ગુજરાતમાં માવઠું, અમરેલીના ગ્રામીણ વિસ્તાર અને કચ્છમાં કમોસમી વરસાદ, તમામ જિલ્લામાં કરાઈ છે આગાહી
હવે રાજ્યમાં ઠંડી પોતાની પકડ જમાવા લાગી છે
કચ્છના ભુજ તથા નખત્રાણા તાલુકામાં માવઠું પડ્યું
Gujarat Weather Update: ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર રાજ્યમાં માવઠાની શરૂઆત થઈ ચૂકી છે. જેના લીધે હવે રાજ્યમાં ઠંડી પોતાની પકડ જમાવા લાગી છે. પારો ગગડી રહ્યો છે અને પવનની દિશા પણ બદલાઈ રહી છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના ગામડાના વિસ્તારો તથા કચ્છમાં કમોસમી વરસાદ પડ્યો છે.
નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય
માહિતી અનુસાર હવામાન વિભાગે જણાવ્યું હતું કે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ ધપી રહ્યું છે. આ સિસ્ટમ ગુજરાત સહિત અરબ સાગર તથા મહારાષ્ટ્ર સહિત અન્ય કેટલાક વિસ્તારોને આવરી લેશે. હાલમાં અમરેલીના ધારી અને જાફરાબાદના ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ નોંધાયો હતો. જેના લીધે ખેડૂતોની ચિંતા વધી ગઇ હતી. જ્યારે કચ્છના ભુજ તથા નખત્રાણા તાલુકામાં માવઠું પડ્યું હતું. મોડી રાતે આ વાઠાને લીધે અનેક જગ્યાએ વીજ સપ્લાય ઠપ થઈ ગયો હતો.
માવઠાની કરાઈ હતી આગાહી
શનિવારે જ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, તથા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 2થી 3 ઇંચ જેટલો વરસાદ પણ થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં એકાદ ઇંચ જેટલો વરસાદ પડે તેવી સંભાવના છે.