માનવસ્વભાવનું સૌથી નબળું પાસું છે ક્રોધ...પર્યુષણાનું સૌથી નબળું પાસું છે ક્ષમાપના...
- અમૃતની અંજલિ -આચાર્ય વિજયરાજરત્નસૂરિ
માનવસ્વભાવને સૌથી નડતું અને સૌથી નબળું પાસું હોય તો તે છે ક્રોધ. એનાથી બાહ્ય સ્તરે પારિવારિક-સામાજિક સંબંધોનો ખાતમો બોલાઈ જાય છે, તો અભ્યંતર-આત્મિક સ્તરે ચીકણાં કર્મો બંધાવા સાથે ભવભ્રમણનો વ્યાપ વધી જાય છે. એથી જ પર્યુષણાનું મહાપર્વ 'મિચ્છા મિ દુક્કડં'નો ભાવ હૃદયથી કેળવી ક્ષમાધર્મને બુલંદ બનાવવાની પ્રેરણા આપે છે.
માનવસ્વભાવને સૌથી નડતું અને સૌથી નબળું પાસું હોય તો તે છે ક્રોધ. એનાથી બાહ્ય સ્તરે પારિવારિક-સામાજિક સંબંધોનો ખાતમો બોલાઈ જાય છે, તો અભ્યંતર-આત્મિક સ્તરે ચીકણાં કર્મો બંધાવા સાથે ભવભ્રમણનો વ્યાપ વધી જાય છે. એથી જ પર્યુષણાનું મહાપર્વ 'મિચ્છા મિ દુક્કડં'નો ભાવ હૃદયથી કેળવી ક્ષમાધર્મને બુલંદ બનાવવાની પ્રેરણા આપે છે.
ક્રોધ અંગે કેટલાય સચોટ નિરીક્ષણો-ચિંતનો ચિંતકો દ્વારા થતા હોય છે. આપણે કારચાલક અને ક્રોધી વ્યક્તિની સરખામણી દ્વારા બે સચોટ નિરીક્ષણો કરીએ : (૧) કારચાલક ક્યારે ય અકસ્માત્ સર્જવાનું લક્ષ્ય રાખીને ડ્રાઈવીંગ કરતો નથી. છતાં બને છે એવું કે ક્યારેક તો એનાથી અકસ્માત્ થઈ જાય છે. એ અકસ્માત્ ઘણી વાર એવો હોય છે કે એનાથી હાડકાં ખોખરાં થઈ જાય, તો ક્યારેક જીવન પણ સમાપ્ત થઈ જાય. બરાબર એ જ રીતે, કોઈ વ્યક્તિ સંબંધ બગાડવાની-વૈરની પરંપરા સર્જવાના લક્ષ્યથી ક્રોધ કરતી નથી. પરંતુ બને છે એવું કે ક્રોધ પર કાબુ ન રહેવાનાં કારણે ઉગ્રતા એવી બેહદ બની જાય કે સંબંધોનો અગ્નિસંસ્કાર થઈ જાય- વૈરવિરોધની દીર્ઘ પરંપરા સર્જાય. એ હદ સુધી કે ક્યારેક એમાં જાન પણ જાય. (૨) ઝડપ અને ઝઘડો, બન્નેનું લક્ષ્ય જલ્દીથી ઈષ્ટસિદ્ધિનું હોય છે. પરંતુ ઘણી વાર બને એવું કે કારચાલક બેહદ ઝડપ વધારી એવો જીવલેણ અકસ્માત્ કરી બેસે કે ઈષ્ટ લક્ષ્યસિદ્ધિથી કાયમ વંચિત થઈ જાય. એ જ રીતે ક્રોધી વ્યક્તિ બેહદ ક્રોધથી એવો ભયંકર ઝઘડો કરી બેસે કે એ પણ ઈષ્ટ લક્ષ્યસિદ્ધિથી કાયમ વંચિત રહી જાય.
શું કરવું આ બેહદ-બેલગામ ક્રોધથી બચવા માટે ? એના પણ અલગ અલગ ઉપાયો શાસ્ત્રો-ચિંતકો દ્વારા મળી હે છે. આપણે આવા કુલ નવ ઉપાયોમાંથી થોડા આજના લેખમાં અને થોડા આગામી પર્યુષણાના લેખમાં વિચારીશું :
(૧) દંડનીતિ :- ચાણક્યની રાજનીતિ શત્રુને પરાસ્ત કરવા કે પાછો ધકેલવા શામ-દામ-દંડ-ભેદરૂપ ચાર પદ્ધતિ દર્શાવે છે. એમાં દંડનીતિ એ છે કે શત્રુને બળપ્રયોગથી દંડ આપવો-શિક્ષા કરવી. આનાથી શત્રુ પરાસ્ત થઈ શરણે આવી જાય. યા તો શિક્ષા સહન કરી પરત ફરી જાય. પછી સ્થિતિ એ સર્જાય કે એ જલ્દી ફરી વાર માથું ન ઊંચકે. બસ, આ જ નીતિ ક્રોધ નામના અભ્યંતર શત્રુ સામે 'એપ્લાય' થવી જોઈએ. ક્રોધનાં ભયાનક નુકસાનો સમજી-વારંવાર એનો વિચાર કરી જેઓ એને કાબૂમાં લેવા સન્નિષ્ઠ પ્રયાસો કરે છે એ આત્માર્થી આરાધકો આ દંડનીતિનો સફળ ઉપયોગ કરે જ છે. આપણે એક-બે ઝલક આની જોઈએ :
- સમ્રાટ અકબર પ્રતિબોધક જગદ્ગુરૂ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજની શિષ્યપરંપરાના એક મુનિવર. નામ એમનું પ્રેમવિજયજી મહારાજ. એ એવા આત્માર્થી આરાધક હતા કે આજથી ૪૪૧ વર્ષ પૂર્વે વિ.સં. ૧૯૩૯માં એમણે શ્રમણજીવનના પંચાચારનાં પાલન માટે પીસ્તાલીશ નિયમો સ્વેચ્છાએ લીધા હતા. ક્રોધથી તો તેઓ દૂર જ હતા. પરંતુ ક્યારેક ખૂબ તપસ્યા કે ખૂબ કષ્ટો હોય તો એકાદ કડક શબ્દ બોલાઈ જાય. આટલો નાનકડો પણ ગુસ્સો જીવનમાં ન રહે તે માટે એમણે પીસ્તાલીશ નિયમમાં એક નિયમ એ રાખ્યો હતો કે ભૂલમાં પણ જો એક કડક-કઠોર શબ્દ બોલાઈ જાય તો એના દંડરૂપે-પ્રાયશ્ચિતરૂપે દશ બાંધી નવકારમાળા ગણવી ? ગુસ્સો તો દૂર, કડક એક શબ્દ પણ ન બોલાઈ જાય એની ય કેવી કાળજી-દંડનીતિ !
- એક જૈન શ્રીમંત ક્રોધ ન આવે તેની આવી જ કાળજી ધરાવે. એમણે પણ સદ્ગુરૂના ઉપદેશથી ક્રોધને પરાસ્ત કરવા દંડનીતિને અનુસરતો એક નિયમ લીધો. હજુ શરૂઆતના દિવસો હતા. એમાં એકવાર તેઓ 'ટેક્સી'માં કોઈ વ્યાપારીની ઓફિસે સોદો કરવા નીકળ્યા. માર્ગનો બરાબર ખ્યાલ નહિ હોય કે પછી જાણી-બુઝીને, ટેક્સીવાળાએ ખૂબ લાંબુ ચક્કર લઈને ટેક્સી વ્યાપારીની ઓફિસ તરફ લીધી. વધુ પડતો સમય વ્યર્થ જવાથી ભાઈને સહજપણે જ ગુસ્સો-નારાજગી પ્રગટી. એમણે ટેક્સીવાળાને બે વાકય કડક કહ્યા. ત્યાં જ સહસા યાદ આવ્યું કે 'મારે તો ક્રોધ નહિ કરવાનો નિયમ છે અને જો ભૂલમાં ક્રોધ થઈ જાય તો દંડ-સજા અપનાવવાની છે.' તત્ક્ષણ શાંત-મૌન જઈને એમણે ખીસામાંથી રૂ. પાંચ હજાર કાઢી પેલા ટેક્સીવાળાને આપતા કહ્યું : "લે ભાઈ, આ મારા ક્રોધને દંડ. મારે નિયમ છે કે જેના પર ગુસ્સો આવે એને મારે રૂ. પાંચ હજાર આપવા." ટેક્સીવાળો આશ્ચર્યસ્તબ્ધ થઈ ગયો ! અપકાર પર ઉપકાર કરનાર આવી વ્યક્તિ એણે જીવનમાં પ્રથમવાર જ નિહાળી હતી. એ પેલા શ્રીમંતને ઝૂકી ગયો. એના લાખ ઈન્કાર છતા શ્રીમંત એને રૂ. પાંચ હજાર આપીને જ રહ્યા. આ હતી ક્રોધ સામેની દંડનીતિ.
(૨) ભેદનીતિ :- ચાણક્યની શત્રુ માટેની ચાર નીતિમાં જ બે નીતિ ક્રોધને અંકુશમાં લેવા ઉપયોગી બને તેવી છે. તેમાંની બીજી નીતિ છે આ ભેદ. ભેદનીતિ એમ કહે છે કે જે શત્રુઓ છે તેમાં પરસ્પર ભેદ-જુદાઈ થઈ જાય તેવી નીતિ- તેવા ઉપાયો અજમાવવા. એનાથી સરવાળે શત્રુઓનું જોર તૂટી જાય. અંગ્રેજો જે 'ડીવાઈડ એન્ડ રૂલ'ની નીતિ અપનાવતા હતા તે આ ભેદનીતિનું જ સ્વરૂપ છે. આપણે વિચારીએ ક્રોધ નામે આત્મિક શત્રુના સંદર્ભમાં આ ભેદનીતિ.
એ તત્ત્વચિંતક સંત સમયનું મૂલ્ય એવું સમજતા હતા કે એક ક્ષણ પણ નિરર્થક ન જવા દે. એ સતત કાંઈ ને કાંઈ ચિંતન-લેખન કે ધ્યાન ધરવા જેવી સત્પ્રવૃત્તિમાં લીન રહે. એક દિવસ શિષ્યે જોયું તેઓ એક ખંડમાં ખૂણે કાંઈ જ કર્યા વિના બેસી રહ્યા હતા. એ ત્યારે ચિંતન-લેખન તો કરતા ન હતા, ધ્યાન પણ ધરતા ન હતા. શિષ્યને આશ્ચર્ય એટલે થયું કે આવું દ્રશ્ય એણે આ પ્રથમવાર જ નિહાળ્યું હતું.
કુતૂહલ શમાવવા એણે સંત પાસે જઈ નમ્રતાથી પૂછયું : "ગુરૂજી ! આપ શું કરી રહ્યા છો અત્યારે !" "સંતે શિષ્ય ચોંકી જાય તેવો ઉત્તર આપ્યો : "અત્યારે હું એક તોફાની વરુને બહાર ધકેલવાની જહેમત કરી રહ્યો છું." "વરુ ? વરુ અહીં છે જ ક્યાંથી ?" શિષ્યે ગુંચવાઈ જતા પૂછયું સંતે સ્પષ્ટતા કરી : "જો, સાંભળ. વરુ બહાર નહિ, મારી ભીતરમાં -મનમાં પ્રવેશીને તોફાને ચડયું છે. એ વરુનું નામ છે ક્રોધ. એ વચન અને કાયાનાં સ્તરે પહોંચી જઈ નુકસાનો ન કરે તે માટે સમતામય વિચારોના ભાલાઓથી એને બહાર ધકેલવા-ભગાડવા હું અહીં સાવ એકલો બેઠો છું !"તો, આ થઈ ભેદનીતિ. જેમાં ક્રોધને વચન-કાયાથી દૂર રાખવાનો પ્રબળ પુરુષાર્થ છે...
(૩) વિલંબનીતિ :- સંસ્કૃત સાહિત્યમાં એક સરસ સુભાષિત મળે છે. એનો પૂર્વાર્ધ આ છે કે "સહસા વિદધીત ન ક્રિયા, મવિવેક: પરમાપદાં પદમ્." એ એમ કહે છે કે કોઈ પણ પ્રવૃત્તિ ઉતાવળમાં એટલે કે વિપરીત ઘટનાના આવેગમાં તાત્કાલિક પ્રતિક્રિયારૂપે ન કરવી. કારણ કે આવેગભર્યાં હૈયે અપાતી પ્રતિક્રિયામાં સાર-અસારનો કૃત્ય-અકૃત્યનો, યોગ્ય-અયોગ્યનો વિવેક રહેતો નથી. એ સુભાષિત બીજી પંક્તિમાં આનાથી ય સરસ વાત કરે છે કે "અવિવેક ભયાનક મોટી વિપત્તિઓનું સ્થાન છે." અહીં તર્ક એકદમ બરાબર જોડાય છે કે જે આવેગભરી પ્રવૃત્તિ વિવેક વિના - પરિણામના વિચાર વિના કરાય તેનું પરિણામ ભયાનક નુકસાનરૂપે જ આવે. બંને પંક્તિનાં કથનનો સાર એ છે કે આવેગના સમયે-ગુસ્સાની ક્ષણે કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા ન આપવી બલ્કે વિલંબનીતિ અપનાવવી.
જૈન કથા સાહિત્યમાં વંકચૂલનું દૃષ્ટાંત મળે છે. જીવનના બીજા તબક્કે સજ્જનશિરોમણિ અને મન્ત્રીશ્વર બનેલ એ મહાનુભાવ પુર્વતબક્કે નામચીન ડાકુ હતો. એને જૈન શ્રમણનો પરિચય થયો. એ તબક્કે એ સંપુર્ણ અહિંસાનો નિયમ લે તે અશક્ય લાગવાથી જૈન મુનિએ એને ચાર પૈકી એક નિયમ એ આપ્યો કે "શસ્ત્રનો ઘા કરતા પહેલા સાત ડગલાં પાછા હટવું." શું હતું આ ? થોડી વિલંબનીતિ.
છેલ્લે વિલંબનીતિના સંદર્ભમાં એક વાત : ઊકળતા પાણીમાં વ્યક્તિનું પ્રતિબિંબ બરાબર ન દેખાય, શાંત પાણીમાં જ બરાબર પ્રતિબિંબ દેખાય. એમ ઊકળતા મનમાં પરિસ્થિતિનું સાચું પ્રતિબિંબ ન દેખાય, શાંત મનમાં જ સાચું પ્રતિંબિબ દેખાય.