સોનું ઉછળીને રૂ.78000 જ્યારે ચાંદી રૂ. 91000ની નજીક પહોંચી
- ક્રૂડતેલ તથા કોપરમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા
- વિશ્વ બજારમાં ભાવ ૨૬૭૦ ડોલર થતાં નવી ટોચ દેખાઈ
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના રૂ.૯૦ હજાર ઉપર જતા રહ્યા હતા. અમદાવાદ બજારમાં સોનાના ભાવ વધી ૧૦ ગ્રામના રૂ.૭૮ હજાર નજીક પહોંચ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધુ વધી ઉંચામાં ઔંશના ૨૬૭૦થી ૨૬૭૧ બોલાતાં તેજીનો નવો રેકોર્ડ થયાના સમાચાર હતા. ફંડો એક્ટીવ હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં શ્રાદ્ધપક્ષ વચ્ચે પણ ભાવ ઉછળતા જોવા મળ્યા હતા. જો કે નવી માગ ધીમી હતી.
અમદાવાદ બજારમાં સોનાના ભાવ વધુ રૂ.૫૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૭૬૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૭૮૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ વધી રૂ.૮૯૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૨૬૨૯થી ૨૬૩૦ વાળા ઉંચામાં ૨૬૭૦થી ૨૬૭૧ થઈ નીચામાં ૨૬૫૧ થઈ ૨૬૫૮થી ૨૬૫૯ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૦.૮૬થી ૩૦.૮૭ વાળા ઉંચામાં ૩૨.૨૮ થઈ નીચામાં ભાવ ૩૧.૬૮ થઈ ૩૧.૭૮થી ૩૧.૭૯ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૪૪૬૫ વાળા રૂ.૭૪૯૪૭ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૪૭૬૪ વાળા રૂ.૭૫૨૪૮ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૮૪૦૨ વાળા રૂ.૯૦૭૩૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૭૬થી ૯૭૭ વાળા ૯૯૯ થઈ ૯૯૩થી ૯૯૪ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૦૫૩થી ૧૦૫૪ વાલા ૧૦૬૪ થઈ ૧૦૫૭થી ૧૦૫૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે વધ્યા મથાળેથી ૦.૨૨ ટકા નરમ હતા.
વૈશ્વિક ક્રૂડતેલના ભાવ પણ આજે વધતા અચકી ઘટાડા પર રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૫.૩૪ વાળા નીચામાં ૭૩.૫૩ થઈ ૭૪.૧૫ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૨ વાળા નીચામાં ૬૯.૮૬ થઈ ૭૦.૪૭ ડોલર રહ્યા હતા.