Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાગડાની ડોકમાં રત્નજડિત માળા શા માટે પહેરાવો છો ?

અણનમ અહંકાર પર પ્રચંડ આઘાત થતાં રાજા પ્રજાપાલના ચિત્તમાં ક્રોધાગ્નિ જાગી ઊઠયો અને તેઓ મયણાસુંદરીના પિતા હોવા છતાં એના ઘોર અહિતનો દુષ્ટ વિચાર કરે છે. રાજા વિચારે છે કે કર્મ પ્રમાણે સઘળું થાય છે એમ માનનારી મયણાને મારે બરાબર પાઠ ભણાવવો છે.

મયણાએ પણ પિતાના અહંકાર આગળ નમતું જોખવાને બદલે સત્યના અને તત્ત્વના પક્ષે અડગ રહેવાની દૃઢતા દાખવી.

રાજા પ્રજાપાલના મહેલમાં સાતસો કુષ્ટરોગીઓની સેનાના દૂતે આવીને પોતાના ઉંબરરાણા માટે લગ્નયોગ્ય કન્યાની માગણી કરી, ત્યારે એના અતિ આશ્ચર્ય વચ્ચે રાજાએ કોઈ સામાન્ય કન્યાને બદલે રાજકુમારી મયણાસુંદરીના લગ્નની વાત કરતાં દૂત આશ્ચર્યમાં પડી ગયો. પિતા પુત્રી સાથે વેર લેવા નીકળ્યા હતા તેથી એ  ેઉંબરરાણાના દૂતને કહે છે કે 'તારા રાજાને મારી પુત્રી પરણશે.'

રાજા પ્રજાપાલ માનતા હતા કે હજી પુત્રી એમ કહેશે કે આપના જેવા રાજાને પિતા તરીકે પામીને હું ધન્યભાગ્ય છું, પરંતુ કર્મમાં દૃઢ શ્રદ્ધા ધરાવતી મયણાસુંદરીએ કહ્યું,'પિતાજી, જીવન એ તો કર્મનો ખેલ છે. કર્મમાં હોય તે થાય. મારા કર્મમાં જે પતિ લખાયો હશે તે જ મને સ્વીકાર્ય, પછી ભલે તે મોટો રાજકુમાર હોય કે કોઈ અતિ ગરીબ માનવીનો દરિદ્ર પુત્ર હોય.'

મયણાસુંદરીનાં આ વચનો સાંભળીને ક્રોધાન્ધ રાજાને પ્રચંડ ક્રોધ જાગ્યો અને એમણે તત્કાળ ઉંબરરાણાને બોલાવ્યો અને ગર્જનાભર્યા અવાજે આદેશ આપ્યો. 'ઉંબરરાણા, તમે જાણો છો કે જીવનમાં કર્મ પ્રમાણે બધું થતું હોય છે. હવે તમારા કર્મનો અજબ ખેલ જુઓ.'
આ સાંભળીને ઉંબરરાણાએ કહ્યું,'કેવો ખેલ છે એ ? મને તો કંઈ સમજાતું નથી.'
'મારી આ પુત્રીનાં કર્મો તમને અહીં વિવાહ કરવા માટે ખેંચી લાવ્યાં છે. માટે તમે હવે એની સાથે લગ્ન કરો.'

ઉંબરરાણાએ કહ્યું,'મહારાજ, અમારા જેવા દુ:ખિયાઓની મશ્કરી કરવી સારી નહીં. ક્યાં ઉજ્જૈનીના રાજા પ્રજાપાલની રાજકુમારી અને ક્યાં હું ?'

રાજા પ્રજાપાલે કહ્યું,'જુઓ, આ ક્ષત્રિયનું અફર વચન છે, રાજવીનું વચન છે, માટે ડર્યા વગર તમારા લગ્નના પ્રસંગમાં મહાલો. આજ તમારા ભાગ્ય જાગ્યા છે.'

ઉંબરરાણા કુષ્ટરોગને કારણે કદરૃપો દેહ ધરાવતા હતા, પણ જ્યારે એમની સાથેની સાતસો કુષ્ટરોગીઓની સેનાએ જાણ્યું કે એમના રાજાને રાજકન્યા મળવાની છે, ત્યારે એ સહુના ઉમંગનો પાર ન રહ્યો. ચોરેચૌટે આ સાતસોની સેના શોરબકોર કરી રહી. ભારે કોલાહલ થવા લાગ્યો.

એમને જોવા માટે ઉજ્જૈયીની નગરીના હજાર લોકો એકત્રિત થયા અને આશ્ચર્યચક્તિ થઈને જોઈ રહ્યા.
નગરજનો વિચારતા કે આ તો લગ્ન છે કે મશ્કરી ? કોઈક તો કહેતું કે આ રાજા મજાક કરે છે. હમણાં એ ઉંબરરાણાનો શિરચ્છેદ કરી નાખશે.

જ્યારે કેટલાક લોકો ધિક્કાર અને ફિટકાર વરસાવતા કહેતા, 'અરે ! આવું તે હોય ! ખરો બાપ તો દીકરીની ભૂલને છાવરે. દીકરીએ ભલે ભૂલ કરી હોય, પણ એને આવી જીવનભરની સજા થાય ખરી ? ફિટકાર છે આવા પિતાને !'

નગરના અનુભવીઓ તો કહેતા કે જુઓ, આનું નામ રાજહઠ. રાજહઠ અને બાળહઠ સરખી. એને સારું ખોટું કંઈ સમજાય નહીં.

કોઈ બોલી ઊઠયું,'અરે છોરું કછોરું થાય, પણ કંઈ માવતર કમાવતર થાય ખરા ?'
કેટલાક લોકો તો ઉંબરરાણાની સેનાને જોઈને પૂછવા લાગયા કે 'અરે, તમે છો કોણ ? આવા કદરૃપા કેમ ?'

ત્યારે ઉંબરરાણાની સેનાના કુશળ સૈનિકો જવાબ આપતા, 'અરે, અમે તો તમારા રાજાની સ્વરૃપવાન રાજકુંવરી લેવા આવ્યા છીએ. તમારા રાજાને ત્યાં અમે જાનમાં જઈએ છીએ.'

આશ્ચર્યમાં ડૂબી ગયેલા નગરજનો પણ આ ઉંબરરાણાની સેના સાથે ચાલવા લાગ્યા, અને બધા ઉજ્જૈયીનીના રાજા પ્રજાપાલની રાજસભામાં આવી પહોંચ્યા. આ સમયે રાજાને ઉંબરરાણાએ કહ્યું, 'હે મહારાજ, કાગડાની ડોકમાં રત્નજડિત સોનાની માળા કોઈ નાખે નહીં, ત્યારે તમે શા માટે આવું કરો છો ? એક તો હું રોગગ્રસ્ત છું, મારા પૂર્વકર્મોને ભોગવી રહ્યો છું. જ્યારે આવી દશા હોય પછી કોઈ પોતાની વધુ દુર્દશાનો વિચાર કરે ખરું ? હું જાણી જોઈને આ રાજકુમારીનો ભવ બગાડવા માગતો નથી.

મારા દૂતની માગણી તો કોઈ દાસીની પુત્રીની હતી, રાજકુમારીની નહીં. માટે મને આપ ક્ષમા કરશો.'
રાજા પ્રતિપાલે જરા કડકાઈથી કહ્યું,'જુઓ, જેમ તમે કર્મની વાત કરો છો, એજ રીતે રાજકુમારી મયણા પણ પોતાના કર્મમાં માને છે.

આથી તેના કર્મે હું તમારી પસંદગી એના પતિ તરીકે કરું છું. આવી રીતે એ પોતાનાં કર્મોનું ફળ ભોગવશે. એમાં તમારો શો દોષ ?'
આ સાંભળી ઉંબરરાણાના પગ નીચેથી ધરતી ખસવા લાગી. (ક્રમશ:)
 

ગોચરી

સુખ માણસને ગમે છે, દુ:ખ એને ગમતું નથી, પણ યાદ રાખો કે સુખ માણસનાં શુભ કાર્યોનું ફળ છે. દુ:ખ એનાં અશુભ કર્મોનું પરિણામ છે. કસ્તુરીમૃગ સુગંધને બહાર શોધે છે, પણ સુગંધ એની નાભિમાં જ હોય છે. બસ, એમ જ સાચું સુખ તમારી ભીતરમાં છે. તમારી અંતરતૃપ્તિમાં એ રહેલું છે. તમારી ઇચ્છાઓ વગરના આકાશમાં અંદર ડોકિયું કરશો, તો તમને જરૃર હાથ લાગશે.

- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ
 

Post Comments