ગુજરાતની તમામ સ્કૂલમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે રજા માટેની માગણી
મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા 22 જાન્યુઆરીએ રજા જાહેર કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો
સુરત, તા. 18 જાન્યુઆરી 2024 ગુરુવાર
સુરત સહિત સમગ્ર દેશ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માટે તૈયારી કરી રહ્યો છે ત્યારે સુરત સહિત રાજ્યની તમામ શાળાઓમાં 22 જાન્યુઆરીના રોજ રજા જાહેર કરવા માટેની માગણી કરવામાં આવી છે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લા ની પ્રતિમા નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી સુરત સહિત સમગ્ર દેશ હાલ રામ મય બની રહ્યો છે. શહેર અને રાજ્યોની સ્કુલોમાં પણ રામ જન્મોત્સવ માટે કાર્યક્રમ થઈ રહ્યા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ના દિવસે કેટલીક જગ્યાએ રજા જાહેર કરવામાં આવી છે. આ અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા 22 જાન્યુઆરીએ રજા જાહેર કરવા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્થાનિક સ્તરે મહોત્સવને ઉજવવા માટે આહવાન આપવામાં આવ્યું છે. અને સમગ્ર વિશ્વના આદર્શ પ્રભુ શ્રી રામ ઘર આગમન મહોત્સવ ઉજવી શકે તે માટે તથા લોકોની આસ્થાને માન આપીને ગુજરાત રાજ્યની તમામ સ્કુલોમાં 22 જાન્યુઆરીના રોજ રજા જાહેર કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.