આકાશ દર્શન અને વેધશાળાઓ
પ્રાચીનકાળના લોકો રાત્રે આકાશમાં તારાઓ જોઈને નવાઇ પામતાં. કેટલાક તારાઓનો દરરોજ એક જ જગ્યાએ જોઈને તેમને આશ્ચર્ય થતું. તારાઓનો જોવાનો વધુ અનુભવ લઇને લોકો આકાશનું દર્શન કરીને દિશા અને સમય જાણવા લાગ્યા.
બેબીલોનની પ્રાચીન સંસ્કૃતિના લોકો આકાશમાં દેખાતા સૂર્ય, ચંદ્ર અને તારાઓ લોકોના જીવન પર અસર કરતા હોવાની માન્યતા ધરાવતા એટલે આકાશનું અવલોકન કરતાં.
તેઓ આકાશ દર્શન માટે પીરામીડ જેવા બાંધકામો કરતા અને તેનો દેવસ્થાન તરીકે ઉપયોગ કરતાં. ઇ.સ. ૧૬૦૯માં આકાશ દર્શન કરવા માટે પહેલીવાર દૂરબીન બન્યું. આજે આપણે શક્તિશાળી ટેલિસ્કોપ વડે અવકાશમાં અબજો પ્રકાશવર્ષ દૂર જોઈ શકીએ છે.
ઇંગ્લેન્ડમાં આવેલી સ્ટોનહેજ વિશ્વની સૌથી જુની વેધશાળા છે. જુદી-જુદી ઊંચાઇના પથ્થરોની ગોઠવણી કરીને બનાવવામાં આવેલી આ વેધશાળામાં પથ્થરોના પડછાયા ઉપરથી સૂર્યની સ્થિતિ જાણવા મળતી અને તે પ્રમાણે સમય ઋતુઓની જાણ થાય. આપણા ભારતના જયપુરનું જંતરમંતર પણ આવી જ વેધશાળા છે.
અવકાશનાં સંશોધનો કરી રહેલા ખગોળ શાસ્ત્રીઓ બ્રહ્માંડમાં દૂર દૂર સુધી અવલોકનો કરવા માટે આજે આધુનિક ટેલિસ્કોપ ઉપયોગમાં લે છે. પ્રાચીનકાળથી મનુષ્ય સૂર્ય-ચંદ્ર અને તારાઓનો અભ્યાસ કરે છે. દૂરબીનની શોધ પછી ટેલિસ્કોપ શોધાયાં. વિશ્વનું સૌથી મોટું રીફ્રેકટીંગ ટેલિસ્કોપ ૧૮૮૮માં બનેલું.
જેમ્સ લિક ટેલિસ્કોપ નામનું આ ટેલિસ્કોપ દરિયાની સપાટીથી ૧૨૮૩ મીટરની ઊંચાઇએ કેલિફોર્નિયામાં આવેલું છે.
ટેલિસ્કોપ ગ્રહો અને તારાઓની તસવીરો પણ લઇ આપે છે. કેટલાંક ટેલિસ્કોપ રેડિયો-વેવ, એક્સ-રે અને અન્ય વિકિરણોને પકડીને ગ્રહોનો અભ્યાસ કરે છે. હવાઇ ટાપુના પર્વત પર આવેલા કેક-૧ અને કેક-૨ ટેલિસ્કોપ ૩૩ ફૂટ વ્યાસના અરીસા ધરાવે છે. ૩૦૦ ટન વજનના ટેલિસ્કોપમાં ૧૬ ટન વજનનો માાત્ર કાચ વપરાય છે.
હબલ ટેલિસ્કોપ અવકાશ ફરતી વેધશાળા છે. ઇ.સ. ૧૯૯૦માં અવકાશમાં તરતા મૂકાયેલી આ ટેલિસ્કોપ સાદા ટેલિસ્કોપ કરતાં ૧૦ ગણા વધુ અંતરના અવલોકનો કરી શકે છે. તેના સ્થાને હવે ૭૨ ફૂટ લાંબો જેમ્સ વેબ ટેલિસ્કોપ અવકાશમાં મૂકવામાં આવે છે. ૨૧ ફૂટ વ્યાસનો આ ટેલિસ્કોપ પૃથ્વીથી ૧૫ લાખ કિલોમીટરની ઊંચાઇએ તરતો મૂકાશે.