Get The App

અયોધ્યાપુરમ્થી શત્રુંજયમહાતીર્થ પદયાત્રા સંઘ : સિદ્ધગિરિના ઇતિહાસના સ્વર્ણિમ પૃષ્ઠનું રંગદર્શન

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
અયોધ્યાપુરમ્થી શત્રુંજયમહાતીર્થ પદયાત્રા સંઘ : સિદ્ધગિરિના ઇતિહાસના સ્વર્ણિમ પૃષ્ઠનું રંગદર્શન 1 - image


- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ

જૈન તીર્થોની સૃષ્ટિમાં શ્રી શત્રુંજયગિરિરાજનું સ્થાન એવું આગવું- અનોખું અને અનુપમ છે કે એ માત્ર તીર્થરૂપે નહિ- માત્ર મહાતીર્થરૂપે નહિ, બલ્કે તીર્થાધિરાજરૂપે વિખ્યાત છે. આ વિખ્યાતિ ફક્ત લોકમાનસની શ્રદ્ધા પર જ આધારિત નથી. બલ્કે એથી ય આગળ મહાન આર્ષપુરુષો દ્વારા રચાયેલ પ્રાચીન શાસ્ત્રો પર પણ આધારિત છે. આપણે એની બે-એક ઝલકો નિહાળીએ.

શ્રી શત્રુંજયગિરિરાજનો મહિમા દર્શાવતો પ્રાચીન ગ્રંથ 'શત્રુંજયમાહાત્મ્ય' હોવાની જાણ કેટલા ય આરાધકોને છે. એ ગ્રંથના સર્જક પૂર્વાચાર્યભગવંત શ્રી ઘનેશ્વરસૂરીશ્વરજી મહારાજની ગુરુકુલિકા ગિરિરાજ પર છે. ગિરિરાજના યાત્રિકો એ સ્થાને વંદન-નમન કરતા હોવાથી તેઓ આટલા ઇતિહાસથી પરિચિત હોય છે. પરંતુ એ ગ્રન્થ અને સર્જકની વાત માત્ર આટલી જ સીમિત નથી. ઇતિહાસ આનાથી ય વિશેષ અને અહોભાવથી મસ્તક ઝુકાવી દે તેવો છે. સંક્ષેપમાં નિહાળીએ તો, પ્રથમ તીર્થકર યુગાદિદેવ શ્રી ઋષભદેવ ભગવાનનાં મુખેથી શ્રી શત્રુંજયગિરિરાજનો અપૂર્વ મહિમા સાંભળી સર્વપ્રથમવાર 'શત્રુંજયમાહાત્મ્ય' નામે શાસ્ત્રગ્રન્થનું કથન કર્યું પ્રભુના પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામી ભગવંતે. આ જ તીર્થધિરાજ પર મોક્ષની પ્રાપ્તિ કરનાર પુંડરીકસ્વામીએ રચેલ એ ગ્રંથ હતો. સવા લાખ શ્લોક પ્રમાણ!

તે પછી ચોવીશમા તીર્થકર પરમાત્મા મહાવીરદેવના પંચમ ગણધર ગણસંપદાસમૃદ્ધ સુધર્માસ્વામીએ પ્રભુની આજ્ઞાાથી એ શાસ્ત્રનો સંક્ષેપ બોધની સરલતા માટે કર્યો. એ સંક્ષિપ્ત ગ્રન્થ હતો ચોવીશ હજાર શ્લોકપ્રમાણ. તે પછી વલ્લભી સામ્રાજ્યના અધીશ્વર શત્રુંજય ભક્ત સમ્રાટ શિલાદિત્યના સમયમાં મહાનજ્ઞાાની આચાર્યપ્રવર ધનેશ્વર સૂરીશ્વરજી મહારાજે હજુ સંક્ષેપ કરી નવ હજાર શ્લોક પ્રમાણ શત્રુંજયમાહાત્મ્ય ગ્રન્થ સર્જ્યો. જે આજે ય ઉપલબ્ધ છે. શ્રી તીર્થકરભગંવતોએ સ્વયં જેનું મહિમાદર્શન સ્વમુખે કર્યું હોય અને ગણધરભગવંતોએ જેનું મહિમાગુંથન કર્યું હોય એ શત્રુંજયગિરિરાજ તીર્થાધિરાજરૂપે વિખ્યાતિ વરે જ ને!

હવે નિહાળીએ શાસ્ત્રસંબંધી બીજી ઝલક. અતિમુક્ત નામે કેવલીભગવંતે શત્રુંજયગિરિરાજનો જે મહિમા નારદઋષિ સમક્ષ વર્ણવ્યો. તેના પરથી રચાયો છે 'શત્રુંજયલઘુકલ્પ' ગ્રંથ. આ ગ્રંથની એક ગાથા અમારાં અંતરને ખૂબ સ્પર્શી ગઈ છે. એ ગાથા આ છે કે :-

જંકિંચિ નામ તિત્થં, સગ્ગે પાયાલિ માણુસે લોએ;

તં સવ્વમેવ દિટ્ઠં, પુંડરીએ વંદિએ સંતે.

ભાવાર્થ કે સ્વર્ગલોક-પાતાલલોક અને માનવલોકમાં જેટલા તીર્થો છે તે તમામ તીર્થોનાં દર્શન-વંદનનો લાભ શ્રી શત્રુંજયગિરિરાજનાં દર્શન-વંદનથી પ્રાપ્ત થાય છે. કેવી અદ્ભુત વાત. ભક્તિ એક શત્રુંજયગિરિરાજની અને લાભ તમામ તીર્થોની ભક્તિનો !

એક ઔર વાત. કેટકેટલા ય તીર્થો એવાં છે કે જ્યાં તીર્થકર ભગવંતો પધાર્યા હોવાથી યા એમનાં કલ્યાણકો થયા હોવાથી એ સ્થાનો તીર્થરૂપે પ્રસિદ્ધિને વર્યા છે. જેમ કે અહિચ્છત્રાતીર્થ- કલિકુંડતિર્થ- પાવાપુરી- ચંપાપુરી વગેરે સ્થાનો. જ્યારે શત્રુંજયતીર્થાધિરાજની વિરલ વિશેષતા એ છે કે તે સ્થાન અનાદિકાલથી સ્વયંસિદ્ધ તીર્થરૂપ હોવાથી તીર્થકરભગવંતો સામેથી આ તીર્થસ્થાને પધારે છે. મતલબ કે આ મહાન તીર્થનો મહિમા તીર્થકરપ્રભુના પર્દાપણ પર આધારિત નથી. એ સ્વયંસિદ્ધ તીર્થ છે. આ મહાતીર્થની સૌથી મહાન વિશેષતા છે એનાં એકેક કણ-કણ પર અનંત અનંત આત્માઓની સિદ્ધિ-મોક્ષપ્રાપ્તિ. ઉત્કૃષ્ટ સત્ત્વ અને ઉત્કૃષ્ટ શૌર્યથી સાધના કરી આ તીર્થભૂમિ પર એટલા અનંત અનંત આત્માઓ સિદ્ધ થયા છે કે શત્રુંજયતીર્થાધિરાજ માટે ઉક્તિ પ્રસિદ્ધ છે 'કાંકરે કાંકરે અનંતા સિદ્ધયા'

એ મહાન સાધકોની પ્રત્યેકની વિશિષ્ટ સત્ત્વકથા-શૌર્યકથા હોવાની સંભાવના લક્ષ્યમાં રાખીએ તો, ઉપરોક્ત પંક્તિના લયમાં કહી શકાય કે 'કાંકરે કાંકરે અનંત ઇતિહાસ.' આપણે એ અનંત ઇતિહાસને તો જાણતા નથી. પરંતુ નિકટના સૈકાઓમાં કેટલાક ઇતિહાસ અહીં એવા સર્જાયા છે કે જે આપણાં આંખ-અંતરને અહોભાવની ભીનાશથી તર-બ-તર કરી દે. આવો, આજે આ સૌથી મોટાં તીર્થના સૌથી મોટા જિનાલયનો રોમાંચક ઇતિહાસ નિહાળીએ. એ જિનાલય એટલે નવ ટૂંકમાંની સવા-સોમાં ટૂંકનું વિરાટ ચૌમુખ જિનાલય. ઇતિહાસનો ઘટનાક્રમ કાંઇક આવો છે :

સૌરાષ્ટ્રનું એક પ્રસિદ્ધ શહેર વણથલી. ગરવા ગઢ ગિરનારથી થોડા અંતરે આવેલ એ શહેરમાં એક માલેતુજાર જૈન વ્યાપારીનું એકચક્રી વ્યાપારસામ્રાજ્ય પથરાયેલું હતું. નામ હતું એમનું સવચંદ શેઠ. મોટી પેઢી, મોટો વ્યાપાર અને મોટાં હિસાબ-કિતાબ. પૈસો એટલો ભરપૂર કે આસાપાસના ગામોના રાજાઓ- દરબારો શેઠની પેઢીએ લાખો રૂ.ની થાપણ મૂકી જાય. જ્યારે જોઈએ ત્યારે અડધી રાતે ય દરબારને વ્યાજસહિત થાપણ પરત મળી જાય. શેઠની પેઢી એટલે કુબેરદેવની પેઢી એવો સૌને આંખો મીંચીને વિશ્વાસ હતો.

પણ...ભલા, એક સરખા દિવસો ક્યારે ય કોઈના હોય છે ખરા ? સવચંદ શેઠનાં મોટાં વહાણો દરિયાપારના વ્યાપારો માટે જતા હતા એ તોફાનોમાં ફસાયા. વહાણો ડૂબી ગયા કે સલામત છે એના ય કોઈ વાવડ ન હતા. એથી અન્ય વ્યાપારોમાં રકમની તંગી સર્જાવા માંડી. પવનની પાંખે વાતો વિવિધરૂપે ફેલાવા માંડી. શેઠના વિરોધીઓને આમાં શેઠને નીચાજોણું કરાવવાની મોટી તક મળી ગઈ. એક ઇર્ષ્યાળુ વિરોધીએ ગરાસદાર દરબારની ભંભેરણી કરી કે ' શેઠની પેઢી કાચી પડી છે. તમારી થાપણ વ્યાજ સાથે વહેલામાં વહેલી લઈ લો. નહિ તો પૈસા ડૂબી જશે ને રાતે પાણીએ રડવાનો વારો આવશે.'

કાચા કાનના દરબાર બીજે જ દિવસે શેઠની પેઢીએ પહોંચી ગયા અને ઘરમાં નાણાંભીડ આવવાથી તમામ રકમ એક સાથે વ્યાજસહિત લઈ લેવાની માંગણી કરી. વિચક્ષણ શેઠ સમજી ગયા કે 'વહાણો ફસાયાની વાત સાંભળીને દરબારે સર્જેલ મુશ્કેલીનો આ વંટોળ છે. રકમ એટલી મોટી હતી કે તાત્કાલિક આપવી શક્ય ન હતી. દરબારની જીદ્દી જાત શંકાનાં કારણે બધી રકમ લીધા વિના રહેશે નહિ. વળી એને પૂરી રકમ નહિ અપાય તો શંકા વધતી જવાથી નવા લેણદારો ય જાગશે. માટે કોઈ પણ ભોગે આને તમામ રકમ આપવી જરૂરી છે. પણ તત્કાલ આટલી વ્યવસ્થા કરવી ક્યાંથી?' શેઠનાં મનના મહાસાગરમાં મૂંઝવણનાં મોજાં ઉછાળા મારી રહ્યાં.

અચાનક શેઠે એક સાહસભર્યો નિર્ણય કર્યો. એમણે એક હૂંડી લખીને તૈયાર કરી. દરબારને એ પત્ર આપતા શેઠે કહ્યું : 'આ પત્ર લઈ એના સરનામે અમદાવાદ પહોંચો. ત્યાંથી તમને પૂરી રકમ મળી જશે.' વ્યાપારીઓની આવી રીતરસમ સારી રીતે જાણતા દરબાર તુર્ત જ હુંંડી લઈ અમદાવાદ નીકળી ગયા. બીજે દિવસે સરનામાની જગ્યાએ એ પહોંચી ગયા. એ સોમચંદ શેઠની પેઢી હતી. વણથલીની પેઢી કરતાં ય અહીંનો કારોબાર મોટો હતો. સોમચંદ શેઠના મહેતાજીએ હૂંડી મુજબની રકમ ચુકવવા લેણદારોની ખાતાવહી કાઢી. બે કલાક મથ્યા પછી ય વણથલીના સવચંદ શેઠનું કોઈ ખાતું ન મળતાં એણે સોમચંદ શેઠને વાત કરીને ઉમેર્યું : ' આ નામ જ મારા માટે નવું છે. હૂંડી વાંચતાવેંત મને લાગતું હતું કે આ શેઠનું કોઈ ખાતું આપણે ત્યાં છે જ નહિં.'

ધીર-ગંભીર શેઠે પોતે હૂંડી લઈ બે વાર વાંચી. એમને સમજાતું ન હતું કે જ્યાં ખાતું ન હોય એ પેઢીમાં કોઈ વ્યાપારી ઉઘરાણીની હૂંડી કેમ મોકલે ? અચાનક એમની નજર હૂંડીની વચ્ચે ગઈ. ત્યાંના અક્ષરો ચેરાઈ ગયા હતા. ચતુર શેઠ મર્મ પામી ગયા કે 'આ આબરૂદાર વ્યાપારીની ઇજ્જત ધજાગરો થવાની અણી પર હશે. એટલે એણે રડતી આંખો આ હૂંડી મારા વિશ્વાસે લખી હશે. મારી ફરજ છે કે મારે એ વિશ્વાસ સાર્થક કરી એની ઇજ્જત બચાવવી.' શેઠે મહેતાજીને કહ્યું : 'આ તમામ રકમ મારા ખર્ચ ખાતે લખી દરબારને સંપૂર્ણ રકમ ચૂકવી દો.' આશ્ચર્યસ્તબ્ધ મુનીમે ચિટ્વીના ચાકર બની દરબારને લાખોની રકમ આપી દીધી. વણથલી પહોંચીને દરબારે સવચંદ શેઠની હૂંડીના ભરપેટ વખાણ કર્યા. શેઠની ઇજ્જત તો સચવાઈ ગઈ. ઉપરાંત નવા કોઈ લેણદારે શેઠ પર શંકા કરવાનો વિચાર સુદ્ધા ન કર્યો.

આ ઘટનાનાં થોડા વર્ષ બાદ એક વહેલી સવારે અમદાવાદના સોમચંદ શેઠની પેઢી પર રાણીછાપ સિક્કાની થેલીઓની થેલીઓ ઉતરવા માંડી. મુનીમોએ થેલીઓ ઉતારનારને પૂછયું : 'પહેલા એ તો કહો કે આ રકમ કોની છે ?'  ઉતારનારાઓએ હસીને કહ્યું : 'જેની રકમ છે એ શેઠ પાછળ જ આવે છે. પણ એમણે તમામ થેલીઓ તમારી પેઢીએ ઉતારવાનું કહ્યું છે.' સોમચંદ શેઠ પણ આશ્ચર્યમાં હતા કે આ રકમ મોકલનાર કોણ ? ત્યાં વણથલીના સવચંદ શેઠ આવ્યા. કહે : 'વર્ષો પહેલા અણીના સમયે તમે મારી ઇજ્જત બચાવી હતી. એ ઉપકારનો બદલો તો હું કદી નહિ વાળી શકું. માત્ર એ રકમ વ્યાજ સાથે પર આપવા આવ્યો છું.' સોમચંદ શેઠે દૃઢતાથી ઇન્કાર કર્યો : 'એ તો ભાઈ ભાઈને અણીના સમયે સાચલી લે એવી વાત હતી. એ રકમ પરત ન લેવાય. વળી મારાં ચોપડે તમારું કોઈ ઉધાર ખાતું છે જ નહિ. વ્યાપારી માટે તો ચોપડો એ જ શાસ્ત્ર. બન્નેમાંથી કોઈ એ રકમને હાથ લગાવવા તૈયાર ન થયું. આખરે એ રકમમાં ઉમેરા સાથે બન્નેએ શ્રી શત્રુંજયગિરિરાજ પર ચતુર્મુખ પ્રભુનું ઉત્તુંગ જિનાલય સર્જવાનો નિર્ણય કર્યો. એ જિનાલય એટલે જ આજની સવા-સોમાં ટૂંકનું ચૌમુખ જિનાલય. સિદ્ધ ગિરિરાજનું એ સૌથી ઉત્તુંગ જિનાલય છે.

જેના કણ કણમાં આવા કૈંક ઇતિહાસો ધરબાયેલા છે તે શત્રુજંયગિરિરાજનો છ'રી પાલક પદયાત્રા સંઘ, અમારી નિશ્રામાં અયોધ્યાપુરમ્થી તા.૮ થી ૧૩ ડિસેમ્બર દરમ્યાન યોજાયો છે, તો હજુ હમણા જ ગિરિરાજનાં સાન્નિધ્યમાં યુવામુમુક્ષુ કુ.ઋત્વી સંઘવીનો દીક્ષા મહોત્સવ-બસો સાઠ ઉપધાન તપસ્વીઓ પૈકી માળતપસ્વીઓનું મોક્ષમાળ વિધાન- ચારસો યાત્રિકોની નવાણું યાત્રા ય થઈ રહી છે. આ પુણ્ય પ્રસંગે સિદ્ધગિરિરાજને હૃદયથી વંદના કરતા ગાઈએ કે :

એકેકું ડગલું ભરે, શત્રુંજય સામું જેહ;

ઋષભ કહે ભવ ક્રોડના કર્મ ખપાવે તેહ...

'કેટકેટલાય તીર્થો એવાં છે કે જ્યાં તીર્થકરભગવંતો પધાર્યા હોવાથી યા એમનાં કલ્યાણકો થયા હોવાથી એ સ્થાનો તીર્થરૂપે પ્રસિદ્ધિને વર્યા છે. જેમકે અહિચ્છત્રાતીર્થ- કલિકુંડતીર્થ-પાવાપુરી-ચંપાપુરી વગેરે સ્થાનો. જ્યારે શત્રુંજયતીર્થાધિરાજની વિરલ વિશેષતા એ છે કે તે સ્થાન અનાદિકાલથી સ્વયંસિદ્ધ તીર્થરૂપ હોવાથી તીર્થકરભગવંતો સામેથી આ તીર્થસ્થાને પધારે છે. મતલબ કે આ મહાન તીર્થનો મહિમા તીર્થકરપ્રભુનાં પદાર્પણ પર આધારિત નથી. એ સ્વયંસિદ્ધતીર્થ છે. આ મહાતીર્થની સૌથી મહાન વિશેષતા છે એનાં એકેક કણ-કણ પર અનંત અનંત આત્માઓની સિદ્ધિ-મોક્ષપ્રાપ્તિ.'


Google NewsGoogle News