારાજે આ અદ્દભુત ઘટનાને આ પંક્તિમાં યાદગાર-ચિરસ્મરણીય બનાવી છે કે:
મૃગ બળદેવમુનિ રથકારક, ત્રણ હુઆ એક ઠાયો,
કરણ-કરાવણ ને અનુમોદન, સરિખાં ફળ નીપજાયો....
જૈન સંસ્કૃત સાહિત્યનો એક બે-જોડ ગ્રન્થ છે 'શાંતસુધારસ.લ્લ એમાં આપણે વિચારીએ છીએ તે ચાર સહિત કુલ સોળ ભાવનાનું હ્ય્દયંગમ નિરૂપણ સોળ પ્રાશમાં-સોળ વિભાગમાં છે. દરેક વિભાગ છંદોબદ્ધ અને ગેય: બે શૈલીમાં રચાયો છે. તેમાં પ્રમોદભાવનાના પ્રકાશમાં-વિભાગમાં એક છંદોબદ્ધ શ્લોકમાં એમ જણાવાયું છે કે ''પ્રમોદગુણ દ્વારા જે પુણ્યાત્મા સમતામાં નિમગ્ન થાય છે એનામાં (એ) માનસિક પ્રસન્નતા ખૂબ વિકસ્વર થાય છે અને (૨) તે તે વિશિષ્ટ સદ્દગુણો એનામાં વિશદપણે પ્રગટે છે."શ્લોકની આ બીજી વાત એ સિદ્ધાંતને સમર્થન આપે છે કે 'ગુણની અનુમોદનાથી ગુણની પ્રાપ્તિ થાય છે.લ્લ આપણે આ સિદ્ધાંતની સત્યતા-સાર્થકતા એક અદ્દભુત ઘટના દ્વારા સંક્ષેપમાં માણીએ:
જૈન શાસનમાં 'સુકૃતસાગરલ્લ રૂપે પંકાયેલા માંડવગઢના મંત્રીશ્વર પેથડશાહનાં આંગણે એક પ્રભાતે કોઈ દૂત પત્ર અને ભેટણું લઈને આવ્યો. પેથડશાહે પત્ર વાંચ્યો. એમાં લખ્યું હતું કે ''પાટણના જૈન અગ્રણી ભીમશ્રેષ્ઠીએ યુવાવયે આજીવન બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું છે. તે નિમિત્તે ભારતભરના તમામ બ્રહ્મચર્યવ્રતધારીઓને તેઓએ આ મૂલ્યવાન ભેટ પાઠવી છે." ભીમશ્રેષ્ઠીના બ્રહ્મચર્યવ્રતની વાત વાંચી પેથડશાહ પ્રમોદભાવથી તર-બ-તર થઈ ગયા. પરંતુ પછીની વાત વાંચી તેઓ મુંઝાઈ પણ ગયા. કેમ કે પોતે બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું ન હતું. આ ભેટ સમજફર્કથી અહીં આવી હતી. વ્રતસ્વીકાર વિના એ લેવાય નહિ અને પરત મોકલે તો ઔચિત્ય ન ગણાય. શું કરવું ? એ માટે એમણે પત્ની પ્રથમિણીદેવીને અભિપ્રાય પૂછયો. પત્નીએ સાવ સહજતાથી કહ્યું: ''એમાં મુંઝાવાનું શું ? આપણે અત્યારે જ આજીવન બ્રહ્મચર્યવ્રત સ્વીકારીએ. પછી ભેટ પરત મોકલવાનો પ્રશ્ન જ ન આવે."એમનું ચરિત્ર કહે છે કે બન્નેએ તે ક્ષણે યાવજ્જીવ બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું. ત્યારે પેથડશાહની વય હતી બત્રીશ વર્ષ અને પત્નીની વય હતી અટ્વાવીશ વર્ષ ! ગુણાનુમોદનથી ગુણપ્રાપ્તિ થાય તે આનું નામ.
છેલ્લે એક વાત
અન્યોના ગુણોની પ્રશંસા કરશો તો ગુણવૃદ્ધિ થશે... અન્યોના દોષો વાગોળ્યા કરશે તો દોષવૃદ્ધિ થશે....