વિશ્વનું સૌથી ભયંકર પક્ષી : કાસોવરી
વિ શ્વનું ત્રીજા નંબરનું સૌથી કદાવર પક્ષી કાસોવરી ન્યુ ગિયાના અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. શાહમૃગ જેવા દેખાવનું આ પક્ષી માણસો અને અન્ય પ્રાણીઓ પર ઘાતક હુમલા કરવા માટે જાણીતું છે.
કાસોવરી લગભગ છ ફૂટ ઊંચું હોય છે. તેના શરીર પર કાળા પીંછા અને ડોક પર ભૂરા રંગના પીંછા હોય છે. તે ૫૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે અને છ ફૂટ ઊંચો કૂદકો મારી શકે છે. શાહમૃગ અને પેન્ગ્વીનની જેમ તે ઉડી શકતું નથી. કાસોવરીના માથે લાલ કલગી હોય છે.
કાસોવરીના પગ મજબૂત હોય છે. પગમાં ત્રણ આંગળી હોય છે. વચલી આંગળીમાં લાંબા તીક્ષ્ણ નહોર હોય છે. તે પાણીમાં તરી શકે છે. કાસોવરી ત્રણ જાતના જોવા મળે છે.
કાસોવરી વનસ્પતિ આહારી છે પરંતુ માણસ કે અન્ય પ્રાણી નજીક આવતાં જ તે ભયભીત થઈ હુમલો કરે છે. તેની જોરદાર લાત કૂતરા જેવા પ્રાણીને પણ પછાડી દે છે. હુમલા વખતે તે ધારદાર નખનો છરીની જેમ ઉપયોગ કરી શિકારને ચીરી નાખે છે. ઓસ્ટ્રેલિયામાં કાસોવરીના હુમલામાં ઘણા લોકોનાં મોત થયાનું નોંધાયું છે. બીજા વિશ્વયુધ્ધમાં ઓસ્ટ્રેલિયા આવતા વિદેશી સૈનિકોને કાસોવરીથી બચીને રહેવા ચેતવણી અપાતી. માદા કાસોવરી ૧૪ સેન્ટીમીટર લાંબા લીલા રંગના ઈંડા મૂકે છે. તે જમીન પર માટી અને પાંદડાનો માળો બનાવે છે.