Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય ડ્રોને અમારી સરહદમાં ઘૂસણખોરી કરી સરહદના નિયમો તોડયા : ચીન

- ચીને ફરી ભારત પર પોતાના સાર્વભૌમત્વનો ભંગનો આરોપ મૂક્યો

- ડ્રોન સિક્કિમ સરહદ ઓળંગીને ચીનમાં તૂટી પડયું હતું

ચીન સેનાએ જવાબદારીપૂર્વક ડ્રોનની ચકાસણી કર્યા પછી ભારત પર આરોપ મૂક્યો હોવાનો દાવો
બેજિંગ, તા. 7 ડીસેમ્બર, 2017, ગુરૂવાર

ભારતે ડ્રોન વિમાનોની મદદથી સિક્કિમ સરહદે ચીનની સરહદમાં ઘૂસણખોરી કરી હોવાનો ચીન સરકારે દાવો કર્યો છે. આ ઘટનાને ચીને તેના સાર્વભૌમત્વ પર તરાપ ગણાવીને ભારત સરકાર સમક્ષ સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જેંગ શુઆંગે કહ્યું હતું કે, ભારતે અનમેન્ડ એરિયલ વ્હિકલની મદદથી સિક્કિમમાં દોકલામ નજીક અમારા એરસ્પેસમાં ઘૂસણખોરી કરી હતી.

જોકે, આ મુદ્દે ભારત સરકારે તાત્કાલિક પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. બીજી તરફ, ચીન સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે, ચીન સેનાએ જવાબદાર વલણ દાખવીને ડ્રોન વિમાનની ચકાસણી કરી છે. એ પછી અમે ભારત પર ઘૂસણખોરીનો આરોપ મૂક્યો છે. અમે ચીન સેના પાસેથી વધુ વિગતો પણ મંગાવી છે.

આ આરોપ મૂકતી વખતે ચીને ૧૮૯૦માં થયેલી ચાઈના-બ્રિટીશ ટ્રિટીની પણ યાદ અપાવી હતી. દોકલામ વિવાદ વખતે પણ ચીને આ સંધિનો મુદ્દો ઉછાળ્યો હતો. આ સંધિ પ્રમાણે સિક્કિમની સરહદ તિબેટ સાથે વહેંચાયેલી છે અને તિબેટને ચીન પોતાનો જ હિસ્સો માને છે. આ કારણસર ચીને ભારત સમક્ષ રજૂઆત કરી હતી કે, આ વિસ્તારમાં સરહદો રેખાંકિત કરાયેલી જ છે.

આ મુદ્દો રજૂ કરીને જેંગ શુઆંગે કહ્યું હતું કે, અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે ભારતે સરહદી નીતિનિયમોનો ભંગ કરીને અમારા સાર્વભૌમત્વ પર તરાપ મારી છે. સરહદી શાંતિ જાળવી રાખવા માટે આ પ્રકારનું વર્તન અયોગ્ય કહેવાય. ભારત અને ભારતીય સેના પ્રત્યે અમે સખત અસંતોષ વ્યક્ત કરીએ છીએ. અમે ભારતને અપીલ કરીએ છીએ કે, આ વિસ્તારમાં ડ્રોનની મદદથી સર્વેઇલન્સ કરવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે.

જોકે, જેંગ શુઆંગે ભારતીય ડ્રોન વિશે માહિતી આપવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી. આ ડ્રોન દોકલામ નજીકથી મળ્યું હતું એ પ્રકારના પ્રશ્નનો પણ તેમણે જવાબ આપ્યો ન હતો. અહીંના કેટલાક વિસ્તારમાં ચીન બાંધકામ કરી રહ્યું છે, જેનો ભારત સતત વિરોધ કરી રહ્યું છે કારણ કે, ભારત એ વિસ્તારોને 'વિવાદાસ્પદ' ગણાવી રહ્યું છે. નોંધનીય છે કે, અગાઉ પણ ચીની સેનાએ ભારતીય ડ્રોને સરહદમાં ઘૂસણખોરી કરી હોવાનો આરોપ મૂક્યો હતો.

ડ્રોને ટેકનિકલ ખામીના કારણે સંપર્ક ગુમાવી દીધો હતો : ભારત
નવી દિલ્હી, તા.૭
સિક્કિમ સરહદમાં ભારતીય ડ્રોન તૂટી પડયા પછી ભારતીય સંરક્ષણ મંત્રાલયે તાત્કાલિક પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. જોકે, ચીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા જેંગ શુઆંગના સત્તાવાર નિવેદન પછી ભારત સરકારે કહ્યું હતું કે, ભારતીય ડ્રોને ટેકનિકલ ખામીના કારણે ગ્રાઉન્ડ કંટ્રોલ સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો. આ કારણસર ડ્રોન સિક્કિમ સરહદ ઓળંગીને ચીનના વિસ્તારમાં તૂટી પડયું હતું.  ભારતીય સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે, ભારતીય સેનાનું ડ્રોન સિક્કિમ સરહદ ઓળંગીને ચીનના વિસ્તારમાં ઘૂસ્યું એ ઘટનાની ચીની સેનાને તાત્કાલિક જાણ કરાઈ હતી. એ પછીયે ચીને આવા આરોપ મૂકી રહ્યું છે. જોકે, ડ્રોન ઘૂસવાનું ચોક્કસ કારણ શું છે એ દિશામાં તપાસ ચાલુ છે.

Post Comments