થરાદ: ઉપવાસ આંદોલન ઉપર ઉતરેલા MLA ગુલાબસિંહ રાજપૂતની તબિયત લથડી
વાવ, તા. 21 સપ્ટેમ્બર 2022 બુધવાર
થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત થરાદ વિસ્તારના પડતર પ્રશ્નોને લઈને ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે. દરમિયાન ત્રીજા દિવસે સાંજના સમયે તેમની તબિયત લથડતાં આંદોલન સ્થળે જ સારવાર શરૂ કરાઇ હતી. જેના કારણે થરાદ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ દોડી આવ્યા હતા.
ધારાસભ્ય ગુલાબસિંહે જણાવ્યુ હતુ કે જ્યાં સુધી માંગણીઓ પુરી કરવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છેકે ધારાસભ્ય ગુલાબસિંહ છેલ્લા ચાર દિવસથી દસેક મુદ્દાને લઈને ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે.
જેમાં મુખ્ય નર્મદા પાણી વિહોણા 97 ગામોને પાણી આપવુ, સુજલામ સુફલામ્ કેનાલમાં બારેમાસ પાણી આપવુ, રોડ રસ્તાઓને પાકા મંજૂર કરવા. જમીન રિસર્વે રદ કરવો, મકાન વિહોણા પરિવારને પ્લોટ ફાળવવા, નર્મદા કેનાલ આસપાસનાં ગામોમાં પાણીનો કાયમી નિકાલ કરવો, થરાદ રેફરલ હોસ્પિટલનું આધુનિકરણ કરવુ જેવાં મુદ્દે ઉપવાસ કરતા આજે તેમની તબિયત લથડતાં આંદોલન સ્થળે જ સારવાર શરૂ કરવામાં આવી હતી.