Get The App

સરદાર સરોવર ડેમ 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ, ખેડૂતોને રવી પાકની સિંચાઈ માટે નર્મદાનું પર્યાપ્ત પાણી મળશે

Updated: Sep 15th, 2022


Google NewsGoogle News
સરદાર સરોવર ડેમ 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ, ખેડૂતોને રવી પાકની સિંચાઈ માટે નર્મદાનું પર્યાપ્ત પાણી મળશે 1 - image


- કમાન્ડ વિસ્તારના ગામોના ખેડૂતોને રવી પાકની સિંચાઈ હેતુ પર્યાપ્ત પાણી મળશે

- 4.73 મિલીયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લીટર પાણીનો ડેમમાં સંગ્રહ, નર્મદા બંધની જળ સપાટી ત્રીજીવાર પૂર્ણ કક્ષાએ પહોંચી

ભરૂચ, તા. 15 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર

ગુજરાતની જિવાદોરી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે 138.68 મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશયમાં 4.73 મિલીયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. નર્મદા ડેમ આ વર્ષે ત્રીજીવાર પૂર્ણ જળાશય સપાટીએ છલકાયો છે. 

પાણીનો આવરો થવાથી રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આગામી ઉનાળાની સિઝન સુધી પુરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવાની સ્થિતિ ઊભી થશે નહીં. એટલું જ નહીં નર્મદા કમાન્ડ વિસ્તારના બધા ગામોના ખેડૂતોને રવી પાકની સિંચાઈના હેતુ માટે નર્મદાનું પર્યાપ્ત પાણી  મળશે. 

ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિને કારણે સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને અન્ય ઉદવહન યોજનાઓ માટે હાલ નર્મદા જળ આપવામાં આવી રહ્યા છે. ગુજરાતના 9,104 ગામો, 169 શહેરો અને 7 મહાનગરપાલિકા મળી રાજ્યની 4 કરોડથી વધુ જનસંખ્યાને પીવાના પાણી તરીકે નર્મદા જળ પહોંચી રહ્યા છે. 

સરદાર સરોવર ડેમ 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ, ખેડૂતોને રવી પાકની સિંચાઈ માટે નર્મદાનું પર્યાપ્ત પાણી મળશે 2 - image

63,483 કિલોમીટર લંબાઇના નહેરના કામો પૂર્ણ થઇ ગયા છે તેના પરિણામે  કચ્છ સહિત રાજ્યના 17 જિલ્લાના 78 તાલુકાની 16.99 લાખ હેક્ટર જમીનને સિંચાઇ સુવિધા મળે છે. 

વર્ષ 2019માં નર્મદા ડેમ 138.68 મીટરની પૂર્ણ કક્ષાએ ભરાતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા નીરના વધામણાં કર્યા હતા. 2020માં પણ ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઇ ગયો હતો અને હવે ત્રીજીવાર 2022માં 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ ડેમ ભરાઇ જતાં ગુજરાતના મુખ્યમંત્રીએ પૂજન અર્ચન કરી જળનાં વધામણાં કર્યા હતા.


Google NewsGoogle News