Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હું કદાચ વૈજ્ઞાનિકને બદલે કોમ્પ્યુટર પ્રોગ્રામર બની ગયો હોત

-નોબેલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાાનિક ડો.વેંકટરામનનો વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ

-વિજ્ઞાનના ક્ષેત્રમાં નિરાશાવાદી લોકો માટે કોઈ સ્થાન નથીઃતમારા કામને સન્માન આપો અને જે સુવિધાઓ છે ત

વડોદરા,તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

વડોદરામાં ૬ વર્ષ બાદ બીજી વખત એમ.એસ.યુનિવર્સિટીની મુલાકાતે આવેલા નોબેલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાાનિક અને વેંક ીના હુલામણા નામથી ઓળખાતા ડો.વેંકટરામન રામક્રિષ્નને ખચાખચ ભરેલા યુનિવર્સિટીના ચં.ચી મહેતા ઓડિટોરિયમમાં વિદ્યાર્થીઓની સાથે સંવાદ સાધ્યો હતો અને તેમના પ્રશ્નોના  જવાબ પણ આપ્યા હતા.વિદ્યાર્થીઓ સાથેની આ વાતચીત દરમ્યાન તેમણે વિજ્ઞાાન અને રીસર્ચ અંગેનો પોતાનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ ર્ક્યો હતો અને સાથે સાથે વિદ્યાર્થીઓને કેટલીક ટીપ્સ પણ આપી હતી.યુનિવર્સિટીના જ પૂર્વ વિદ્યાર્થી એવા વેંકીના વર્તમાન વિદ્યાર્થીઓ સાથેના વાર્તાલાપના કેટલાક અંશો અત્રે પ્રસ્તુત છે.

એક તબક્કે સાયન્સ છોડી દેવાનું વિચાર્યુ હતું

વેંકીએ કહ્યું હતુ કે હું ૧૯૭૧માં વડોદરા છોડીને અમેરિકા ભણવા ગયો હતો.એમ.એસ.યુનિવર્સિટી અમેરિકામાં એટલી જાણીતી નથી.મને વધુ અભ્યાસ માટે અમેરિકામાં ઓહાયોની પ્રમાણમાં નાની યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો હતો.એ પછી મારૃ જે સંશોધન હતુ તે પણ ઓછી જાણીતી જર્નલ્સમાં છપાયું હતું. મને થઈ ગયુ હતુ કે વિજ્ઞાાનમાં મને આગળ તક નહી મળે.હું કોમ્પ્યુટર પ્રોગ્રામર બનવાની કે સ્કૂૂલમાં શિક્ષક બનીને વિજ્ઞાાન ભણાવવાનો વિકલ્પ પણ વિચારી ચુક્યો હતો. મારા એક નિકટના મિત્રે મને જોકે વિજ્ઞાાનનુ ક્ષેત્ર નહી છોડવા માટે સમજાવ્યો હતો.જો પ્રોગ્રામર બન્યો હોત તો કદાચ પૈસા વધારે મળત પરંતુ અત્યારે કામ કરવાની જે મજા આવે છે તે આવતી ના હોત.

વૈજ્ઞાાનિકના કામ મુલ્યાંકન મુશ્કેલ છે

 વેંકીએ કહ્યું હતુ અમે રોયલ સોસાયટી(બ્રિટનમાં વૈજ્ઞાાનિકોનુ સંગઠન)માં પણ છાશવારે  ચર્ચા કરીએ છે કે વૈજ્ઞાાનિકોની કામગીરીના મુલ્યાંકન કરવા મ ાટે  કયો માપદંડ યોગ્ય છે પણ તેના ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકાયુ નથી.જોકે એક માત્ર એચ ફેક્ટર (રીસર્ચના મૂલ્યાંકનનો માપદંડ)ના માપદંડનો ઉપયોગ કરીને સંશોધકોના કામનુ મુલ્યાંકન કરી શકાય નહી.કારણકે બે વખત નોબેલ પ્રાઈઝ જીતનાર એક વૈજ્ઞાાનિકનુ એચ ફેક્ટર માત્ર ૧૬ છે.આટલા ઓછા સ્કોર સાથે તો તેમને યુનિવર્સિટીમાં નોકરી સુધ્ધાં મળે નહી.

કોલાબ્રેશન આપોઆપ થતા હોય છે

બે સંસ્થાઓ કે વ્યક્તિઓ વચ્ચે કોલાબ્રેશન ત્યારે જ શક્ય બને છે જ્યારે તેઓ એક સરખા વિષય પર કામ કરતા હોય અથવા તો એકની પાસે સમસ્યા હોય અને બીજાની પાસે તેના ઉકેલ માટેની ટેકનોલોજી હોય.એમ.એસ.યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટી વચ્ચે કોલાબ્રેશન તો જ શકય બને જ્યારે બંને સંસ્થાઓ અથવા તેમાં કામ કરતા સંશોધકો કોઈ એક મુદ્દા પર સાથે આવે.

એન્ટિ બાયોટિક દવાઓના સંશોધન માટે સરકારે પહેલ કરવી પડશે

હવે નવી દવાઓની અને ખાસ કરીને એન્ટિ બાયોટિક ડ્રગની શોધ બહુ ઓછી થાય છે.કારણકે એક દવાના સંશોધન પાછળ ઓછામાં ઓછો એક અબજ ડોલરનો ખર્ચ થાય છે.નવી એન્ટિ બાયોટિક દવાઓ તબીબો જલ્દી પ્રિસ્ક્રાઈબ કરતા નથી.ડાયાબીટીસ જેવા રોગોની આ દવાઓ આખી જીંદગી લેવી પડતી નથી.એટલે કંપનીઓને તેમાં નફો ઓછો દેખાય છે.એન્ટિ બાયોટિક દવાઓના સંશોધન માટે સરકારો અને એનજીઓએ આગળ આવવુ પડશે.

એપ્લાઈડ રીસર્ચ તરફ ઝોક વધી રહ્યો છે

હવે સંખ્યાબંધ રીસર્ચ કંપનીઓમાં થાય છે.સાયન્સ અને ટેકનોલોજી એક બીજા સાથે      વણાઈ ગયા હોવાથી એપ્લાઈડ રીસર્ચનુ મહત્વ વધી રહ્યુ છે.૧૫૦ વર્ષ પહેલા મૂળભૂત  વિજ્ઞાાન પર ફોકસ વધારે રહેતુ હતુ અને વિજ્ઞાાન પ્રત્યેના આકર્ષણથી પ્રેરાઈને પૈસાપાત્ર ઘરોના સંશોધકો જ સંશોધનમાં ઝંપલાવતા હતા.

નોબેલ પ્રાઈઝની મહાનતા ઐતિહાસિક અકસ્માત છે

વિજ્ઞાાનના વિદ્યાર્થી તરીકે શરૃઆતના તબક્કામાં નોબેલ પ્રાઈઝ મેળવવાનો વિચાર આવે તે સ્વાભાવિક છે.પરંતુ જેમ જેમ તમે સંશોધનમાં આગળ વધતા જાવ છો તેમ તેમ તમારૃ ધ્યાન નોબેલ પ્રાઈઝ પરથી હટીને તમારા કામ પર વધારે કેન્દ્રિત થતુ જાય છે.નોબેલ પ્રાઈઝની પ્રતિષ્ઠા અને મહાનતા પણ એક ઐતિહાસિક અકસ્માત છે.કારણકે ૧૯૦૧માં  નોબેલ પ્રાઈઝ આપવાનુ શરૃ કરાયુ તે સમયે વિજ્ઞાાનમાં જબરજસ્ત ક્રાંતિ શરૃ થઈ હતી .શરૃઆતના ૨૦ થી ૨૫ નોબેલ પ્રાઈઝ એવા વૈજ્ઞાાનિકોને મળ્યા હતા જેમની શોધે સમાજ પર ભારે પ્રભાવ પાડયો હતો.આમ નોબેલ પ્રાઈઝનુ મહત્વ આપોઆપ વધી ગયુ હતુ.જોકે માત્ર નોબલ પ્રાઈઝ મળે તો જ તમારૃ સંશોધન ઉપયોગી છે તેવુ ના કહી શકાય.

ભારત અને અન્ય દેશોના રીસર્ચનો તફાવત

ભારતમાં રીસર્ચ કરતા વિદ્યાર્થીઓને વિશ્વની અન્ય ટોચની સંસ્થાઓના વિદ્યાર્થીઓ જેટલી સુવિધાઓ મળતી નથી.હવે જોકે  ઈન્ટરનેટના કારણે કોઈ પણ ક્ષેત્રના વૈજ્ઞાાનિકના લેક્ચરથી માંડીને બીજી માહિતી ભારતમાં પણ ઉપલબ્ધ થવા માંડી છે.બીજુ કે અમેરિકા,જાપાન, અમેરિકા અને ચીનમાં સંશોધકો વધારે કલાકો સુધી કામ કરતા હોય છે.

સંશોધન કરનારા વિદ્યાર્થીઓ માટ વેંકીએ ટીપ્સ આપી

વિદ્યાર્થીઓને ટીપ્સ આપતા વેંકીએ કહ્યું હતુ કે તમારા કામનુ આગોતરૃ આયોજન કરો.જ્યારે પણ કામ કરતા હોય તો તેના પર જ ફોકસ કરો.તમારા કામનુ સન્માન કરો.જે સુવિધાઓ તમારી પાસે છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરો અને તેનો ઉપયોગ ઉપરનુ પગથિયુ ચઢવા માટે કરો.

નિરાશાવાદી લોકો માટે વિજ્ઞાાનના ક્ષેત્રમાં કોઈ સ્થાન નથી

રીસર્ચમાં ૯૦ ટકા નિષ્ફળતા અને ૧૦ ટકા જ સફળતા મળતી હોય છે.સંશોધન કરવા માટે આશાવાદી રહેવુ બહુ જરૃરી છે.રીસર્ચના પ્રોસેસ પ્રત્યે લગાવવા કેળવવો પડે છે.તમને એવી લાગણી થવી જોઈએ કે તમે જે નવુ જાણવા માટે સંશોધન કરી રહ્યા છો તેની જાણકારી અન્ય કોઈની પાસે નથી.વિજ્ઞાાનમાં નિરાશાવાદી લોકો માટે જગ્યા નથી.એવા લોકોએ બેન્કિંગ કે અન્ય ક્ષેત્ર પસંદ કરી લેવુ જોઈએ.

સોલાર એનર્જી ભવિષ્ય માટે શ્રેષ્ઠ વિકલ્પ

વેંકીએ કહ્યું હતુ કે બાયો ફ્યુલ કાર્બન એમિશનનો અસરકારક ઈલાજ હોય તેવુ લાગતુ નથી.ભવિષ્યમાં ઉર્જાની જરૃરિયાત પુરી કરવા તેમજ પ્રદુષણના સ્તરને ઓછુ કરવા  માટે સોલાર એનર્જીનો વિકલ્પ જ આજના તબક્કે તો શ્રેષ્ઠ લાગી રહ્યો છે.આ ક્ષેત્રમાં છેલ્લા ૧૫ વર્ષમાં નોંધપાત્ર સંશોધન પણ થયુ છે.જોકે હજી પણ સોલર એનર્જી વધારે સસ્તી મળે તેવા પ્રયાસો જરૃરી છે.
 

Post Comments