પ્રાણી સંગ્રહાલય .
- 'પ્રકૃતિનું, પ્રકૃતિના જીવોનું જતન કરવાનું હોય, એનો ઉપભોગ કરવાનો ન હોય. જો પ્રકૃતિનું સંવર્ધન કરીશું તો જ પૃથ્વી પર મનુષ્ય સહિતની જીવસૃષ્ટિ ટકી શકશે. ગ્લોબલ વોર્મિંગથી ખુદને અને પૃથ્વીને બચાવવા વિશે સૌએ ગંભીર બની જવાનું છે અને તે દિશામાં નક્કર પગલાં ભરવાનાં છે...'
કિરણબેન પુરોહિત
ચિન્ટુ અને તેના મિત્રો ખૂબ ઉત્સાહિત હતા. આજે તેમની શાળાના વિદ્યાર્થીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરવાનું નક્કી કર્યું હતું. બધાં બાળકોને પ્રાણીપ્રેમ અને નૈસગક જીવન વિશે શીખવા મળવાનું હતું.
બીજે દિવસે બધા પ્રાણી સંગ્રહાલયમાં પહોંચ્યા. શિક્ષક શર્માજીએ કહ્યું, 'આજે આપણે પ્રાણીઓની જીવનશૈલી અને તેમની વિશેષતાઓ વિશે શીખીશું. બધા ધ્યાનથી જુઓ અને શીખો!'
સૌપ્રથમ બાળકો વાનરોના પાંજરા પાસે ગયા. ચિન્ટુએ જોયું કે વાનરો એક ડાળથી બીજી ડાળ પર કૂદકાં મારતા હતા. તેણે પ્રશ્ન કર્યો, 'શર્મા સર, વાનરો એટલા તીવ્રતાથી કેમ દોડે?'
શર્માજીએ હસીને જવાબ આપ્યો, 'કેમ કે તેમના હાથ અને પગ ચપળ હોય છે અને ઝાડ પર ચડવા માટે ખાસ બનેલા હોય છે!'
પછી તેઓ જીરાફ અને હાથી જોવા ગયા. ચિન્ટુએ જોયું કે જિરાફનું ગળું બહુ લાબું હતું. તેણે ફરી પૂછયું, 'જિરાફનું ગળુ એટળું લાંબુ કેમ?'
પ્રાણી સંગ્રહાલયમાં મગર, કાચબા અને સાપ વિશે પણ જોવા-જાણવા મળ્યું.
શર્માજીએ સમજાવ્યું, 'તે ઝાડની ઊંચી ડાળીઓથી પાંદડાં ખાઈ શકે, એટલે પ્રકૃતિએ તેને લાબું ગળું આપ્યું છે!'
છેલ્લે, તેઓ સિંહના પાંજરા તરફ ગયા. ચિન્ટુ ખૂબ ઉત્સુક હતો, કેમ કે તે પહેલા ક્યારેય સિંહને આટલી નજીકથી જોયો ન હતો. એ જ વખતે સિંહ ભારપૂર્વક ગર્જ્યો, અને બધા બાળકો ખુશ થઈ ગયાં!
પ્રાણી સંગ્રહાલયમાં બધાને અલગ અલગ રંગબેરંગી પક્ષીઓ જોવા મળ્યા. તેમના જીવન વિશે જાણવા મળ્યું.
ચિન્ટુના ક્લાસ ટીચરે સમજાવ્યું, 'પ્રકૃતિમાં દરેક જીવનું એક અનોખું મહત્ત્વ હોય છે, અને આપણે સૌની પાસેથી ઘણું શીખી શકીએ!'
પ્રાણી સંગ્રહાલયમાં ચિન્ટુ અને તેના મિત્રોને ખૂબ મજા આવી. બધાએ નજીકમાં આવેલા બગીચામાં સાથે નાસ્તો કર્યો.
ઘરે આવીને ચિન્ટુએ દાદાને પ્રાણી સંગ્રહાલની મુલાકાત વિશે બધી વાત કરી. દાદાજીએ પણ બધાં પશુ-પક્ષીઓ વિશે જાણકારી આપી. દાદાજીએ એ પણ સમજાવ્યું કે કન્ઝ્યુમરિઝમ એટલે ઉપભોક્તાવાદના આ યુગમાં ઘણાં પશુપક્ષીઓની આખેઆખી જાતિઓ લુપ્ત થઈ રહી છે.
ચિન્ટુએ નક્કી કર્યું કે તે પશુપ્રાણીઓ વિશે વધુ વાંચશે અને પ્રકૃતિને સમજવાનો પ્રયત્ન કરશે.
ચિન્ટુ અને એના મિત્રોને બરાબર સમજાઈ ગયું કે પ્રકૃતિનું, પ્રકૃતિના જીવોનું જતન કરવાનું હોય, એનો ઉપભોગ કરવાનો ન હોય. જો પ્રકૃતિનું સંવર્ધન કરીશું તો જ પૃથ્વી પર મનુષ્ય સહિતની જીવસૃષ્ટિ ટકી શકશે. ગ્લોબલ વોર્મિંગથી ખુદને અને પૃથ્વીને બચાવવા વિશે સૌએ ગંભીર બની જવાનું છે અને તે દિશામાં નક્કર પગલાં ભરવાનાં છે...