'બોલ માડી અંબે...' પહેલાં નોરતે જ અંબાજી અને પાવાગઢમાં માઇ ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર
Navaratri 2024: આજથી શારદીય નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે અંબાજી મંદિર ખાતે લાખો માઇ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. પહેલાં નોરતે જ શક્તિપીઠ અંબાજી અને પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરે ભક્તો માતાજીના દર્શનાર્થે પહોંચી ગયાં છે. આજે વહેલી સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીની આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. વહેલી સવારે અંબાજી આવેલા ભક્તોએ માતાજીની જ્યોતના દર્શન કરી નવરાત્રિના અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો હતો.
ફૂલોથી સુશોભિત કરાયું અંબાજી મંદિર
નવરાત્રિના પાવન પર્વ પર અંબાજી મંદિરને સુંદર ફૂલો અને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો પહેલાં નોરતાની મંગળા આરતીનો લાભ લેવા પહોંચ્યા હતાં. નવરાત્રિના પહેલાં નોરતે જ અંબાજી બોલ માડી અંબે... જય જય અંબે ના નાદથી ગૂંજી ઉઠ્યું છે.
લાખો ભક્તોએ કર્યાં મહાકાળી માતાના દર્શન
આ સાથે જ પાવાગઢમાં પણ મહાકાળી માતાના દર્શનાર્થે વહેલી સવારથી જ લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. નવરાત્રિમાં ભક્તોની આસ્થાને ધ્યાને લઈ મંદિર પ્રશાસન દ્વારા દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે. જેમાં મંદિર સવારના 5 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લુ રહેશે. તેમજ પાંચમ, આઠમ અને પૂનમના દિવસે મંદિરના દ્વારા સવારે 4 વાગ્યે ખોલી દેવાશે.