ગણેશ ઉત્સવ દરમિયાન મીઠાઈના વેપારીઓને ત્યાં મોદકની બોલબાલા : સમયની સાથે બાપ્પાના પ્રસાદ પણ ફેન્સી બન્યો

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
ગણેશ ઉત્સવ દરમિયાન મીઠાઈના વેપારીઓને ત્યાં મોદકની બોલબાલા : સમયની સાથે બાપ્પાના પ્રસાદ પણ ફેન્સી બન્યો 1 - image


- સમયની સાથે બાપ્પાના પ્રસાદ મોદક પણ ફેન્સી બન્યા, સુગર ફ્રી મોદકની પણ ડિમાન્ડ 

- બાપ્પાના અનેક ભક્તોને ડાયાબિટીસ હોય ઘરે ધરાવાતા પ્રસાદમાં સુગર ફ્રી મોદકનું પણ થઈ રહ્યું છે વેચાણ 

સુરત,તા. 20 સપ્ટેમ્બર 2023,બુધવાર

લોકમાન્ય ટિળકે લોક જાગૃતિ માટે શરૂ કરેલા ગણેશ ઉત્સવની ઉજવણી સમય સાથે બદલાઈ રહી છે. ગણેશ ઉત્સવની ઉજવણીમાં પહેલા લોકો ઘરે મોદક અને લાડુ બનાવતા અને બાપ્પાને પ્રસાદી ધરાવતા હતા. પરંતુ સમયની સાથે સાથે ઉજવણી અને બાપ્પાને ધરાવાતા પ્રસાદના પણ રંગરૂપમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. સમયની સાથે સાથે હવે બાપ્પાના પ્રસાદમાં વિવિધ ફ્લેવર્ડ ફેન્સી મોદક સાથે સાથે સુગર ફ્રી મોદક ની ડિમાન્ડ પણ વધી રહી છે. આ ઉપરાંત છપ્પન ભોગ નું રેડીમેઈડ બોક્સ પણ હવે વેચાણ થઈ રહ્યું છે. 

ગણેશજીની પ્રતિમા હોય તો તેમના એક હાથમાં લાડુ- મોદક અચૂક જોવા મળે છે. મોદક બાપ્પાને પ્રિય હોય ગણેશ ઉત્સવ દરમિયાન મોદક નો પ્રસાદ મોટાભાગે જોવા મળે છે.  જોકે, હાલ ફાસ્ટ યુગમાં ગણેશજી નો પ્રિય પ્રસાદ એવા મોદક ઘરે બનાવવાની પ્રથા લુપ્ત જેવી થઈ ગઈ છે. લોકો પાસે સમયનો અભાવ અને નવી પેઢી આવી વાનગી બનાવવાથી દુર રહેતા હોય શહેરના મીઠાઈ બજારમાં ગણેશ ઉત્સવ દરમિયાન મોદક નો પ્રસાદ નું વેચાણ થઈ રહ્યું છે. 

જોકે, સમય સાથે મોદકના પ્રસાદ પણ ફેન્સી બન્યા હોવાનું ઘોડદોડ રોડ પરની મીઠાઈની દુકાન ધરાવતા કરણ મહેતા કહે છે, પહેલા તો સાદો મોદક જ પ્રસાદ તરીકે લઈ જતા હતા. પરંતુ લોકોની ડિમાન્ડ બાદ અમે ફ્લેવર્ડ મોદક બનાવતા થયા છે. હવે શહેરમાં એક ડઝન જેટલી ફ્લેવર્ડ મોદક નું વેચાણ થઈ રહ્યું છે. નોર્મલ મોદક સાથે સાથે 100 ગ્રામ, 250 ગ્રામ, 500 ગ્રામ અને એક કિલોના મોદકના ઓર્ડર પણ આપી રહ્યાં છે. મોટા શ્રીજીની સ્થાપના કરી હોય અને શ્રીજીના મોટા હાથમાં મોટો મોદક આયોજકો મુકી રહ્યાં છે અને તેનો પ્રસાદ પણ ભક્તોને આપી રહ્યાં છે. આ ઉપરાંત પ્રસાદ માટે ખાસ મીની કાજુ કતરી અને મીની કોકોનેટ કતરીનું પણ વેચાણ થઈ રહ્યું છે. 

સુરતમાં ગણેશ ઉત્સવનું આયોજન ઘરમાં હોય, સોસાયટીમાં હોય કે સાર્વજનિક હોય, દરેક જગ્યાએ એક દિવસ છપ્પન ભોગ ધરાવવામાં આવે છે. રહેણાંક સોસાયટીમાં તો લોકો પોતાના ઘરે કે બહારથી લાવીને છપ્પન ભોગ ધરાવે છે.  પરંતુ સાર્વજનિક ગણેશ ઉત્સવ કે ઘરમાં છપ્પન ભોગ રાખવામા આવે છે ત્યારે આવા ભક્તોની સરળતા માટે મીઠાઈની દુકાનોમાં વિવિધ જાતની 56 મીઠાઈ મુકીને છપ્પન ભોગનું વેચાણ પણ થઈ રહ્યું છે. 

આટલી ફ્લેવર્ડના મોદકનું વેચાણ

  • સાદા મોદક
  • કેરસ મોદક
  • વેનીલા મોદક
  • ચોકલેટ મોદક
  • રોઝ મોદક
  • ડિલાઈટ મોદક
  • ટોપરા મોદક
  • ડ્રાયફ્રુટ મોદક
  • પાઈનેપલ મોદક
  • ઓરેન્જ મોદક
  • કાજુ મોદક
  • બોન્ટી મોદક

હોમ મેડ ચોકલેટ મોદકનું પણ વેચાણ, ચોકલેટ બનાવતી મહિલાઓને મળી રહી છે રોજીરોટી 

સુરતના ગણેશ મંડપમાં હાલ  વિવિધ  ફ્લેવર્ડ મોદકનો પ્રસાદ બાપાને ધરાવવામાં આવી રહ્યો છે. તેની સાથે સાથે નાના ગણેશ મંડળ કે ઘરે જે લોકો ગણપતિજીની સ્થાપના કરે છે તે લોકોમાં હોમ મેડ ચોકલેટ અને ચોકલેટના મોદકનો પ્રસાદ ની પણ ડિમાન્ડ જોવા મળી રહી છે. જેના કારણે હોમ મેઈડ ચોકલેટ બનાવનારાઓને ત્યાં મીઠાઈની દુકાનવાળાની જેમ ચોકલેટ અને ચોકલેટ મોદકની ડિમાન્ડ જોવા મળી રહી છે. આ ડિમાન્ડ વધતા ચોકલેટ બનાવતી મહિલાઓને રોજી રોટી મળી રહી છે.


Google NewsGoogle News