Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અઢાર અક્ષૌહિણી સેનાના સંહાર પછી યુધિષ્ઠિરને મળેલું હસ્તિનાપુરનું સિંહાસન શૂળી સમાન લાગ્યું !

- આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ

યજ્ઞાને પરિણામે મહારાજ યુધિષ્ઠિરના વ્યથિત મનને પૂર્ણ શાંતિ પ્રાપ્ત થઈ. એમની વેદના શમી ગઈ અને શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને ચિંતામુક્ત થયેલા જોઈને ભારોભાર પ્રસન્નતા અનુભવી.

યુધિષ્ઠિરના શિર પરથી જાણે પાપનો મોટો બોજ દૂર થયો. પોતાના જ્યેષ્ઠ બંધુની પ્રસન્નતાને જોઈને ભીમ, અર્જુન, નકુલ અને સહદેવને પણ સાહજિક રીતે આનંદની  અનુભૂતિ થઈ અને

એ રીતે હસ્તિનાપુરના રાજમહેલમાં અને સમસ્ત નગરમાં યજ્ઞાને કારણે પાવન વાતાવરણ ફેલાઈ રહ્યું.

 યુધ્ધ તે વળી કોને શાંતિ આપે છે ? અજંપામાંથી યુદ્ધ ખેલાય અને માનવસંહાર પછી પ્રતિશોધનો પડછાયો પાથરીને યુદ્ધ વિદાય લેતું હોય છે.
આ યુદ્ધના અંતે ન કોઈ વિજેતા હોય છે કે ન કોઈ પરાજિત હોય છે.  એના અંતે તો માનવતાનું વૈધવ્ય રૃદન કરતું હોય છે.
કોણે કહ્યું કે યુદ્ધની કથા રમ્ય હોય છે ? યુદ્ધ એ તો સદાય ભયાવહ અને વિનાશક હોય છે. એમાં વિજેતાને શાંતિ મળતી નથી અને પરાજય પામનારાઓ સદાને માટે મૃત્યુની ચિરનિદ્રામાં

પોઢી ગયા હોય છે.
આને કારણે બને છે એવું કે ઘમાસાણ યુદ્ધમાં મહાકાલનું રૌદ્રરૃપ પ્રગટ થાય છે, જે ઉભય પક્ષનો વિનાશ કરે છે. આને પરિણામે તો 'મહાભારત'ના યુદ્ધને અંતે પરાજિત કૌરવોને ઘોર

નાલેશી મળી, પરંતુ એટલા જ અફસોસ અને શરમના બોજ હેઠળ વિજેતા પાંડવો પણ દબાઈ- ચંપાઈ ગયા.
વીરતાના હોંકારા-પડકારા શમી જતાં ચિત્તની વામન વિચારધારા માટે અફસોસ જાગ્યો. પાંડવો સામે ડરામણી શૂન્યતા વ્યાપી રહી. સામે કોઈ પ્રતિસ્પર્ધી નહોતો, તેથી પાંડવો પાંગળા

હોવાનો અનુભવ કરવા લાગ્યા. એમના ચહેરા કાંતિવિહીન, ફિકા બની ગયા. એક સમયે જીવનમાં વિજયનો હેતુ હતો. હવે એ સઘળું સમાપ્ત થતાં જીવન નિરર્થક લાગવા માંડયું. અરે ! એ

વિજય સામે પાંડવોને સ્વયં પ્રશ્નાર્થ જાગ્યો. આ તો શું વિજય ? કોના પર વિજય ? કેટકેટલું ગુમાવીને મેળવ્યો આવો વિજય ? પ્રાણ ન્યોછાવર કરીને યુદ્ધો કર્યા. એ યુદ્ધ કરવામાં કેવી

મૂર્ખામી કરી એનો હવે પાંડવોને અહેસાસ થવા લાગ્યો.
હસ્તિનાપુરમાં પુનરાગમન કર્યા બાદ રાજસિંહાસન પર યુધિષ્ઠિર આરૃઢ થયા, પરંતુ ભૂતકાળની વેદનાઓ એમને સિંહાસનને બદલે શૂળી પર ચડયા હોય એવો ભાવ જગાવતી.

રાજસિંહાસન પર બિરાજ્યા ત્યારે તો મહર્ષિ વેદવ્યાસ અને સ્વયં શ્રીકૃષ્ણએ એમને માર્ગદર્શન આપ્યું. બહારથી યુધિષ્ઠિર સ્વસ્થ હતા. પણ અંદર અસ્વસ્થતાનો ઉદધિ માઝા મૂકીને બેઠો

હતો. યુદ્ધમાં સ્વજનોના સંહાર પછી જાગેલી આત્મગ્લાનિ સતત અંતરને વીંધતી હતી.
કોઈ મહા-અપરાધ કર્યો હોય એવી ગ્રંથિ એમના ચિત્તને વીંટળાઈ વળી અને એમાંથી હસ્તિનાપુરના આ રાજવી પ્રચંડ નિરાશા સાથે પોતાની જાત પર ફીટકાર વરસાવવા લાગ્યા. પારાવાર

વલોપાત કરતા હતા. અઢાર અક્ષૌહિણી સેનાના સંહાર પછી મળેલું હસ્તિનાપુરનું રાજ એમને સાવ ઉજ્જડ અને નિરસ લાગતું હતું. કોઈ વિશાળ સત્તા નહીં. પરંતુ કોઈ ખવાઈ ગયેલું

હાડપિંજર પામ્યા હોય એવી વેદનાજન્ય અનુભૂતિ થતી હતી. મનોમન વિચાર કરતા હતા કે આ હસ્તિનાપુરના ઐશ્વર્ય કરતાં તપોવનોનું અકિંચનપણું વધુ સારું હતું. એમાં શાંતિ હતી, સુખ

હતું, અઢળક આત્મસમૃદ્ધિ હતી, જ્યારે અહીં તો ચોતકફ અશાંતિ છે. સુખનો ક્યાંય છાંટો નથી. અહીં સમૃદ્ધિથી ધનભંડાર ભલે ભર્યા હોય, પણ એનાથી હૃદયભંડારની શૂન્યતા અને દારિદ્રય

સહેજે ઓછાં થતા નથી.
વિજયી યુધિષ્ઠિરને માટે રાત વેરણ બની છે, મનને પળવાર શાંતિ નથી. સામે ઉમદા ભોજન પડયા છે પણ ભૂખ ચાલી ગઈ છે. જાણે પોતાનું સઘળું હણાઈ ગયું હોય એવી હાલત

અનુભવતા હતા. વેદવ્યાસે યુધિષ્ઠિરની વ્યાકુળતાને શાંત કરવા માટે ઉપદેશ આપ્યો. શ્રીકૃષ્ણએ કુશળ રાજકારણીની માફક કેટલીય શીખામણો આપી, પરંતુ મહારાજ યુધિષ્ઠિરનું સતત

વેદનામાં ઝબોળાતું અંતક ક્યાંય શાંતિ પામતું નહોતું. ભીષ્મ, દ્રોણ, કર્ણ જેવા મહારથીઓને એમના અંત કાળ પૂર્વે વાગતા બાણોથી થતી વેદના, નીકળતું રૃધિર અને મુખમાંથી બહાર

આવતો સ્વાભાવિક ચિત્કાર યુધિષ્ઠિરને સામે દૃશ્ય રૃપે દેખાતો હતો. આંખોની સામે આ દૃશ્ય નહોતું, પરંતુ યુધિષ્ઠિરની આંખોની અંદર આ દૃશ્યો મઢાઈ ગયા હતા.
એને દૂર કરવા કઈ રીતે ? ચોતરફ બેચેની હતી. અજંપો, બેચેની અને આત્મભર્ત્સનાથી જીવતા યુધિષ્ઠિરને વ્યાસે બોધ આપતાં કહ્યું,
' આ જગતમાં કોઈ પણ માણસ ઇચ્છિત કર્મ કરવા માટે સ્વતંત્ર નથી. દૈવ તેની પાસે ધાર્યું કાર્ય કરાવે છે, આથી કરેલા કર્મને માટે શોક કરવો ઉચિત નથી. પાપ-પુણ્ય વિશે આપણો

નિર્ણય એ અંતિમ નિર્ણય હોતો નથી. સારું કે ખોટું કર્મ વિશ્વનિયંતાની ઇચ્છા અને પ્રેરણાથી થાય છે. માટે સ્વસ્થ બનો. પાપગ્રંથિથી મુક્ત થાઓ.'
આવી વિદારક પરિસ્થિતિમાંથી ઉગારવા માટે મહર્ષિ વ્યાસે યુધિષ્ઠિરને કહ્યું, ' જો પાપ ગ્રંથિથી તારું મન વિહ્વળ રહેતું હોય, તો એનાથી મુક્ત થવા માટે તપશ્ચર્યા કર, યજ્ઞાયાગ કર,

દાન-દક્ષિણા આપ. આ સઘળાં પાપોના પક્ષાલન માટેનો અને તારા પરિત્રાણનો એક જ ઉપાય છે અને તે એકે તું અશ્વમેધ યજ્ઞા કર.'
 'મહાભારત'ના યુદ્ધની પ્રચંડ વીરતા, સ્વજનોનો નિર્દય સંહાર, જઘન્ય પાપનું આચરણ, આ સઘળાં પાપ કઈ રીતે છેદી શકાય ? થયેલા પાપોને ભસ્મ કરવા માટે પુણ્યનો પુરુષાર્થ

આદરવો પડે. આને માટે અશ્વમેધ યજ્ઞા કરવાની વાત મહારાજ યુધિષ્ઠિરના મનમાં વસી ગઈ. એમના વિષાદગ્રસ્ત ચહેરા પરથી દુ:ખની થોડી રેખાઓ દૂર થઈ. ચિત્ત પરનો પાપનો બોજ

થોડો હળવો થતો લાગ્યો અને અંતે પ્રાયશ્ચિત્ત રૃપે અશ્વમેધ યજ્ઞા કરવાનો નિર્ધાર કર્યો.
શ્રીકૃષ્ણે પણ આ વાતને સમર્થન આપ્યું. ભીમ, અર્જુન, નકુલ, સહદેવ સહુને આ સલાહ અને કાર્ય ઉચિત લાગ્યા અને બધા અશ્વમેધ યજ્ઞાની તૈયારીમાં લાગી ગયા. યજ્ઞા માટે શણગારાયેલા

અશ્વને હસ્તિનાપુરથી છૂટો મુકવામાં આવ્યો. સમગ્ર ભરત ખંડનો એણે પ્રવાસ કરવાનો હતો. એ અશ્વના રક્ષણ માટે અર્જુન પાછળ પાછળ ચાલતો હતો અને જે કોઈ આ અશ્વમેધ યજ્ઞાને

માટે શણગારાયેલા અશ્વને અટકાવે તેની સાથે યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો.
અશ્વમેધ યજ્ઞાના અશ્વની પાછળ કોણ એના રક્ષણ માટે જાય એ અંગે શ્રીકૃષ્ણે અર્જુનના નામનું સૂચન કર્યુ અને સહુએ સ્વીકારી લીધું. વચ્ચે ત્રિગર્તોએ આ અશ્વને આંતર્યો. આ ત્રિગર્તોને

પાંડવો સાથે હંમેશનું વેર હતું. યુદ્ધવીર અર્જુને એમને થોડા જ સમયમાં પરાજિત કર્યા અને શરણે આવવા ત્રિગર્તો લાચાર બન્યા. એ પછી અર્જુન રથ અટકાવનારા અન્ય રાજાઓને

પરાજિત કરીને આગલ ચાલતો રહ્યો.
કુરુક્ષેત્રના યુદ્ધસમયે જયદ્રથ સિંધુદેશનો રાજા હતો. શ્રીકૃષ્ણની યુક્તિથી જ અર્જુન તેનો વધ કરી શક્યો હતો. જયદ્રથના વધનો બદલો લેવા તેનો પુત્ર કૃતસંકલ્પ બન્યો હતો. એણે અશ્વમેધ

યજ્ઞાના અશ્વને આંતર્યો. અર્જુનને લડાઈ માટે પડકાર કર્યો. અર્જુને પડકાર ઝીલ્યો અને લડવા માટે તૈયાર થયો.
યુદ્ધમેદાનમાં જયદ્રથના પુત્રે વિશાળ સેના ઉતારીને યુદ્ધ શરૃ કર્યું, પણ અર્જુન સામે એની શી વિસાત ? એ તત્કાળ પરાજિત થયો અને ભયના આઘાતથી પ્રાણ ગુમાવ્યા. એની માતા

દુર્યોધનની બહેન અને જયદ્રથની પત્ની દુ:શલા જયદ્રથના મૃત પુત્રના સાવ નાના બાળકને ખોળામાં લઈને અર્જુન પાસે આવી અને બોલી,
' અર્જુન , મારો પુત્ર અને આ શિશુનો પિતા તમારી શક્તિ અને સામર્થ્યથી ભયભીત થઈને મૃત્યુ પામ્યો છે. આ એનું એકમાત્ર સંતાન છે. એને તમે જીવતદાન આપો. ભાઈ, તમારી પાછળ

તો તમારો પ્રપૌત્ર પરીક્ષિત છે જે તમારા કુળનો વંશવેલો વધારશે, પણ જો આ શિશુ મૃત્યુ પામ્યો, તો મારા કુળનો દીવો સદાને માટે ઓલવાઈ જશે. પાર્થ, હું તમારી પાસે આ બાળકના

જીવનનું દાન માગું છું. મને તે આપો. મારા પર દયા કરો. મારા કુળને તારો.'
અર્જુન દુ:શલાની આર્તવાણીથી દ્રવી ગયો. એણે આક્રમણ અટકાવ્યું. સૈન્ય પાછું ખેંચ્યું. શિશુને જીવત-દાન આપ્યું. દુ:શલાને નિશ્ચિંત કરી અને અશ્વ સાથે આગળ વધ્યો.
આ રીત સમગ્ર ભરતખંડની પરિક્રમા કરી, દિગ્વિજય કરી હસ્તિનાપુરમાં ચક્રવર્તીનું શાસન સ્થાપી અશ્વ સાથે અર્જુન પાછો આવ્યો. સહુે એનું ભાવભર્યું સ્વાગત કર્યું અને પછી યજ્ઞા- કાર્યનો

પ્રારંભ થયો.
આ યજ્ઞાને પરિણામે મહારાજ યુધિષ્ઠિરના વ્યથિત મનને પૂર્ણ શાંતિ પ્રાપ્ત થઈ. એમની વેદના શમી ગઈ અને શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને ચિંતામુક્ત થયેલા જોઈને ભારોભાર પ્રસન્નતા અનુભવી.

યુધિષ્ઠિરના શિર પરથી જાણે પાપનો મોટો બોજ દૂર થયો. પોતાના જ્યેષ્ઠ બંધુની પ્રસન્નતાને જોઈને ભીમ, અર્જુન, નકુલ અને સહદેવને પણ સાહજિક રીતે આનંદની  અનુભૂતિ થઈ અને

એ રીતે હસ્તિનાપુરના રાજમહેલમાં અને સમસ્ત નગરમાં યજ્ઞાને કારણે પાવન વાતાવરણ ફેલાઈ રહ્યું.

Post Comments