સેન્સેક્સ-નિફ્ટી સતત પાંચમા દિવસે ઓલટાઈમ હાઈ, 212થી વધુ શેર્સ વર્ષની ટોચે પહોંચ્યા
Stock Market All Time High: શેરબજારમાં અવિરત તેજીનો દોર જળવાઈ રહ્યો છે. ધીમા ધોરણે પણ સેન્સેક્સ અને નિફ્ટી છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનથી રોજ નવી ઐતિહાસિક ટોચ બનાવી રહ્યા છે. આજે ફરી સેન્સેક્સ 300 પોઈન્ટના ઉછાળા સાથે 85462.62ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીએ પણ 26000નું લેવલ જાળવતાં 26087.80ની રેકોર્ડ ટોચ નોંધાવી હતી.
વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતનો આર્થિક વૃદ્ધિ દર મજબૂત હોવાનો સંકેત તેમજ એશિયન બજારોની તેજીના સથવારે શેરબજાર પોઝિટિવ ટ્રેન્ડ સાથે આગેકૂચ કરી રહ્યા છે. જો કે, એફએન્ડઓ એક્સપાયરીના પગલે માર્કેટ બ્રેડ્થ સાવચેતીની બની છે. સેન્સેક્સ પેકમાં 20 શેર્સ 3.40 ટકા સુધી ઉછાળા સાથે, જ્યારે 10 શેર્સ 1.34 ટકા સુધી ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
આ પણ વાંચોઃ સોનું ઉછળીને રૂ.78000 જ્યારે ચાંદી રૂ. 91000ની નજીક પહોંચી
મીડકેપ-સ્મોલકેપ શેર્સમાં વેચવાલી
આજે મીડકેપ અને સ્મોલકેપ શેર્સમાં વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું હતું. કન્ઝ્યુમર ડ઼્યુરેબલ્સ શેર્સ પણ તૂટતાં ઈન્ડેક્સ 1.26 ટકા સુધી ગગડ્યો હતો. આઈટી અને ટેક ઈન્ડેક્સ 0.56 ટકા અને 0.41 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા હતા. એફએન્ડઓ એક્સપાયરીના પગલે આજે સેટલમેન્ટનો અંતિમ દિવસ હોવાથી મોટાભાગના સેગમેન્ટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે.
માર્કેટ બ્રેડ્થ નેગેટિવ
શેરબજાર સવારે પોઝિટિવ ખૂલ્યાં બાદ સાવચેતી સાથે ટ્રેડ થઈ રહ્યું છે. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3910 સ્ક્રિપ્સ પૈકી 1674 શેર્સમાં સુધારો અન 2091માં ઘટાડો નોંધાયો છે. 238 શેર્સમાં અપર સર્કિટ અને 210 શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે. બીજી તરફ 213 શેર્સ વર્ષની નવી ટોચે અને 31 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં રોકાણકારોની મૂડીમાં કોઈ ખાસ વધારો થયો જોવા મળ્યો નથી.