Video: સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષકો બાળકો પાસે ઘરની શાકભાજી સમારાવે છે : ભવાન ભરવાડ
- ગુજરાતમાં અપાતા શિક્ષણની ભાજપના નેતા દ્વારા જાહેરમાં ટીકા
- આણંદના કાર્યક્રમમાં ઘેટા અને ઊન વિકાસ નિગમના ચેરમેને રાજ્યમાં શિક્ષણની કથળતી સ્થિતિ સામે આંગળી ચિંધી
- ગુજરાતમાં હજુ પણ શિક્ષણ બહુ જ કાચું છે
- વિદ્યાર્થીઓને કઈ પૂછીએ તો રોવા બેસે છે કહે છે કે સાહેબ હુ કોઈ દિવસ શાળામાં જ આવ્યો નથી : ચેરમેન
- શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન કાર્યક્રમમાં ચેરમેને શિક્ષકોને સોગંધ આપીને હા માં હા પડાવતા શિક્ષણ વિભાગમાં સોપો
અમદાવાદ, તા. 05 સપ્ટેમ્બર 2019, ગુરુવાર
ગુજરાતમાં હજુ પણ શિક્ષણ બહુ જ કાચું છે. ખાસ કરીને સુરેન્દ્રનગર, છોટા ઉદેપુરના ગામડાઓમાં વિદ્યાર્થીઓને કઈ પૂછીએ તો રોવા બેસે છે કહે છે કે સાહેબ હું કોઈ દિવસ શાળામાં જ આવ્યો નથી તેમ કહે છે. આમા શિક્ષકોની ભૂલો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષકો ચાર વાગે એટલે બજારમાંથી ઘર માટે શાકભાજી લઇ આવીને શાળામાં બાળકો પાસે સાફ કરાવીને સમારાવે છે. આમ ભાજપના નેતા એવા ગુજરાતના ઘેટાં અને ઉન વિકાસ નિગમના ચેરમેન ભવાન ભરવાડે આણંદમાં શ્રેષ્ઠ શિક્ષકોને સન્માવાના કાર્યક્રમમાં ગુજરાતમાં અપાતા શિક્ષણની જાહેરમાં ટીકા કરી હતી.
શિક્ષક દિવસ નિમિત્તે આણંદ કૃષિ યુનિ.ના ઓડીટોરીયમમાં જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનવાનો કાર્યક્રમ રાજ્યના ઘેટાં અને ઉન વિકાસ નિગમના ચેરમેન ભવાન ભરવાડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ચેરમેને ભાજપના રાજમાં રાજ્યમાં કથળતી શિક્ષણની સ્થિતિ સામે આંગળી ચિંધી ટીકા કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના ગામડાઓમાં શિક્ષણ હજુ કાચું છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સુધી ઈડર બાજુના શિક્ષકો જીપમાં બેસી 150 થી 200 કિ.મી. સુધી અપડાઉન કરે છે. રાજ્યના શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ શાળાથી ૩૦ કિ.મી. દૂર જ શિક્ષકો વસવાટ કરી શકે છે. આ દૂષણ હવે અમારાથી દૂર થાય તેમ નથી.
ચેરમેને વધુમાં જણાવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લામાં ગામડાઓમાં શિક્ષિકાઓ સાંજે ચાર વાગ્યે ચાલુ શાળાએ ગામમાંથી શાકભાજી લઇને આવી શાળાની વિદ્યાર્થીનીઓ પાસે ઘરના શાકભાજી સાફ કરાવીને સમારાવીને થેલીમાં ઘેર લઈ જાય છે. અમે ગામની મુલાકાતે જઇએ ત્યારે ગામના વડીલો પણ કહે છે કે શિક્ષિકાઓ ઘર માટે શાકભાજી ખરીદી બાળકો પાસે સમરાવે છે. હું નથી કે તો મારી પાસે વિડીયો છે.
વધુમાં કાર્યક્રમના મંચ પરથી સામે બેઠેલા શિક્ષકોને શિક્ષણની કથળતી સ્થિતી અંગે પૂછ્યું હતું કે ખોટું બોલે તેના બાપના સોગંદ છે. બોલો હા કે ના આમ કહેતા શિક્ષકોએ પણ હાંના નારા પોકાર્યા હતા. જો કે બફાટ બાદ ભવાન ભરવાડે આ તો બે વર્ષ પહેલાની વાત છે, અને અત્યારે સારુ છે તેમ કહી વાત વાળવાનો પ્રયાસ કર્યો હતો.