ગુજરાતની દસ હજાર પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓનું ડિજિટાઈઝેશન

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
ગુજરાતની દસ હજાર પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓનું ડિજિટાઈઝેશન 1 - image


- એન્ટેના - વિવેક મહેતા

- ખેડૂતો શાહુકારો પાસેથી ધિરાણ  બાબતે છેતરાતા અટકશેઃ ધિરાણ સરળતાથી અને ઝડપથી મળશે 

ગુજરાતની અંદાજે દસ હજાર પ્રાથમિક કૃષિ સહકારી ધિરાણ મંડળીઓ-પેક્સનું ડિજિટાઈઝેશન થતાં ખેડૂતોને ધિરાણ આપવાનું કામ સરળ બનશે. ડિજિટાઈઝેશન સાથે પેક્સને એકાઉન્ટિંગનું સોફ્ટવેર પણ સરકાર જ આપશે. પેક્સેના હોદ્દેદારો ખેડૂતો જ હોય છે. આ મંડળીઓ પાક ધિરાણ આપવાનું કામ કરે છે. બિયારણ, ખાતર, જંતુનાશકો માટે જરૂરી પૈસાની વ્યવસ્થા પ્રાથમિક કૃષિ સહકારી ધિરાણ મંડળીઓ ધિરાણ આપીને કરી આપે છે. નાના સીમાંત ખેડૂતો સહિતના ખેડૂતોને પાક લેવા, બિયારણ લેવા, ખેતીના ઓજારો લેવા માટે ધિરાણ આપે છે. 

આ પેક્સ આજે અનેક પડકારોનો સામનો કરી રહી છે. પેક્સ દ્વારા ખેડૂતોને આપવામાં આવતા ધિરાણનો રેકોર્ડ કાગળના સ્વરૂપમાં સાચવી રાખવામાં આવે છે. આ પેક્સ પાસે સ્ટાન્ડર્ડ એકાઉન્ટિંગની સિસ્ટમ જ નથી. આ પ્રાથમિક કૃષિ સહકારી ધિરાણ મંડળીઓ રાજ્ય સહકારી બેન્કો કે પછી જિલ્લા સહકારી બેન્કો સાથે ઓનલાઈન જોડાયેલી નથી. પરિણામે પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓમાં ખેડૂતોને ધિરાણ આપવામાં કોઈ ગરબડ થાય તો તેનો અંદાજ મેળવવો મુશ્કેલ બની જાય છે. કોમ્પ્યુટર ન હોવાથી સભ્ય ખેડૂતોને પણ ધિરાણ મેળવવામાં વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે.

દેશની ૬૫૦૦૦ પેક્સનું કોમ્પ્યુટરાઈઝેશન થશે. પ્રથમ તબક્કામાં રૂા. ૨૫૧૬ કરોડના ખર્ચે આ કામગીરી પાર પાડવામાં આવશે. તેનાથી ગરીબ અને સીમાંત ખેડૂતોને નવી તાકાત મળશે. સ્ટેટ કોઓપરેટીવ બેન્ક અને જિલ્લા સહકારી બેન્કના માધ્યમથી તમામ પેક્સને નાબોર્ડ સાથે જોડી દેવામાં આવશે. 

દરેક પેક્સને એક કોમ્પ્યુટર, હાર્ડવેર અને એકાઉન્ટિંગ અને લોનની પ્રક્રિયાને સરળ કરી આપતું સોફ્ટવેર આપવામાં આવશે. દરેક રાજ્યની પોતાની ભાષામાં ચાલતું આ સોફ્ટવેર છે. ઈઆરપી આધારિત સોફ્ટવેરની મદદથી સમગ્ર દેશની પેક્સને એક સાથે જોડી શકાશે. પેક્સને લગતી તમામ કામગીરી સંભાળી લેવાને આ સોફ્ટવેર સક્ષમ છે. તેની મદદથી અનાજના ગોદામની સેવા, ગેસ જોડાણ અને પેટ્રોલ પમ્પની સેવા પણ આપી શકશે. ખેડૂતોને આપવામાં આવતા રૂ. ૫ લાખ કરોડના વાષક ધિરાણ માટેની એક સર્વસામાન્ય કે સ્ટાન્ડર્ડ સિસ્ટમ ઊભી થઈ જશે. પરિણામે પેક્સ અને રાજ્ય સહકારી બેન્ક તથા જિલ્લા સહકારી બેન્કની ભાગીદારી વધુ સંગીન બનશે.


Google NewsGoogle News