રિફંડમાંથી રકમ કપાયાનું લાગે તો આ ઉપાય કરજો, આવકવેરા વિભાગે વેબસાઈટ પર આપી માહિતી
ITR Refund Rectification Application: આવકવેરાનું રિટર્ન ફાઈલ થઈ ગયા પછી અને રિટર્નનું પ્રોસેસિંગ બેંગ્લુરૂ સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરમાં થઈ ગયા પછી રિફંડના તમે કરેલા ક્લેમ કરવાથી ઓછી રકમનો ક્લેમ મંજૂર કરવામાં આવે અને તમને પ્રોસેસિંગની પ્રક્રિયા સામે વાંધો હોય તો તમે કરદાતા તરીકે ઈનકમ ટેક્સની કલમ 154 હેઠળ રેક્ટિફિકેશન-રિફંડની રકમ સુધારી આપવા અરજી કરી શકો છો. આવકવેરા ખાતાની વેબસાઈટ પર જ આ વિગતો 8 ઓગસ્ટે અપલોડ કરવામાં આવી છે.
31 જુલાઈએ રિટર્ન ફાઈલ કરવાની તારીખ પૂરી થયા બાદ ઘણાં લોકોને આ અનુભવ થઈ શકે છે. રિટર્ન ફાઈલ કર્યા પછી પાંચ જ અઠવાડિયામાં રિફંડની રકમના મેઈલ આવવા માંડે છે. આ મેઈલમાં તમે ધારેલી કે ગણતરી કરેલી રિફંડની રકમ કરતાં ઓછી રકમના ઈ-મેઈલ ડિપાર્ટમેન્ટ તરફથી મોકલવામાં આવતા હોવાના કિસ્સાઓ બની રહ્યા છે. આવકવેરા અધિકારીઓ પર રિફંડની રકમની ગણતરી કરવામાં ભૂલ કરી બેસતા હોવાનું જોવા મળે છે. તેને પરિણામે તમને લાગે કે તમને ઓછું રિફંડ મળ્યું છે તો તમે અરજી કરીને તમારા રિફંડની રકમ વધારી આપવાની માગણી કરી શકો છો. બેેંગ્લુરૂ સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર દ્વારા જે રિટર્નના પ્રોસેસિંગ કરી દેવામાં આવ્યા હોય તે જ રિટર્નના રેક્ટિફિકેશન માટેની અરજી કરી શકાય છે.
આ પણ વાંચોઃ "બેન્કોમાં પૈસા જમા કરવાથી ખચકાઈ રહ્યા છે લોકો, નાણામંત્રી સીતારમણે કરવી પડી અપીલ "
રિફંડની રકમમાં સુધારો કરવા માટે કલમ 154 હેઠળ રેક્ટિફિકેશનની અરજી કરો તે પછી તે અરજીનું ઈ-વેરીફિકેશન કરવાની જરૂર જ નથી. આ અરજી કરીને રિટર્નને નવેસરથી પ્રોસેસ કરવાની માગણી કરી શકાય છે. તેમ જ ટેક્સ ક્રેડિટમાં મિસમેચ હોય તો તેમાં સુધારો કરી શકાય છે. તેમ જ રિટર્નના ડેટામાં સુધારો કરવાની માગણી કરી શકાય છે. તમને આપવામાં આવેલા રિફંડની રકમ ખોટી જણાય તો તે માટે તમે અરજી કરી શકો છો. સીપીસી કે પછી આવકવેરા ખાતાના કોઈ અધિકારીએ ભૂલ કરી હોય તો તેઓ તે ભૂલ સુધારી શકે છે.
સીપીસીના અધિકારીના ઘ્યાનમાં આવે તો પોતાની રીતે જ ભૂલ સુધારી શકે છે. તેમ જ કરદાતાની વિનંતી મળ્યા પછી પણ અધિકારી તેમાં સુધારો કરી શકે છે. ફોર્મ 26-એએસમાં દર્શાવવામાં આવેલી ટીડીએસની રકમ કરતાં ઓછી રકમને આકારણી અધિકારીએ ગણતરીમાં લીધી હોય અને તેને આધારે જ કરદાતાને તેની જાણ કરતો પત્ર મોકલ્યો હોય તો તેવા સંજોગોમાં કરદાતા રેક્ટિફિકેશન અરજી કરી શકે છે. આ અરજી કર્યા પછી રિફંડની રકમ વધારે મળી શકે છે. તેમ જ ટેક્સની જવાબદારી ઘટી પણ શકે છે. જોકે ડિપાર્ટમેન્ટના રેકોર્ડની માહિતી અને તમારા રિટર્નમાં દર્શાવેલી માહિતીમાં કોઈ પણ મિસમેચ હોય તો તેવા સંજોગમાં કરદાતાને નોટિસ પાઠવી આપવામાં આવે છે.