અમદાવાદના એક સ્ટાર્ટઅપે હાર્ટબીટને ચોકસાઈપૂર્વક માપી શકે તેવા ગંજી ડેવલપ કર્યા

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
અમદાવાદના એક સ્ટાર્ટઅપે હાર્ટબીટને ચોકસાઈપૂર્વક માપી શકે તેવા ગંજી ડેવલપ કર્યા 1 - image


New Innovation to check Heart beat: ટેક્નિકલ ટેક્સ્ટાઈલની બોલબાલા સતત વધી રહી છે ત્યારે ગુજરાતના એક સ્ટાર્ટઅપે ટેકનિકલ ટેક્સટાઈલની મદદથી ગંજી તૈયાર કર્યા છે. આ ગંજી પહેરનારી વ્યક્તિના હાર્ટબીટનું અન્ય સિસ્ટમ કરતાં પાંચ ગણા પરફેક્શન સાથે મોનિટરિંગ કરીને ડેટા નોંધી શકે છે. અમદાવાદના એક સ્ટાર્ટઅપે વિકસાવેલા આ ગંજીનું ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે, જે સ્માર્ટ વૉચનો વિકલ્પ બની શકે છે. આગામી 15 જૂને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા યોજવામાં આવનારી ટેક્સ્ટાઈલ લીડરશીપ કોન્ક્લેવ માટે શોર્ટ લિસ્ટ પાંચ સ્ટાર્ટઅપમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પાઈનેપલમાંથી કાપડ બનાવ્યું

અન્ય એક સ્ટાર્ટઅપે પાઈનેલપલમાંથી ટેક્સ્ટાઈલડેવલપ કર્યું છે. ટેક્લટાઈલના સેક્ટરમાં ઈનોવેશન લઈને આવતા સ્ટાર્ટઅપને પ્રમોટ કરવાનું ગુજરાત ચેમ્બરે આયોજન કર્યું છે. આ ગંજી નાયલોન, પોલિએસ્ટર, અને સ્પિન્ડેક્સ (લાયક્રાનું મટિરિયલ) વાપરવામાં આવી રહ્યું છે. મશીનમાં તેને 40 વારથી વધુ વાર ધોઈ શકાય છે. તેમ જ હાથથી રિન્સ કરીને દોઢ વર્ષ સુધી તે વાપરી શકાય છે. સ્પોર્ટ્સમાં સાઈકલિંગ કે રનિંગ કરનારા જે પેન્ટ પહેરે છે, તેવા જ મટિરિયલમાંથી આ ગંજી તૈયાર કરાયા છે. તેમાં સિલિકોનનો ઉપયોગ કરાયો હોવાથી ચામડી પર ઈરિટેશન થવાની સંભાવના ન હોવાનું રિસર્ચર પ્રશાંત વર્માએ જણાવ્યું છે. તેની પેટન્ટ અમદાવાદના યુવાને મેળવી લીધી છે, જેના હવે ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરાશે.

જો કે સીડીએસસીઓ પાસેથી મંજૂરી મેળવી લીધા પછી તેની ટ્રાયલ શરૂ થશે. મહિલાઓ માટે પણ હાર્ટબીટ મેઝર કરતાં ઇનરવેર તૈયાર કરાશે. ટેક્સ્ટાઈલ કોન્કલેવમાં અનાનસ એટલે કે પાઈનેપલના પાદડાંમાંથી ફાઈબર, ફાઈબરમાંથી યાર્ન, યાર્નમાંથી ફેબ્રિક્સ અને ફેબ્રિક્સમાંથી અપરલ બનાવવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ યાર્ન બનાવવાની અને તેમાંથી ફેબ્રિક્સ તૈયાર કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાનું ઇનોવેટર જયશ્રી શાહ જણાવે છે. તેમાંથી કાપડ અને છેવટે શર્કિંગ મટિરિયલ બનાવવાનું લક્ષ્યાંક છે. આ શર્ટિંગ મટિરિયલની ખાસિયત એ છે કે તે કપાસમાંથી તૈયાર કરેલા યાર્નમાંથી બનાવેલા કોટનના શર્ટની જેમ પરસેવો ઝડપથી શોષી લેવાની ક્ષમતા ધરાવે છે. પરસેવો શોષી લીધા પછી તે શર્ટ કોટનના શર્ટ કરતાંય વધારે ઝડપથી સૂકાઈ જાય તે તેની બીજી ખાસિયત છે. ટેકનિકલ ટેક્સટાઈલના સેક્ટરમાં અગિયારથી વધુ પેટા સેક્ટર છે. તેમાં એગ્રોટેક, મેડિકલ ટેક, ડિફેન્સ ટેક, પ્રોટેક્ટિવ ટેક, સ્પોર્ટ્સ ટેકનો સમાવેશ થાય છે. 

ટેક્નિકલ ટેક્સટાઈલના 83 હજાર કરોડના માર્કેટ સાથે ગુજરાત અગ્રણી

કૃત્રિમ રેસામાંથી બનતી ટેકનિકલ ટેક્સ્ટાઈલ પ્રોડક્ટ્સ મેડિકલ, ઓટોમોબાઈલ, ડિફેન્સ સેક્ટર અને રસ્તાઓ બનાવવા માટે વપરાય છે. આ તમામ પ્રકારના ટેકનિકલ ટેક્સ્ટાઈલનુ ભારતમાં માર્કેટ અંદાજે 25 અબજ ડૉલરનું એટલે કે બે લાખ કરોડ રૂપિયાનું છે. જે દર વર્ષે 8થી 10 ટકાના દરે વધી રહ્યું છે. ટેકનિકલ ટેક્સ્ટાઈલના મોરચે ગુજરાત દેશમાં મોખરાને સ્થાને છે. ગુજરાતમાં અંદાજે 83000 કરોડનું ટેકનિકલ ટેક્સ્ટાઈલનું ઉત્પાદન થાય છે. ટેકનિકલ ટેક્સ્ટાઈલનું આંતરરાષ્ટ્રીય બજાર 15 લાખ કરોડનું છે. 

નોર્મલ ટેક્સ્ટાઈલનું આંતરરાષ્ટ્રીય બજાર અંદાજે 125 અબજ ડૉલરનું છે. ટેક્સ્ટાઈલ લીડરશીપ કોન્ક્લેવમાં ટેક્સ્ટાઈલ સેક્ટરની વૈશ્વિક સ્થિતિનો અંદાજ આપવા માટે ભીલવાડાની ટેક્સ્ટાઈલ ઇન્ડસ્ટ્રીઝના પ્રમોટર એસ.એમ.મોદાની, ભારતમાં પોલીપ્રોપલિન ફાઈબર ઇન્ડસ્ટ્રીઝના અને ફિલ્ટરેશન ફેબ્રિક્સના ડેવલપમેન્ટમાં મોટું યોગદાન આપનાર પ્રમોદ ખોસલા, હોમ ફેબ્રિક્સના સેક્ટરના મહારથી અજય અરોરા નવા સાહસિકોને પોતાના અનુભવો થકી આગળ વધવા માટે માર્ગદર્શન આપશે.

  અમદાવાદના એક સ્ટાર્ટઅપે હાર્ટબીટને ચોકસાઈપૂર્વક માપી શકે તેવા ગંજી ડેવલપ કર્યા 2 - image


Google NewsGoogle News