શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે કે કામરાગ અને સ્નેહરાગ કરતાં પણ સહુથી વધુ ખતરનાક છે દૃષ્ટિરાગ...
- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- મતાંધતા-દૃષ્ટિરાગ જો એક સિક્કો હોવાની કલ્પના કરીએ તો એ સિક્કાના બે પાસા કલ્પવા જોઈએ. કરૂણતા એ છે કે તે બન્ને પાસા વરવા છે - નુકસાનકારક છે ! પહેલું પાસુ છે પોતાની મતની નજરે તરી આવતી ક્ષતિ હોય તો ય બેધડક-બેશરમ એનો બચાવ કરવો કે જે ચીન્ટુનાં ઉદાહરણમાં સ્પષ્ટ પ્રતિબિંબિત થાય છે. બીજું વરવું પાસુ એ કે પોતાના મતથી અલગ-વિપરીત પક્ષ નિતાંત ખોટો જ છે એવું ઝનૂનથી માનીને એ પક્ષની તથાકથિત ચુંગાલમાં કોઈ ન આવી જાય એના માટે આંખો મીંચીને પ્રતીકાર કરવો- પ્રતિપક્ષને ખોટો ઠેરવવો.
વ્યક્તિનાં જીવન પર સારી-નરસી બહુ ઘેરી અસર સર્જી શકે એવું તત્ત્વ છે એની બુદ્ધિ. એ તીવ્ર હોય - સંસ્કારવાસિત હોય અને સન્માર્ગગામી હોય તો વ્યક્તિનાં જીવન પર ઘેરી સારી અસરો સર્જી શકે. બુદ્ધિ જો એનાથી વિપરીત હોય તો એ ઘેરી નરસી અસરો સર્જી શકે. આપણે એ બુદ્ધિ અંગે કેટલાક પ્રકારોની વિચારણાગત લેખથી શરૂ કરી છે. આજે એમાં થોડું આગળ વધીએ :
(૩) મતાંધબુદ્ધિ : અહીં 'મત' શબ્દનો અર્થ છે વ્યક્તિ પોતે જે ધર્મને-સંપ્રદાયને-ધર્મના એક વિભાગસ્વરૂપ પક્ષને અનુસરતી હોય તેનો અભિપ્રાય-વિચારો-રજૂઆત. પોતાના ધર્મની-સંપ્રદાયની-પક્ષની રજૂઆત પર સત્યતા-અસત્યતાનો યોગ્યતા-અયોગ્યતાનો સાર-અસારનો કોઈ વિચાર કરવા જે વ્યક્તિ બિલકુલ તૈયાર જ ન હોય અને ઝનૂનથી પોતાની જ વાત ખરી ઠેરવવાની વૃત્તિ ધરાવે તેને કહેવાય મતાંધ. આવી વ્યક્તિની બુદ્ધિને કહેવાય મતાંધબુદ્ધિ. જૈન શાસ્ત્રોમાં આવી મતાંધબુદ્ધિ માટે એક શબ્દપ્રયોગ કરાયો છે દૃષ્ટિરાગ. જરા વિસ્તારથી સમજીએ આ દૃષ્ટિરાગની ભયાનકતા.
જૈન પરંપરા રાગ-દ્વેષને આત્માના સૌથી ખતરનાક અને સૌથી વધુ નુકસાનકારક શત્રુઓ માને છે. આ રાગ-દ્વેષનાં કારણે જ જીવની ભવપરંપરા ચાલે છે અને કર્મબંધનું ચક્કર ચાલે છે. એ બન્નેમાં પણ દ્વેષ કરતાં રાગને અત્યંત નુકસાનકારી શત્રુ ગણાવેલ છે. આ રાગના મુખ્ય ત્રણ પ્રકાર છે : (એ) કામરાગ. વાસનાજનિત પ્રેમને-આસક્તિને કહેવાય છે કામરાગ. સરેરાશ વ્યક્તિઓ આત્મદૃષ્ટિએ સૌથી નુકસાનકારી રાગ તરીકે આ 'કામરાગ'ને માને છે. (બી) સ્નેહરાગ. વાસનાજનિત સિવાયના પ્રેમને-લાગણીને કહેવાય છે આ સ્નેહરાગ. પિતા-નુત્ર, માતા-પુત્ર, ભાઈ-બહેનના પ્રેમને કહેવાય છે સ્નેહરાગ. (સી) પોતાના મનની નજરા દેખાતી અસંગત-અયુક્ત વાતને ય જરા પણ અયુક્ત ન માની એનો ઝનૂનપૂર્વક બચાવ કરવો, અન્યોને ઝનૂનથી તોડી પાડવા તે છે દૃષ્ટિરાગ.
કલિકાલસર્વજ્ઞા હેમચન્દ્રાચાર્ય જેવા મહાન સારસ્વત પૂર્વાચાર્ય આ ત્રણ રાગ અંગે કયો અભિપ્રાય ધરાવે છે તે એમના જ રચેલ 'વીતરાગસ્તોત્ર' ગ્રન્થના એક શ્લોક દ્વારા એમના જ શબ્દોમાં નિહાળીએ. તેઓ વીતરાગસ્તોત્રના છટ્ઠા પ્રકાશમાં ફરમાવે છે કે :-
કામરાગસ્નેહરાગા, - વિષત્કરનિવારણૌ;
દૃષ્ટિરાગસ્તુ પાપીયાન, દુરુચ્છેદ: સતામપિ.
ભાવાર્થ કે 'કામરાગ ભલે ખતરનાક હોય ને સ્નેહરાગ ભલે કર્મબંધકારક હોય, પરંતુ દૃષ્ટિરાગના મુકાબલે એ બન્ને રાગ જલ્દીથી નિવારી શકાય છે. ખરો ખતરનાક-ભયંકર છે દૃષ્ટિરાગ. ભલભલા સજ્જનો-સંતો પણ એનું જલ્દી નિવારણ કરી શકતા નથી.' કારણ ? એક જ કે કામરાગ-સ્નેહરાગમાં પાપની બુદ્ધિ છે માટે એને જલ્દી મારી હટાવી શકાય છે. જ્યારે દૃષ્ટિરાગમાં ધર્મની બુદ્ધિ છે, ઝનૂનમાં ય 'ધર્મરક્ષા'નો કાતિલ કેફ છે. માટે એનું-મતાંધતાનું આસાનીથી નિવારણ બહુ મુશ્કેલ છે. દૃષ્ટિરાગી વ્યક્તિની માનસિક્તા કેવી હોય એ જાણવું છે ? તો વાંચો આ રમૂજી કથા :
મમ્મીનો એકનો એક નાનકડો વહાલસોયો દીકરો ચીન્ટુ. દીર્ઘ પ્રતીક્ષા પછીનો એનો જન્મ અને એકનો એક કુંવર હોવાથી 'મા' ને એના પર જબરજસ્ત પક્ષપાત હતો. નજરે દેખાતી ભૂલ હોય તો ય એ ચીન્ટુ વિરૂદ્ધની કોઈ વાત સાંભળવા તૈયાર ન થાય. એક વાર એવું બન્યું કે ચીન્ટુ સળંગ પાંચ દિવસ સ્કૂલે મોડો પહોંચ્યો. અન્ય બાળકોમાં ગેરશિસ્તના સંસ્કારો ન આવે તે માટે સ્કૂલના પ્રિન્સીપાલે ચીન્ટુનો પ્રવેશ અટકાવી એની માતાને સ્કૂલમાં બોલાવી. પ્રિન્સીપાલે ઘટનાક્રમ રજૂ કરી ચીન્ટુને 'પનીશમેન્ટ'ની વાત કરી. 'મારો દીકરો ભૂલ કરે જ નહિ'. આવો મજબૂત દૃષ્ટિરાગ ધરાવતી માતા આવેશમાં આવી ગઈ. એ છણકા સાથે ચીન્ટુને લઈ ચાલતી પકડતા ગુસ્સાભેર બોલી. "તમારી સ્કૂલ રોજ 'બેલ' વહેલો બજાવી દેતી હશે. બાકી મારો ચીન્ટુ મોડો પડે એવો છે જ નહિ. હું એને બીજી સ્કૂલમાં ભણવા મુકી દઈશ !"
'કોમનસેન્સ' એમ કહે છે કે 'બેલ' જો પાંચ દિવસ વહેલો બજ્યો હોત તો બધા જ બાળકો મોડા થયા હોત, એકલો ચીન્ટુ નહિ. આમ છતાં ચીન્ટુની મમ્મીએ બે-ધડક ચીન્ટુનો તદ્દન ગલત બચાવ કર્યો એ દૃષ્ટિરાગનું વરવું પરિણામ હતું. મતાંધતા-દૃષ્ટિરાગ જો એક સિક્કો હોવાની કલ્પના કરીએ તો એ સિક્કાના બે પાસા કલ્પવા જોઈએ. કરૂણતા એ છે કે તે બન્ને પાસા વરવા છે - નુકસાનકારક છે ! પહેલું પાસુ છે પોતાની મતની નજરે તરી આવતી ક્ષતિ હોય તો ય બેધડક-બેશરમ એનો બચાવ કરવો કે જે ચીન્ટુનાં ઉદાહરણમાં સ્પષ્ટ પ્રતિબિંબિત થાય છે. બીજું વરવું પાસુ એ કે પોતાના મતથી અલગ-વિપરીત પક્ષ નિતાંત ખોટો જ છે એવું ઝનૂનથી માનીને એ પક્ષની તથાકથિત ચુંગાલમાં કોઈ ન આવી જાય એના માટે આંખો મીંચીને પ્રતીકાર કરવો- પ્રતિપક્ષને ખોટો ઠેરવવો. આ ઝનૂનમાં - આ ધૂનમાં સરેરાશ વ્યક્તિનું કેવું નિકંદન નીકળી જાય- એ કેવી ઉભયભ્રષ્ટ થઈ જાય છે એ જાણવું છે ? તો વાંચો આ માર્મિક કથા :
સમી સાંજે ખેતરમાં ખાટલો ઢાળી આરામ કરવા તત્પર ખેડૂતે માર્ગ પરથી કોઈ સંતને પગપાળા જતા જોયા. 'અતિથિદેવો ભવ'ની ભાવનાથી વાસિત ખેડૂતે દોડતા જઈ સંતને જમણનો-રાત્રિના નિવાસનો લાભ આપવા વિનંતી કરી. સૂરજ ઢળવા પર હતો. એથી સંતે પણ જરૂરિયાત જોઈ આમન્ત્રણ સ્વીકારી લીધું. ભોજન પછીનાં ભજનોએ ખેડૂતના પરિવારમાં રંગત લાવી દીધી. સંતે માપી લીધું કે ખેડૂતનું જીવન કોરી પાટી જેવું છે. કોઈ સંત કે મત સાથે એ જોડાયો નથી. એથી પ્રભાતે જવાની ક્ષણે સંતે ખેડૂતને નાનકડો નિયમ આપ્યો કે "તમારે રોજ 'સોહં' આ મન્ત્રની એક માળા ગણવી. માત્ર પાંચ મિનિટ લાગશે ને તમને પરલોકનું ભાતું બંધાશે." માત્ર પાંચ મિનિટની જ વાત હતી. માટે ખેડૂતે એ મન્ત્ર સ્વીકારી લીધો. સંત અદ્વૈત મતના હતા. એ રાજી થયા કે ચલો, મારા પંથનો એક અનુયાયી વધ્યો. જો કે, ખેડૂતને મન્ત્રના અર્થની કે અદ્વૈત મતની કોઈ ગતાગમ ન હતી.
છ માસ બાદ એવી જ સમી સાંજે બીજા સંત ખેડૂતની કુટિરે પધાર્યા. રાત્રે એવો જ ભજનોનો જલસો થયો. સવારે વિદાય થતાં પુર્વે સંતને ખબર પડી કે આ 'સોહં' મન્ત્રનો જાપ કરે છે. એ દ્વૈત મતના હતા અને આ મન્ત્ર અદ્વૈત મતનો હતો. સંત મનોમન ભડકી ગયા કે આને અદ્વૈતની પકડમાંથી તો ગમે તે ઉપાયો છોડાવવો જ છે. ખેડૂત સાથેની વાત પરથી એમણે માપી લીધું કે આ મન્ત્ર છોડાવા તૈયાર નહિ થાય. કોઈ પણ ભોગે પ્રતિપક્ષના મતથી બચાવવા એ સંતે 'માસ્ટર સ્ટોક' ખેલ્યો. એમણે ખેડૂતને કહ્યું : "મારી સ્મૃતિમાં મારા માન ખાતર આ મન્ત્રમાં એક અક્ષર ઉમેરીને તું જાપ કર." ખેડૂતે આ સંતનું માન રાખવા કહી. સંતે 'દા' અક્ષર ઉમેરી મન્ત્ર બનાવ્યો 'દાસોહં'. ખેડૂતને આ રમત સમજાઈ નહિ પરંતુ આમાં રમત બહુ મોટી હતી. સોહં એટલે જે તે એ જ હું. આ મન્ત્ર પરમાત્મા સાથે અદ્વૈતનો-એકરૂપતાનો સૂચક હતો. જ્યારે દાસોહં મન્ત્ર પ્રભુ સાથે દ્વૈતનો-ભેદનો સૂચક હતો કે હું દાસ અને પ્રભુ મારા સ્વામી !'
છ માસ બાદ પહેલાના સંત આવ્યા. એમણે ય મન્ત્રમાં એક અક્ષર વધારવાનો દાવ રમી મન્ત્ર કર્યો 'સદા સોહં'. આમાં વળી પાછો અદ્વૈત મત પુષ્ટ થતો હતો. આ રીતે એમણે પોતાના અનુયાયીને પોતાના વાડામાં બાંધ્યો. છ માસ બાદ બીજા સંત આવ્યા. એમણે વળી 'દા' અક્ષર ઉમેરી મન્ત્ર કરાવ્યો. 'દાસદાસોહં.' આમ દર છ મહિને મન્ત્રમાં એકેક અક્ષર ઉમેરાતો ગયો. ખેડૂતનો સમય પણ વધુ જતો હતો અને એને મન્ત્ર બોલવામાં ય તકલીફ થતી હતી. પરિણામ એ આવ્યું કે કંટાળીને એણે છેલ્લે માળા ગણવાનું જ બંધ કરી દીધું !
મતાંધ વ્યક્તિઓ સરેરાશ વ્યક્તિને કેવી પરેશાન-હેરાન કરી નાંખે એનો આ નાદર નમૂનો છે.
(૪) મૂઢબુદ્ધિ : મૂઢતા એટલે મોહમયતા-પ્રબળ આસક્તિ. આ પ્રબળ આસક્તિનાં કારણે પ્રાજ્ઞા વ્યક્તિની બુદ્ધિ પણ એવી સૂનમૂન થઈ જાય. લકવાગ્રસ્ત થઈ જાય. કુંઠિત થઈ જાય કે એ સામાન્ય સ્થિતિમાં કરી શકે તેવો વિચાર પણ ન કરી શકે. કેટલીકવાર આપણી આસપાસ એવું નિહાળાય છે યા આપણે સ્વયં એ સ્થિતિ અનુભવીએ છીએ કે અણધારી મોટી દુર્ઘટનાના 'શોક' રૂપે ઝટકારૂપે આપણી બુદ્ધિ કેટલોક સમય કિંકર્તવ્યમૂઢ થઈ જાય. બસ, આવી જ અવસ્થા વ્યક્તિ-વસ્તુ પરની પ્રબળ આસક્તિથી જ્યાં સર્જાય તેને કહેવાય છે મૂઢબુદ્ધિ.
પ્રબળ આસક્તિનાં કેન્દ્રો સામાન્યપણે ચાર છે : શરીર-સ્વજન-સંપત્તિ અને સામગ્રી. અમારા ખ્યાલમાં એક એવી વ્યક્તિ છે કે જેનો દેહ-શરીર પુરી જિંદગી સ્વસ્થ હતું. છેલ્લે એકાએક 'ગ્રેગરીન' થઈ જતાં અનિવાર્યપણે તાત્કાલિક અર્ધા ઉપર એક હાથ કપાવવો પડયો. આ ઘટનાથી એની મતિ મૂઢ બની ગઈ - એને સખત 'શોક' લાગ્યો કે આ ઠૂંઠો હાથ જોઈ લોકો મશ્કરી કરશે. - મારું ખરાબ દેખાશે ઈત્યાદિ. એણે ઘરમાં જ પુરાઈ રહેવાનું રાખ્યું અને... માનશો ? સતત દુ:ખી રહેવાનાં કારણે બાર જ દિવસમાં એ વ્યક્તિ પરલોક સીધાવી ગઈ !