Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગર્ભવતી સ્ત્રી માટે જોખમી બની શકે પ્રી-ઈક્લેમ્પિસિયાની અવગણના

કોઈપણ  સ્ત્રી માટે ગર્ભાવસ્થા તેના જીવનનો સૌથી આનંદદાયક તબક્કો હોય છે. આ સમય દરમિયાન તે  પોતાના ભાવિ સંતાન માટે  કંઈ કેટલાય શમણાં  જોતી  હોય છે. પરંતુ ગર્ભાવસ્થા પોતાની સાથે કેટલીક ચિંતાઓ પણ લઈ આવે છે. આ સમયમાં  ઘણી મહિલાઓ ચોક્કસ પ્રકારની  શારીરિક  વ્યાધિનો ભોગ બને છે. આવી જ એક બીમારી એટલે પ્રી-ઈક્લેમ્પસિયા. સગર્ભાવસ્થામાં થતી  હાઈ બ્લડ પ્રેશરની વ્યાધિને  પ્રી-ઈક્લેમ્પસિયા તરીકે ઓળખવામાં આવે  છે. અને આ બીમારી ગર્ભવતી સ્ત્રી તેમ જ ગર્ભસ્થ  શિશુ માટે જોખમી બની રહે છે. કેટલીક  વખત ગર્ભવતી સ્ત્રીને પોતાને જ આ વાતની જાણ નથી હોતી. તે આ બીમારીને સામાન્ય  માનીને ગણકારતી નથી.  પરંતુ કેટલીક વખત તેના ગંભીર પરિણામો આવી શકે છે. ગાયનેકોલોજીસ્ટો પ્રી-ઈક્લેમ્પસિયા સામે આંખ આડા કાન ન કરવાની સલાહ આપવા સાથે તે થવાના કારણો અને તેના ઉપચારની જાણકારી આપતાં કહે છે :

સામાન્ય રીતે પ્રથમ ગર્ભાવસ્થા દરમિયાન પ્રી-ઈક્લેમ્પસિયા થવાની ભીતિ રહે છે. આ ઉપરાંત સ્થૂળતા, ડાયાબિટીસ, ગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાન, આનુવંશિક લક્ષણો-જેમ કે માતા કે બહેનમાં આ વ્યાધિ હોવી, વીસ વર્ષથી  પહેલાં કે ૪૦ વર્ષ બાદ ગર્ભ ધારણ કરવો ઈત્યાદિમાં પ્રી-ઈક્લેમ્પસિયા થવાની શક્યતા રહે છે.

આ  વ્યાધિમાં  માથું દુ:ખવું, પેટના ઉપરના ભાગમાં ડાબી બાજુ પીડા થવી, દ્રષ્ટિ ધુંધળી થવી, હાથ-પગ ચહેરા પર સોજા ચડવા, ઊલટી થવી, ચક્કર આવવા, ઝડપથી વજન વધવું જેવા લક્ષણો જોવા મળે છે. જ્યારે કેટલાંક  કેસમાં આવા કોેઈ લક્ષણો દેખાતા જ નથી. પરંતુ જ્યારે તે ગર્ભવતી સ્ત્રીની તબિયત અચાનક જ લથડે અને તબીબી તપાસ કરાવવામાં આવે ત્યારે આ વ્યાધિનું નિદાન થાય છે.

ગાયનેકોલોજીસ્ટો વધુમાં  કહે છે કે પ્રી-ઈક્લેમ્પસિયાને કારણે પ્લેસેન્ટામાં  પૂરતા પ્રમાણમાં  રક્ત નથી પહોંચતું જે  ગર્ભસ્થ શિશુના વિકાસને અવરોધે  છે. તેને કારણે પ્લેસેન્ટાને  નુકસાન થાય તો માતા-શિશુ બંને માટે જીવનું જોખમ ઊભું થાય છે. આ સિવાય પ્રી-ઈક્લેમ્પસિયાને કારણે જન્મ વખતે શિશુનું વજન ઓછું હોવું, જન્મજાત ખોડની ભીતિ, ગર્ભાવસ્થામાં ભારે રક્તસ્ત્રાવ, ગર્ભવતી સ્ત્રીને વાઈ આવવી જેવી સમસ્યાઓ પણ સર્જાય છે.

આવી સ્થિતિનો અચાનક સામનો   ન   કરવો પડે તેને માટ શું કરવું તેની   માહિતી આપતાં નિષ્ણાત તબીબો  કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત રીતે બ્લડ પ્રેશર મપાવતાં રહેવું. જો રક્તચાપ  વધુ હોય તો તબીબે આપેલી દવાઓ નિયમિત રીતે લેવી. આહારમાં મીઠું ઓછું લેવું. તબીબની સલાહ મુજબ વ્યાયામ કરવો અથવા ચાલવું. ધૂમ્રપાન કે આલ્કોહોલથી દૂર રહેવું.

જો પ્રી-ઈક્લેમ્પસિયા ગંભીર હોય તો પૂરતો આરામ કરવો. તેઓ વધુમાં કહે છે કે પ્રી-ઈક્લેમ્પસિયાના નિદાન માટે બ્લડ પ્રેશર માપવા સાથે પેશાબ અને રક્તની તપાસ પણ કરવામાં   આવે છે. જો ગર્ભવતી  સ્ત્રી આ વ્યાધિનો શિકાર બની હોય તો આરંભના તબક્કામાં જ દવાઓ  દ્વારા તેને કાબૂમાં લઈ લેવામાં આવે છે. પરંતુ જો તે ગંભીર સ્વરૃપ ધારણ કરે તો જોખમ ટાળવા  જે તે ગર્ભવતી સ્ત્રીને હોસ્પિટલમાં પણ દાખલ કરવી પડે છે.

- વૈશાલી ઠક્કર

Post Comments