ગુજરાતના વાતાવરણમાં પલટો, સતત બીજા દિવસે સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ
Unseasonal Rain In Gujarat: ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ ઘણાં વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ત્યારે આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદના કારણે કેરી સહિતના કેટલાક પાકોને નુકસાન પહોંચી શકે છે.
સતત બીજા દિવસે કમોસમી વરસાદ
અસહય ઉકળાટ બાદ દ્વારકા, અમરેલી, કચ્છ, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લા સહિત ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગઈકાલે રાજકોટના ગ્રામ્ય પંથક, અમરેલી અને ગીર પંથક તેમજ કચ્છ જિલ્લામાં ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભરઉનાળે વરસાદ પડતા કેરી, મગ, તલ સહિતના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.
હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગાહી કરી હતી કે,14મી એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ તથા કચ્છના વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે. તો 15મી એપ્રિલે સાબરકાંઠા મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં છુટો-છવાયો વરસાદ વરસી શકે છે.