ભાજપમાં ભરતી મેળા સાથે ભાજપના મૂળ કાર્યકરો માટે 14 ટકા અનામતની માગણીનો કટાક્ષ
ભાજપના ભરતી મેળા સાથે સોશિયલ મીડિયામાં અનેક મીમ્સ કટાક્ષનો ધોધ
વિધાનસભા, મંત્રીમંડળ અને બોર્ડ નિગમ સહિત પાર્ટી સંગઠનમાં પણ મહત્વના હોદ્દાઓ આપવામાં આવતા હોવાથી મૂળ ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા કાર્યકર્તાઓને ખુરશીને ગાભા મારવાની પરિસ્થિતિ હોવાની વેદના સાથે કટાક્ષ
સુરત,તા.08 માર્ચ 2024,શુક્રવાર
આગામી લોકસભાની ચૂંટણી પહેલાં સુરત સહિત દેશમાં ભાજપના અન્ય પક્ષના નેતા, કાર્યકરોને લેવા માટે ભરતી મેળો શરુ થયો છે. સુરતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ- આપ સહિત અન્ય પક્ષના નેતા અને કાર્યકરોની ભરતી થઈ રહી છે. આ ભરતીથી અનેક કાર્યકરો નારાજ છે પરંતુ તેઓ જાહેરમાં વિરોધ કરી શકતા નથી. જોકે, આ સમય દરમિયાન સોશિયલ મિડીયામાં કાર્યકરોની વ્યથાના નામે કેટલાક મેસેજ ફરતા થયા છે તે રાજકારણમાં ચર્ચાનો વિષય બની રહ્યું છે.
સુરતમાં 1995થી ભાજપનુ શાસન છે અને એક સમય તો એવો હતો કે પાલિકામાં 99માંથી 98 બેઠક ભાજપને અને એક અપક્ષને મળી હતી. આ ઉપરાંત છેલ્લી ચૂંટણીમાં તો કોંગ્રેસ ઝીરો થઈ ગઈ હતી ભાજપની પકડ અને મોટા ભાગના લોકો ભાજપની સાથે હોવા છતાં હાલમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો થઈ રહ્યો છે. થોડા થોડા દિવસના આતરે માજી બની ગયેલા નેતાઓ ભાજપમાં આવીને તાજા થઈ રહ્યાં છે અને માનપાન મળી રહ્યાં છે. આ ભરતી મેળાથી ભાજપના પાયાના કેટલાક કાર્યકરો દુભાયા છે પરંતુ શિસ્તબધ્ધ પાર્ટી હોવાથી તેઓ કોઈ ખુલ્લીને વિરોધ કરી શકતા નથી.
જોકે, હજી પણ ભરતી મેળો ચાલુ રહેતા હવે સોશિયલ મીડિયામાં મીમ્સ અને કટાક્ષ મેસેજ ફરતા થયા છે તેના કારણે આવા દુભાયેલા કાર્યકરોની ભડાશ નીકળી રહી છે. હાલમાં એક પત્ર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે તેમાં ભાજપ પક્ષના કોંગ્રેસીકરણ બાદ ભાજપના મુળ કાર્યકર્તા માટે 14% અનામત આપવાનો ઉલ્લેખ કરવામા આવી રહ્યો છે. ભાજપના જ દુભાયેલા કાર્યકરો અને નેતાઓ આ પત્રને ખાનગીમાં પોતાની વ્યથા ગણાવી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં કટાક્ષ રીતે ફરતો આ પત્ર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ઉદ્દેશી લખવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ પક્ષમાં કોંગ્રેસના નેતાઓને ભેળવીને રાજ્યસભા, લોકસભા, વિધાનસભા, મંત્રીમંડળ અને બોર્ડ નિગમ સહિત પાર્ટી સંગઠનમાં પણ મહત્વના હોદ્દાઓ આપવામાં આવતા હોવાથી મૂળ ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા કાર્યકર્તાઓને ખુરશીને ગાભા મારવાની પરિસ્થિતિ પેદા થઈ છે. ભાજપના જુના કાર્યકર્તાઓને લોકો સોશિયલ મિડિયામાં "ગાભા મારૂ" તરીકે સંબોધી મશ્કરી કરતા જોવા મળે છે ત્યારે ભાજપના કાર્યકર્તાના હક્ક માટે કેટલીક રજુઆત કરવામાં આવી છે.
આ પત્રમાં કટાક્ષ કરતાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત ભાજપના સંગઠનમાં તેમજ ટિકિટ ફાળવણીમાં ભાજપના જ વર્ષો જુના મુળ કાર્યકર્તા માટે 14% અનામતની જોગવાઈ કરવામાં આવે. ટુંકમાં ભાજપના સંગઠનના તમામ સ્તરે 14% જગ્યાઓમાં ફરજીયાત ભાજપના જુના કાર્યકરને જ હોદ્દા આપવાના એવી જ રીતે ટીકીટમાં પણ 14% ટીકીટ મુળ ભાજપીને આપવાનો નિર્ણય કરવા વિનંતી છે. ઉપરાંત ભાજપ દ્વારા સંગઠનમાં તેમજ સરકારમાં અને ટિકિટમાં નીચે મુજબની જોગવાઈ માગણી કરવામાં આવી છે.
વધુ કટાક્ષમાં જણાવ્યું છે કે, ટિકિટ વહેચણીમાં 40 ટકા ક્વોટા કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ માટે, અને જેને લોકો ગાભા મારુ કહે છે તેવા કાર્યકરો માટે 14 ટકા અનામત રાખવી તેવી માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત કૌભાંડમાં સંડોવાયેલા માટે 30 ટકા, નવા જોડાયેલા સેલિબ્રિટી કે જુના ભાજપી અથવા ઘરવાપસી થયેલાઓ 16 ટકા રાખવામા આવે તે જરુરી છે. આવો કટાક્ષનો પત્ર વાઈરલ થતાં રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.