Get The App

અરવલ્લીમાં શિક્ષકના ટોર્ચરથી કંટાળીને વિદ્યાર્થીની આત્મહત્યાનો આરોપ, 500 વિદ્યાર્થી પોલીસ સ્ટેશન પહોંચ્યા

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
અરવલ્લીમાં શિક્ષકના ટોર્ચરથી કંટાળીને વિદ્યાર્થીની આત્મહત્યાનો આરોપ, 500 વિદ્યાર્થી પોલીસ સ્ટેશન પહોંચ્યા 1 - image


Aravalli Student Suicide : બે દિવસ પહેલાં અરવલ્લીમાંથી ધોરણ 12માં અભ્યાસ કરતા બાળકની આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અરવલ્લી જિલ્લાના મઉ ટાંડા ગામના દીપક વણઝારા નામના વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. દીપક સવારે શાળાએ ગયો પરંતુ બાદમાં ઘરે પાછો ન હતો આવ્યો. વિદ્યાર્થીની શોધખોળ કરતાં તે હાથમતી ડેમમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. ત્યારે આજે શાળાના અન્ય વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન પહોંચી પોતાના મિત્રને ન્યાય આપવાની માગ સાથે હોબાળો કર્યો હતો. 

શું હતો સમગ્ર બનાવ? 

અરવલ્લીના મઉ ટાંડા ગામમાં રહેતો દીપક પ્રેરણા વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો. દીપક સવારે શાળાએ ગયો હતો, પરંતુ સાંજે ઘરે પહોંચ્યો ન હતો. જેથી ઘરના લોકોએ તેની શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન હાથમતી ડેમ પાસેથી યુવકનું એક્ટિવા અને સ્કૂલબેગ મળી આવ્યું. ત્યારબાદ પોલીસ અને મોડાસા ફાયર વિભાગને સમગ્ર ઘટના વિશે જાણ કરવામાં આવી. ફાયરની ટીમે લગભગ 17 કલાક સુધી ડેમમાં ડૂબેલા વિદ્યાર્થીની શોધખોળ હાથ ધરી અને અંતે વિદ્યાર્થી મૃત હાલતમાં ડેમમમાંથી મળી આવ્યો હતો. પોલીસે આ મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ અમદાવાદની સ્કૂલોમાં પ્રથમવાર આરટીઓ અને ટ્રાફિક પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ, 1 લાખથી વધુનો દંડ વસૂલ્યો

વિદ્યાર્થીઓમાં રોષ

પ્રેરણા વિદ્યાલયના વિદ્યાર્થીઓ પોતાના મિત્રના મોતના દુઃખ સાથે ભેગા મળીને આજે ભિલોડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓએ શાળાના એક શિક્ષક કેડી ભુધરાની પર આરોપ લગાવતા કહ્યું કે, 'આ શિક્ષક વારંવાર દીપકનું અપમાન કરતા હતા અને તેની હેરાનગતિના કારણે જ દીપકે આપઘાત કર્યો છે. દીપક ધોરણ 11માં ભણતો ત્યારથી જ તેને ટોર્ચર કરવામાં આવતો હતો.'

આ પણ વાંચોઃ વિદ્યાર્થીના વાળ ખેંચી ભીંતે માથું પછાડનારો શિક્ષક સસ્પેન્ડ, અમદાવાદની માધવ પબ્લિક સ્કૂલની ઘટના

શિક્ષકને સસ્પેન્ડ કરવાની કરી માગ

લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે ભિલોડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશને વિદ્યાર્થીઓએ યોગ્ય તપાસ કરી જલ્દીમાં જલ્દી દીપકને ન્યાય આપવાની માગ કરી હતી.આ સાથે વિદ્યાર્થીઓએ દીપકને ન્યાય આપો અને શિક્ષકને સસ્પેન્ડ કરો એવા નારા લગાવ્યા હતા. 



Google NewsGoogle News