ઘડતર પથ્થરને પ્રતિમા બનાવે છે...આદર્શો માનવીને મહાન બનાવે છે...

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
ઘડતર પથ્થરને પ્રતિમા બનાવે છે...આદર્શો માનવીને મહાન બનાવે છે... 1 - image


- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- 'આજે સંભળાવનાર લોકો ઘણા છે, સંભળાવનારની અપેક્ષાએ સાંભળનાર લોકો અલ્પ છે, સાંભળનારની અપેક્ષાએ સમજનાર લોકો એથી ય અલ્પ છે અને સમજનારની અપેક્ષાએ એ મુજબ વર્તનાર વર્ગ તો અત્યંત અલ્પ છે !'

કુદરતની-કર્મસત્તાની મોટી સોગાદરૂપે મળેલ આ જીવનને વધુ સાર્થક-વધુ ઉન્નત બનાવવા માટે કેટલાક સરસ દૃષ્ટિબિંદુઓ- અભિગમો અપનાવવા ખાસ આવશ્યક છે. ગત લેખથી આપણે ચાર એવા અભિગમો પર વિચારણા આરંભી છે કે જે સહુ જનોને સ્વીકાર્ય બની રહે. ન એમાં કોઈને ધર્મનો બાધ આવે, ન એમાં કોઈને સમાજના-જ્ઞાાતિના રીવાજનો બાધ આવે. આજના લેખમાં વિચારીશું એમાંના બીજા અને ત્રીજા ક્રમના અભિગમ.

૨) અન્યોને સમજવાનો અભિગમ : ધ્યાનથી નિરીક્ષણ કરીશું તો એ ખ્યાલમાં આવવશે કે આજે અચ્છા અચ્છા શિક્ષિત-વેલ એજ્યુકેટેડ લોકોને ય મહદંશે એ બાબતનો ધખારો હોય છે કે પોતાની વાત બીજાને કેવી રીતે ઝડપથી સમજાવી દેવી. એમને રસ હોય છે પોતાની વાત જલ્દીથી સમજાવી દેવામાં, બીજાની વાત ધ્યાનથી સમજવામાં નહિ. એમના આ ધખારા અન્યો સાથેની ચર્ચામાં-વાર્તાલાપમાં ઘણી વાર આવા વાક્યોથી વ્યક્ત થાય છે કે 'તમે પહેલા મારી વાત સમજો.. તમે મારી વાત સમજતા જ નથી. ઇત્યાદિ. કમાલ છે ને ! પોતે સામી વ્યક્તિની વાત સમજવામાં જરા ય દિલચશ્પી ધરાવતા નથી એનો કોઈ વિચાર નહિ અને સામેની વ્યક્તિ પોતાની વાત પોતે ચાહે એ રીતે જ સમજે તેવો દુરાગ્રહ. પછી ક્યાંથી ચર્ચાનાં વલોણામાંથી સંવાદનું નવનીત પ્રગટે ?

એક સરસ વિધાન આ સંદર્ભમાં ટાંકવા જેવું છે કે ' આજે સંભળાવનાર લોકો ઘણા છે, સંભળાવનારાની અપેક્ષાએ સાંભળનાર લોકો અલ્પ છે, સાંભળનારની અપેક્ષાએ સમજનાર લોકો એથી ય અલ્પ છે અને સમજનારની અપેક્ષાએ એ મુજબ વર્તનાર વર્ગ તો અત્યંત અલ્પ છે !' આ એકદમ વાસ્તવદર્શી વિધાનનો સૂર એ છે કે સામી વ્યક્તિની વાત સાંભળવી-સમજવી અને એ મુજબ વર્તવું : આમાં બહુ જૂજ લોકોને રસ છે. ઘણા બધા તો સામી વ્યક્તિની વાત સાંભળવાનો માત્ર ફીઝીકલી દેખાવ કરતા હોય છે. સાંભળવાની એ ક્ષણોમાં ય એનું ચિત્ત સામી વ્યક્તિને સમજવામાં રમતું ન હોય, બલ્કે સામી વ્યક્તિને પોતાની વાત કયા શબ્દોથી સમજાવી દેવી-ગળે ઉતારી દેવી એ જ ચક્કરમાં એનું ચિત્ત રમતું હોય.

મહાન રાજનીતિજ્ઞા તરીકે પંકાયેલ ચાણક્ય. એ રાજનીતિનાં ક્ષેત્રનું એવું બેજોડ વ્યક્તિત્વ હતું કે સેંકડો-હજારો વર્ષ પછી ય આજના માહેર રાજનીતિજ્ઞા માટે ' આ તો ચાણકય જેવા છે' એવા વાક્યપ્રયોગ થાય છે. આ ચાણક્યે કોઈની સહાય વિના એકલે હાથે વિરાટ નંદસામ્રાજ્ય ધ્વસ્ત કર્યું હતું અને ચન્દ્રગુપ્તને મહાન સમ્રાટ બનાવ્યો હતો. પણ.. શરુઆતના તબક્કે તો મહાન કૂટનીતિજ્ઞા ચાણક્યને ય પીછેહઠ કરવી પડી હતી. બન્યું હતું એવું કે પહેલીવારમાં નંદ સામ્રાજ્ય સામે બાથ ભીડવા ચાણક્યે એક જ યુદ્ધમાં આર-પારને જંગ ખેલવાનો વ્યૂહ અપનાવ્યો હતો. એથી સરહદી પ્રદેશ જીતવાના બદલે એણે સીધી રાજધાની પાટલિપુત્ર સુધી કૂચ કરી અને ત્યાં જ મોટું યુદ્ધ ખેલ્યું. આમાં ચાણક્યને બન્ને બાજુથી માર પડયો. નંદરાજાની વિરાટ સેનાએ એને આગળથી ભીંસમાં લીધો અને સરહદ તરફથી આવેલ સેનાએ એને પાછળથી ભીંસમાં લીધો. હારવાની અણી પર આવી ગયેલ ચાણક્ય અને ચન્દ્રગુપ્ત જીવ બચાવીને ત્યાંથી ભાગી ગયા. ચાણક્યનાં મનમાં એ મંથન ચાલતું હતું કે વ્યૂહરચનામાં થાપ ક્યાં ખાધી ?

ગ્રામીણ વ્યક્તિના વેશમાં બન્ને અંતરિયાળ ગામડાંઓમાંથી પસાર થઈ રહ્યા હતા. સાંજના સમયે કકડીને ભૂખ લાગતા તેઓ એક ઘરમાં પ્રવેશ્યા. ઘરના વૃદ્ધ માજીએ અતિથિદેવો ભવની સંસ્કૃતિ અનુસાર બન્ને અજાણ્યા અતિથિને આવકારી જમવા બેસાડયા. એ જ સમયે ઘરે આવેલ યુવાન પુત્રને પણ માજીએ અતિથિઓ સાથે જમવા બેસાડયો. અત્યંત ગરમ ગરમ ખીચડી ત્રણે ય ને પીરસાઈ. ક્ષુધાતુર પુત્રે તુર્ત ખીચડીની વચ્ચે હાથ નાંખ્યો. કોળિયો તો ન ભરી શકાયો, પણ એનો હાથ તીવ્રપણે દાઝી ગયો. યુવાન પુત્ર ચીસ પાડી ઉઠયો. માજી હસતા હસતા બોલી ઉઠયા : 'અલ્યા, તું પણ પેલા ચાણક્ય અને ચન્દ્રગુપ્ત જેવો મૂર્ખ છે. ગરમ ગરમ ખીચડીમાં વચ્ચે હાથ ન નંખાય. એને છેડે છેડેથી છૂટી પાડીને વાપરવી જોઈએ.'

ગુપ્ત વેશે રહેલ ચાણક્ય અને ચન્દ્રગુપ્ત પોતાનાં નામ સાંભળી ચમકી ઉઠયા. ચાણક્યે પોતાની ઓળખ ખુલ્લી કર્યા વિના પૂછયું : 'માજી ! ચાણક્ય-ચન્દ્રગુપ્તે શી મૂર્ખતા કરી ?'

એ જ હાસ્ય સાથે માજી બોલ્યા : 'બસ, આ મારા પુત્ર જેવી જ મૂર્ખતા એ બન્નેએ કરી. ગરમ ખીચડી જેમ છેડે છેડેથી ખવાય, એમ ચાણક્યે પહેલા સરહદનો વિસ્તાર ટુકડે ટુકડે જીતવા જેવો હતો. એમાં એ તુર્ત સફલ થાત અને નંદસમ્રાટના સૈન્યની શક્તિનો એનો અંદાજ પણ આવી જાત. પરંતુ આવું કાંઈ કર્યા વિના એણે સીધું રાજધાની પર આક્રમણ કર્યું. એથી એ પણ મારા દીકરાની જેમ દાઝી ગયો ને હાર્યો !

ચાણક્ય જેવા મહાન વિદ્વાન અને નિષ્ણાત રાજનીતિજ્ઞો અભણ માજીની વાત માત્ર ધ્યાનથી સાંભળી જ નહિ, સમજી પણ ખરી અને અમલમાં ય લીધી. બીજીવાર એણે વ્યૂહરચના બદલી. સરહદના વિસ્તારો જીતતા જીતતા એ આગળ વધ્યો અને છેલ્લે પાટલિપુત્રના યુદ્ધમાં વિજેતા બની નંદસામ્રાજ્ય ધ્વસ્ત કર્યું ! અન્યોને સમજવાનો આ પ્રભાવ હતો : પછી ભલે ને સામી વ્યક્તિ અભણ હોય. વાતમાં તથ્ય હોય તો એને ય સાંભળી-સમજી શકાય. આ જ 'વેવલેન્થ' પર સંસ્કૃત સાહિત્યમાં સરસ સૂત્ર મળે છે કે 'બાલાદપિ હિતં ગ્રાહ્યમ્.' મતલબ કે હિતકારી વાત જો નાના બાળક પાસેથી પણ મળે તો એને સાંભળવાની સમજવાની સજ્જતા રાખવી જોઈએ.

૩) આદર્શોને અનુસરવાનો અભિગમ : એક વાત નિશ્ચિત છે કે લક્ષ્ય જેવું રખાય તે પ્રમાણેના લાભ-નુકસાન વ્યક્તિને થાય. લક્ષ્ય જો ચોરી-વ્યસન-વ્યભિચાર જેવાં કનિષ્ઠ રખાય તો વ્યક્તિને નુકસાન થાય અને બાહ્ય યા અભ્યંતર સ્તરે પ્રગતિ થાય તેવા લક્ષ્ય રખાય તો લાભ થાય.

બાહ્ય સ્તરની પ્રગતિનાં કેટલાક ઉદાહરણો જોઈએ. ધારો કે એક બાળક મોટો થઈને ડોક્ટર-વકીલ-સી.એ. થવાનું લક્ષ્ય રાખતો હોય તો એ લક્ષ્ય સર કરવાથી એને આર્થિક લાભ સરસ થાય. સરેરાશ સામાન્ય નોકરીયાતને આર્થિક અસુરક્ષિતતા જેટલી નડે એટલી આ બાળકને ન નડે. એમાં ય જો એ 'પાવરફુલ' હોય તો તો આર્થિક રીતે સદ્ધરતા અનુભવે. ધારો કે એક બાળકે ક્રિકેટ વગેરેમાં રમતવીર બનવાનું લક્ષ્ય રાખ્યું હોય અને એ તે લક્ષ્ય ઉત્કૃષ્ણપણે સર કરે તો એને આર્થિક સદ્ધરતા ઉપરાંત વ્યાપક પ્રસિદ્વિ મળે. પંદર-વીશ વર્ષનો સમયખંડ જીવનનો એવો મળે કે જે એને સતત 'સેલીબ્રીટી'નું માન-સન્માન અપાવે. ધારો કે એક બાળક વૈજ્ઞાાનિક થવાનું લક્ષ્ય રાખે અને એ લક્ષ્ય ઉત્તમપણે સર કરે તો એને 'આર્થિક સદ્ધરતા' મળે, ઉપરાંત ઇતિહાસમાં ચિરંજીવ ગૌરવવંતુ સ્થાન પણ મળે. એની શોધ પ્રજાને જેટલી ઉપયોગી- ઉપકારક, એટલી એની સ્મૃતિ ચિંરજીવ.

ઉપર જે જણાવ્યા તે ફક્ત બાહ્ય સ્તરનો લાભ કરાવતાં લક્ષ્યો છે. જ્યારે આદર્શોને અનુસરવાનો અભિગમ એટલે કે આદર્શને લક્ષ્ય બનાવી જીવવાનો અભિગમ એવો છે કે જે અભ્યંતર સ્તરે તો લાભ કરાવે જ, ઉપરાંત બાહ્ય સ્તરે પણ લાભ કરાવે. આપણે અહીં ઉચ્ચત્તમ આધ્યાત્મિક આદર્શોનો ઉલ્લેખ એટલે નથી કરતા કે અહીં સર્વસામાન્ય જનસમૂહ આત્મસાત્ કરી શકે એવા ય આદર્શો રજૂ કરવા છે. એનાથી અભ્યંતર લાભ ઉપરાંત બાહ્ય લાભ પણ વિવિધરૂપે થાય છે.

દયા-કરુણા-પરોપકાર- પ્રામાણિકતા-સત્યનિષ્ઠા - સદાચાર વગેરે આવા આદર્શો છે. એને સામાન્ય જનસમૂહની કોઈ પણ વ્યક્તિ ધર્મપરંપરાઓના બાધ વિના અને સંસારત્યાગ જેવા મોટા આધ્યાત્મિક પરાક્રમ વિના પણ આત્મસાત્ કરી શકે છે. શરત માત્ર એટલી જ કે વ્યક્તિમાં આદર્શોને આત્મસાત્ કરવાનો- અનુસરવાનો અભિગમ સન્નિષ્ઠ હોવો જોઈએ. દયા-કરુણાના સન્નિષ્ઠ અભિગમે મેઘરથ રાજાને આગળ જતાં સોળમાં તીર્થકર શાંતિનાથભગવાન બનવા સુધીનો લાભ કરાવ્યો, તો પરોપકારના સન્નિષ્ઠ અભિગમે નયસાર રાજવીને ચોવીશમાં તીર્થકર મહાવીરપ્રભુ બનાવવાનાં મંગલાચરણ કરાવ્યા હતા.

આ થયા ઉપરોક્ત આદર્શોના અભ્યંતર સ્તરનાં પ્રાચીન ઉદાહરણો.

ઉપરોક્ત આદર્શોને સન્નિષ્ઠભાવે અનુસરી બાહ્ય સ્તરે ટોચની લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર વર્તમાનકાલીન ઉદાહરણ ટાંકવું હોય તો યાદ આવે ગાંધીજી. એમનાં જીવનમાં દયા-કરુણાદિ અનેક ગુણો હતા. પણ તુર્ત નજરે તરી આવે તેવો ટોચ કક્ષાનો ગુણ હતો સત્યનિષ્ઠાનો. સ્વયં ગાંધીજી એમની આત્મકથામાં એ ભાવની વાત લખે છે કે 'સત્યવાદી હરિશ્ચન્દ્રરાજાનું જીવન બાળવયે નાટકમાં જોયું એની મન પર ઘેરી અસર થઈ. રાત્રે ખૂબ ભાવુકતાથી દૃઢ સંકલ્પ કર્યો કે મારે પણ રાજા હરિશ્ચન્દ્ર જેવા સત્યવાદી થવું જ.' આ આદર્શોને અનુસરવાનો અભિગમ હતો. આ સંકલ્પે મોહનદાસમાંથી મહાત્મા ગાંધીજીનું સર્જન કર્યું. આ સંકલ્પે એમની પાસે 'સત્યના પ્રયોગો' નામે સત્યમંડિત આત્મકથા લખાવી અને આ સંકલ્પે એમને વિશ્વના તમામ રાજપુરુષો કરતાં અધિક લોકપ્રિય નેતા બનાવ્યા.

છેલ્લે એક સરસ વાત : ઘડતર પથ્થરને પ્રતિમા બનાવે છે.. આદર્શો માનવીને મહાન બનાવે છે.


Google NewsGoogle News