દોષો પોતાના જોતા રહેશો તો દોષમુક્ત બની જશો.... દોષો બીજાના જોતા રહેશો તો દોષખચિત બની જશો...
- અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ
ર મત ક્રિકેટની હોય કે કોઈ પણ, અને રમતવીર સામાન્ય દરજ્જાનો હોય કે શ્રેષ્ઠ દરજ્જાનો ઃ પરંતુ દરેક પ્રકારના ખેલાડીઓ ઉત્તરોત્તર પ્રગતિ માટે ત્રણ નિયમ અવશ્ય અનુસરતા હોય છે. એ ત્રણ નિયમોનો નિર્દેશ આપણે કરીશું 'પ્'અક્ષરથી શરૂ થતા ત્રણ ઈંગ્લીશ શબ્દોથી.
તેમાં પહેલો શબ્દ છે પ્લાનીંગ. ખેલાડી ચાહે તેટલો મહાન હોય અને રમત એની ચાહે તેવી ફેવરીટ હોય, પરંતુ પહેલો નિયમ આ જ છે કે દરેક ખેલાડીએ પોતે રમવા ધારેલ રમતનું પરફેક્ટ પ્લાનીંગ કરવું. ધારો કે ક્રીકેટની રમત ટેસ્ટમેચની હોય તો એ શરૂઆતના થોડા દડા ખાલી જવા દઈ પીચ-બોલર સાથે સેટ થાય અને પછી દડા મુજબ ફટકા મારશે. જો ક્રિકેટની રમત ટી-૨૦ની હોય તો ખેલાડી આવું કાંઈ સેટીંગ સાધ્યા વિના પ્રથમ જ દડાથી બેટ વીંઝવા માંડશે. કારણ કે એને ખબર છે કે આમાં દડા ખૂબ મર્યાદિત છે. માટે એક પણ દડો વ્યર્થ જવા નથી દેવો. આ અથવા પીચના આધારે-બોલરના આધારે રમત માટે અવનવા વિચારો કરવા એ છે પ્લાનીંગ. સારામાં સારો ખેલાડી પણ જો પ્લાનીંગ વિના આડેધડ બેટ વીંઝવા માંડે તો ઉત્તમ પર્ફોમન્સ ન આપી શકે.
બીજો શબ્દ છે પ્લેઈંગ. પ્લાનીંગ વિચારોના સ્તરે ચાલતી બાબત છે, જ્યારે પ્લેઈંગ પ્રવૃત્તિનાં સ્તરે રજૂ થતી બાબત છે. પ્લાનીંગ ચાહે તેટલું સરસ હોય. પરંતુ એ જો નેત્રદીપક પર્ફોર્મન્સરૂપે પ્રવૃત્તિમાં ન આવે તો એનો રમતવીરને કોઈ પરિણામદાયી લાભ થતો નથી. માટે પ્લાનીંગ કરતાં પણ પ્લેઈંગ વધુ મહત્વનું પરિબળ છે. ક્રિકેટની રમતમાં કેટલીકવાર એવું નિહાળવા મળે છે કે ટોપઓર્ડરના બેટ્સમેન સસ્તામાં આઉટ થઈ ગયા હોય અને ટીમની હાર નિશ્ચિત જણાતી હોય. છતાં એક ખેલાડી ઝનૂનથી ઝઝૂમી એવી મજબૂત રમત રમે કે નિશ્ચિત હાર જીતમાં પલટાઈ જાય. પ્લેઈંગ કેવું સૌથી મહત્ત્વનું પરિબળ છે તે આ એકાદ ખેલાડીની ઝનૂનથી ખેલાયેલ રમતમાં પ્રતિબિંબિત થાય છે.
જે ખેલાડીઓ પ્લેઈંગને અર્થાત્ પોતાની રમતને શાનદાર બનાવવા ચાહે છે તેઓ 'પોસ્ટમોર્ટમ' રૂપ ત્રીજા શબ્દને પણ એટલું જ મહત્ત્વ આપે છે. રમત પૂર્ણ થઈ ગયા પછી એને ટી.વી.વગેરે પર ફરી નિહાળી પોતે ક્યાં ભૂલ કરી હતી એ શોધવું તેનું નામ છે 'પોસ્ટમોર્ટમ.' ડોક્ટર જેમ મૃતદેહના 'પોસ્ટમોર્ટમ' દ્વારા મૃત્યુનાં કારણો નક્કી કરે, એમ પોતાની રમતના 'પોસ્ટમોર્ટમ' દ્વારા ખેલાડી એની નબળાઈના કારણો નક્કી કરે અને એનું નિવારણ કરી રમતને વધુ પરફેક્ટ-અધિક શાનદાર બનાવે.
આમ રમતક્ષેત્રે પ્લાનીંગ-પ્લેઈંગ-પોસ્ટમોર્ટમના નિયમ ઉત્તરોત્તર પ્રગતિ માટે ખૂબ ઉપયોગી અને ઉપકારક પુરવાર થાય એ નિઃશંક છે.
અમને લાગે છે કે માત્ર રમતક્ષેત્ર માટે જ નહિ, જીવનના હર કોઈ ક્ષેત્ર માટે આ ત્રણ નિયમ ઉપયોગી છે. આપણે એને ધર્મઆરાધનાના સંદર્ભમાં નિહાળીએ ઃ
જે વ્યક્તિ આરાધકભાવસંપન્ન છે એનાં મન-મગજમાં નવી નવી ધર્મપ્રવૃત્તિની-અનુષ્ઠાનોની આરાધનાના પ્લાનીંગ-વિચારો રમતા રહેવા જોઈએ. તપશ્ચર્યારૂપ ધર્મઆરાધનાના ક્ષેત્રના આવા બે ઉદાહરણો જોઈએ. એક જૈન પરંપરામાં સવારની પ્રતિક્રમણ આરાધનામાં તપચિંતવણી નામે એક કાઉસ્સગ્ગ વિધાન આવે છે. અન્ય કાઉસગ્ગવિધિમાં પ્રભુનાં નામસ્મરણરૂપ લોગ્ગસ્સ સૂત્રનું સ્મરણ હોય છે. જ્યારે આ કાઉસગ્ગમાં સાધક એ દિવસે ક્યો તપ કરવા ચાહે છે એનું બહુ મજાનું ચિંતન કરવાનું વિધાન છે. એ ચિંતનના અંતે સાધક નક્કી કરે કે આજે હું આ તપ કરીશ. બીજી વાત. કેટલાક સ્થળે તપસ્વીની મનોદશાનું વિવરણ કરતાં એમ જણાવાયું છે કે ''પારણાનાં દિવસે જેના મનમાં ભોજનદ્રવ્યની વિશેષતાના વિચારો નહિ, બલ્કે નવો તપ ક્યારથી શરૂ કરવો એના વિચારો રમતા હોય તે ખરો તપસ્વી.'' પ્રતિક્રમણ જેવી આરાધનામાં કરાતું તપચિંતન અને તપસ્વીની સચોટ વ્યાખ્યા
બીજું કાંઈ નહિ, પ્લાનીંગનો મહિમા સમજાવે છે. માત્ર તપના માટે નહિ, પરંતુ ધર્મઆરાધનાની વિધવિધ બાબતોમાં આ પ્લાનીંગ લાગુ પડે. અમે શ્રમણજીવનના શૈશવમાં અભ્યાસ કરતા હતા ત્યારે શ્લોકો કંઠસ્થ કરવાનું પ્લાનીંગ કરતા કે એક દિવસના પચીશ શ્લોક અને બાર દિવસના ત્રણસો શ્લોક. તેરમા દિવસે ત્રણસો તેર શ્લોકનો 'પ્રશમરતિ' ગ્રન્થ સંપૂર્ણ કરી ગુરુદેવને કડકડાટ અખંડ સંભળાવી દીધો. આ હતું જ્ઞાાન માટેનું પ્લાનીંગ, આવું જ અન્ય બાબતોમાં ય વિચારાય.
ધર્મક્ષેત્રે થતું આ પ્લાનીંગ પરિણતિને-વિચારધારાને વધુ ને વધુ શુભમાં જોડી રાખે. આનાથી એ આરાધક આત્માને થતા લાભો કલ્પનાતીત છે. એમાં ય જો હ્ય્દયનો ઉત્તમ ભાવોલ્લાસ-ઊછળતી ઉર્મિ ભળે તો વગર પ્રવૃત્તિએ ય પરિણામ કેવુ આવે એ જાણવું છે ? તો વાંચો પ્રભુ મહાવીરદેવના સાધનાકાળની આ હ્ય્દયસ્પર્શી સત્ય ઘટના ઃ
પરમાત્મા મહાવીરદેવે સાધનાકાળના એક ચાતુર્માસમાં સળંગ ચાર માસના ઉપવાસ કર્યા હતા. મૌનવ્રતી પ્રભુ ન તો કોઈને ઉપવાસ સંખ્યા કહેતા, ન પારણાનો દિવસ કહેતા. નગરના એક પ્રભુભક્ત જીર્ણશ્રેષ્ઠી રોજ નિયમિતપણે પ્રભુને વંદન કરી તપના પારણાનો લાભ પોતાને આપવાની વિનંતી કરે. ધ્યાનસ્થ પ્રભુ કદી કાંઈ પણ બોલ્યા ન હતા. પણ શ્રેષ્ઠીએ માની લીધું કે ચાતુર્માસ પૂર્ણાહુતિએ પારણાનો લાભ મને જ મળશે. એ રોજ પ્રભુના પારણાનું પ્લાનીંગ કેવી ભાવોર્મિથી કરતા એનું બયાન પંડિત કવિ વીરવિજયજીએ પૂજાઢાળમાં બહુ સરસ કર્યું છે.
એમાંની એક કડી આ છે કે ઃ-
ઉભી શેરીએ જળ છંટકાવું, જાઈ-કેતકી ફૂલ બિછાવું,
પટકૂળ-જરી પથરાવું, મેવામીઠાઈ થાળ ભરાવું...
ભાવોલ્લાસથી વિચારોના સ્તરે થતાં પ્લાનીંગનું ફળ શ્રેષ્ઠીને એ મળ્યું કે એમણે માત્ર પારણાના શુભભાવવશ બારમા દેવલોકના આયુષ્યનો બંધ કર્યો ! નોંધપાત્ર વિશેષ વાત આ ઘટનામાં બે છે. એક, શ્રેષ્ઠીએ પારણાની કોઈ એક્ટીવીટી-પ્રવૃત્તિ હજુ કરી જ ન હતી, માત્ર પ્લાનીંગ-મનોરથ કર્યા હતા. એમાં આટલો પ્રચંડ લાભ થયો. બે, શ્રેષ્ઠીના મનમાં આ શુભ વિચારો રમતા હતા ત્યારે જ દેવદુંદુભિનાદ થતાં પ્રભુનું પારણું અન્યત્ર થઈ ગયાનો ખ્યાલ આવી જતાં શ્રેષ્ઠીના પેલા પ્લાનીંગ શુભ વિચારો વિરમી ગયા. જો શ્રેષ્ઠીને પારણાની ખબર પડી હોત અને શુભ વિચારો આગળ વધ્યા હોય તો જૈન શાસ્ત્રોએ નોંધ્યું છે કે એ કેવળજ્ઞાાન પામી ગયા હોત...
ધર્મક્ષેત્રીય બાબતો માટે હવે વિચારીએ બીજો શબ્દ પ્લેઈંગ. આપણે એનું અર્થઘટન કરી ચૂક્યા છીએ કે પ્રસ્તુતમાં, વિચારોનું પ્રવૃત્તિના સ્તરે પરિણમન તે છે પ્લેઈંગ. ધર્મ દાનસંબંધી હોય, શીલસંબંધી હોય કે તપસંબધી ઃ એનું આચરણ એવું પરફેક્ટ હોય અને ભાવોલ્લાસથી લથબથ હોય કે એનાથી પણ પરિણામ અદ્દભુત-કલ્પનાતીન મળે. આપણે આ સંદર્ભમાં યાદ કરીએ સંગમ ગોવાળનું ઉદાહરણ.
સંગમ એવો ગોવાળ બાળક હતો કે જેની માતા વિધવા હતી અને ઘર એકદમ દરિદ્ર હતું. પેટપૂરતું ભોજન માંડ મેળવતા એ પરિવારમાં મા-દીકરો બે જ સભ્ય હતા. નાનો બાળક આસપાસના બાળકો સાથે રમતો. એ સમૃદ્ધ પરિવારોના બાળકો પાસેથી એણે ખીર જેવા મિષ્ટાન્નની વાતો સાંભળી. આથી એણે એક વાર મા પાસે જીદ કરી કે 'તું મને ખીર લાવી આપ.' બિચારી દરિદ્ર મા રડી પડી કે 'વહાલસોયા બાળની પહેલી વારની ઈચ્છા ય પૂર્ણ નથી કરી શકતી.' આસપાસની ગૃહિણીઓને રુદનનું કારણ ખબર પડતાં એમણે સૌજન્યથી દૂધ-ખીર-સાકર વગેરે વિના મૂલ્યે આપ્યું અને ગોવાળણે સરસ ખીર બાળક માટે તૈયાર કરી.
મા કાર્યવશ બહાર ગઈ. સંગમે ગરમ ખીર ઠારવા માટે થાળીમાં કાઢી. એ જ ક્ષણે એની ઝૂંપડીમાં માસક્ષમણના (ત્રીશ સળંગ ઉપવાસના) તપસ્વી જૈન મુનિવર ભિક્ષાર્થે પધાર્યા. આસપાસના જૈન ઘરોનાં કારણે એને મુનિના શ્રેષ્ઠ જીવનની-સાધનાની ખબર હતી. મુનિને સુપાત્રદાન આપવા એ એટલો ભાવુક-ઉલ્લસિત થઈ ગયો કે પોતાને ખીર પ્રથમવાર જ મળી છે - હજુ એનો સ્વાદ પણ લીધો નથી વગેરે બધી વાત એ ભૂલી ગયો અને મુનિ ના ના કરતા રહ્યા તો ય એક જ ધારે તમામ ખીર દાનમાં આપી દીધી ! આ હતું પ્લેઈંગ અર્થાત્ ઉત્કૃષ્ટતાપૂર્વકની ધર્મપ્રવૃત્તિ. એ નાનકડા અ-જૈન બાળકને પછીથી પણ ચડતો આનંદ જ હતો કે આજે મેં બહુ શ્રેષ્ઠ ધર્મકાર્ય કર્યું. પરિણામ એ આવ્યું કે એ ગોવાળ તે પછીના જન્મમાં રાજગૃહીનગરીનો દંતકથારૂપ શ્રેષ્ઠી શાલિભદ્ર બન્યો. રોજ નવાણું પેટી દેવલોકમાંથી એને ત્યાં આવતી. માનવદેહે દેવતાઈ સુખ ધરનાર એ પુણ્યાત્મા અંતે અઢળક સમૃદ્ધિ ત્યાગી શ્રમણ બન્યા અને ભાવિમાં સિદ્ધભગવંત બનશે. આ છે પ્લેઈંગનો-પ્રવૃત્તિનો પ્રભાવ.
ધર્મક્ષેત્રીય બાબતો માટે હવે વિચારીએ ત્રીજો શબ્દ 'પોસ્ટમોર્ટમ.' આરાધક આત્મા પોતાની ધર્મસાધનાઓનું-ક્રિયાઓનું 'પોસ્ટમોર્ટમ' કરે કે એમાં ક્યાં કઈ ખામી રહી ગઈ છે અને પછી દિલથી એ ખામી સુધારવાનો પ્રબળ પુરુષાર્થ કરે. આ સંદર્ભમાં ''પોસ્ટમોર્ટમ'' શબ્દને વ્યાપક અર્થમાં લઈ જઈ પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત સુધી પણ એનું વિસ્તરણ કરી શકાય. આ 'પોસ્ટમોર્ટમ'ના સંદર્ભમાં યાદ કરીએ બાહુબલિમુનિવરનું ઉદાહરણઃ
ભગવાન આદિનાથના પુત્ર બાહુબલિ મોટાભાઈ ભરત સાથેના સંગ્રામમાં અચાનક વૈરાગ્યવાસિત થઈ અજેય અવસ્થામાં દીક્ષિત થયા. એ પૂર્વે એમના નાના ભાઈઓ દીક્ષિત થયા હોવાથી દીક્ષાના નિયમ મુજબ એમણે નાના ભાઈઓને વંદન કરવાનું રહે. કેવલજ્ઞાાન થાય તો જ વંદન કરવાનું ન રહે. નાના ભાઈઓને વંદન ન કરવું પડે તે માટે બાહુબલિમુનિ દીક્ષાસ્થળે જ લગાતાર ઉપવાસ અને ધ્યાન સાથે સ્થિર રહ્યા. સળંગ એક વર્ષના ઉપવાસ છતાં એમને કેવલજ્ઞાાન ન થયું. કારણ કે અહંકાર નામે કષાયદોષ મોજુદ હતો. આખરે એમના બે બહેનસાધ્વીજીએ ત્યાં આવી મુનિવરને એમનો અહંકાર નામે દોષ દર્શાવ્યો ઃ જાણે કે સાધનાનું પોસ્ટમોર્ટમ થયું. મુનિવરે પોતાનો દોષ સ્વીકારી નાના ભાઈઓને વંદનની બુદ્ધિથી ડગ ભર્યું અને તત્ક્ષણ એમને કેવલજ્ઞાાન પ્રાપ્ત થઈ ગયું ! આ હતો ક્ષતિ સુધારણાનો-પોસ્ટમોર્ટમનો પ્રભાવ.
''પોસ્ટમોર્ટમ''ના સંદર્ભમાં છેલ્લે એક વાત ઃ દોષો પોતાના જોતા રહેશો તો દોષમુક્ત થઈ જશો... દોષો બીજાના જોતા રહેશો તો દોષખચિત થઈ જશો.