IPOમાં રોકાણ કરવામાં ગુજરાત દેશમાં અવ્વલ: દર ચારમાંથી ત્રણ IPOમાં નફો મળ્યો
IPO Investment: શેરબજારમાં રોકાણ કરવામાં ગુજરાતીઓ આગળ રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં શેરબજારમાં જોવા મળી રહેલી અભૂતપૂર્વ તેજીના કારણે તેમજ પ્રાયમરી માર્કેટમાં ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO)માં રોકાણકારોને લિસ્ટિંગના દિવસે જ મળતા વળતરના કારણે હવે ગુજરાત આઈપીઓમાં અરજી કરવામાં અને રોકાણ કરવામાં દેશમાં પહેલું રાજ્યું બન્યું છે. આ ઉપરાંત હૈદરાબાદ, બેંગ્લોર કે દિલ્હી જેવા શહેરોને પાછળ રાખી ગુજરાતના નાના શહેરોમાંથી આઈપીઓમાં વધારે રોકાણ થઈ રહ્યું છે.
વર્ષ 2021-22માં આઈપીઓમાં થયેલા કુલ ભરણમાં (એલોટમેન્ટ નહીં, કુલ અરજીની રકમ)ની દ્રષ્ટિએ 8.69 લાખ કરોડ રૂપિયા સાથે મહારાષ્ટ્ર પહેલા સ્થાને અને 88,819 કરોડ રૂપિયા સાથે ગુજરાત દેશમાં બીજા સ્થાને હતું. એ પછી વર્ષ 2022-23માં મહારાષ્ટ્રમાંથી કુલ 32, 887 કરોડ રૂપિયા સામે ગુજરાતમાંથી 21,960 કરોડની અરજીઓ થઈ હતી. પરંત 2023-24માં 1,35,05 કરોડ રૂપિયા સાથે ગુજરાત પ્રથમ ક્રમે અને 94,617 કરોડ રૂપિયા સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે આવી ગયું હતું.
IPOમાં રોકાણ કરતા દેશના 20 શહેરોમાં ગુજરાતના 9 શહેરોનો સમાવેશ
મુંબઈ દેશની આર્થિક રાજધાની છે, દેશની નાણા સંસ્થાઓ અને રોકાણકારની દ્રષ્ટિએ દેશમાં અવ્વલ હોવા છતાં ગુજરાત હવે તેનાથી આગળ નીકળી ગયું છે. ટોચના શહેરો કે જ્યાંથી આઈપીઓમાં રોકાણ આવે છે તેમાં મુંબઈ હજી પણ દેશમાં સૌથી આગળ છે. પરંતુ આઈપીઓમાં કુલ રોકાણમાં સૌથી વધુ હિસ્સો ધરાવતા ટોચના 20 શહેરોમાં ગુજરાતના 9 શહેરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા અને જામનગર જેવા નાના કેન્દ્રો પણ આ ટોચના 20 શહેરોની યાદીમાં જોવા મળે છે.
વર્ષ 2021-22માં કુલ 7 શહેરો હતા જે હવે વધીને 9 થઈ ગયા છે. ભુજ હવે ટોચના શહેરોની યાદીમાં નથી પણ સામે સુરેન્દ્રનગર, જામનગર, મહેસાણા જેવા શહેરોનો ઉમેરો થયો છે. ઉપલબ્ધ વિગતો વધુમાં દર્શાવે છે કે બેંગ્લોર, પૂણે, હૈદરાબાદ કે ચેન્નાઈ જેવા મેટ્રો સેન્ટર આ યાદીમાં ગુજરાતના મોટાભાગનાં શહેરો કરતા પાછળના ક્રમે આવે છે.
દર ચારમાંથી ત્રણ આઈપીઓમાં નફો મળ્યો
ત્રણ વર્ષના ઉપલબ્ધ આંકડા અનુસાર કુલ 166 પબ્લિક ઈસ્યુ થકી કંપનીઓએ નાણા એકત્ર કર્યા હતા. આ આઈપીઓમાં લિસ્ટિંગના દિવસે જ 120 કંપનીઓમાં ઈસ્યુ પ્રાઈસ કરતા લિસ્ટિંગનો ભાવ વધારે રહેતા રોકાણકારોને વળતર મળ્યું હતું. જ્યારે 46માં ખોટ સહન કરવી પડી હતી. દર ચારમાંથી ત્રણ કંપનીઓમાં વળતર મળ્યું હોવાથી રોકાણકારો બેન્કમાં પડેલી ફાજલ બચત આઈપીઓમાં ભરણમાં અરજી તરીકે કહી રહ્યા હાવાનું નિષ્ણાંત માને છે.
બેન્ક ડિપોઝીટ કરતા ઊંચા વળતરનું આકર્ષણ
કોરોના બાદ શેરબજારમાં જોવા મળેલી અભૂતપૂર્વ તેજીમાં વધુને વધુ રોકાણ સેકન્ડરી માર્કેટમાં - સીધા શેરની ખરીદી કરી કે મ્યુચ્યુઅલ ફંડ-તરફ ફંટાઈ રહ્યું છે. એવામાં પ્રાયમરી માર્કેટમાં શેરના લિસ્ટિંગ સમયે જંગી નફો રળવાની એક તક મળતા રોકાણકારો બેન્કમાં ફાજલ પડી રહેલી બચતનો ઉપયોગ કરી વધારે વળતર મેળવવા શેરબજારમાં આઈપીઓ થકી આવી રહ્યા હોવાનું પણ જોવા મળી રહ્યું છે.
વર્ષ 2021-22થી 2023-24ના આંકડા દર્શાવે છે કે ગુજરાતીઓ તક મળતા જ પબ્લિક ઇસ્યુમાં નાણા ભરી વળતર મેળવવા રોકાણ કરી રહ્યા છે. વર્ષ 2023-23 કરતા 2023-24માં રાજ્યની બન્ક ડિપોઝીટમાં 1.66 લાખ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તેની સામે પબ્લિક ઇસ્યુમાં ગુજરાતીઓએ 1.35 લાખ કરોડ રૂપિયાનું રોકાણ માત્ર પબ્લિક ઇસ્યુમાં કર્યું હતું. આ વર્ષે મૂડીબજારમાં કુલ 76 ઈસ્યુ આવેલા અને તેમાંથી 58 કે 76 ટકા ઈસ્યુમાં રોકાણકારોને લિસ્ટિંગના દિવસે જ વળતર મળ્યું હતું.