રોટરી પ્રિન્ટીંગ પ્રેસનો શોધક વિલિયમ બુલોક
- વિશ્વના વિજ્ઞાનીઓ
કા ગળ સહિત એક સપાટી પર પ્રિન્ટિંગ કરવા માટે આજે ઘણાં સાધનો છે. ન્યુઝપેપર અને પુસ્તકો ઝડપથી છાપવાના ઓફસેટ પ્રિન્ટિંગ મશીન પણ છે. પ્રિન્ટિંગ ક્ષેત્રમાં ક્રાંતિ લાવનાર મશીન રોટરી પ્રિન્ટિંગ પ્રેસની શોધ ઇ.સ.૧૮૪૮માં રિચાર્ડ હો એ કરેલી. ત્યાર બાદ વિલિયમ બુલોક નામના એન્જિનિયરે તેમાં ઘણા સુધારા કરીને તેને વ્યવહારમાં ઉપયોગી બનાવ્યું. અગાઉના મશીનોમાં એક એક કાગળ મૂકીને પ્રિન્ટિંગ થતું. રોટરી મશીનમાં રોલ ઉપર વિંટાળેલી પ્લેટ વડે રોલમાંથી સળંગ આવતા કાગળ ઉપર પ્રિન્ટિંગ થાય છે. છપાયા બાદ કાગળ યોગ્ય જગ્યાએથી કપાઈને પ્રિન્ટિંગ થયેલા શીટ થપ્પી સ્વરૂપે મળે છે.
વિલિયમ બુલોકનો જન્મ ન્યૂયોર્કના ગ્રીનવિલેમાં ઇ.સ.૧૮૧૩માં થયો હતો. બાળવયમાંજ તેના માતા-પિતા ગુજરી જતાં તે અનાથ બનેલો. તેના ભાઈઓ સાથે મિકેનીક તરીકે કામ કરી તે મોટો થયો. વાચનના શોખને કારણે તેને મિકેનિકલ જ્ઞાન ઘણુ હતું. ૨૧ વર્ષની ઉંમરે તેણે સવાના ખાતે મશીનરીની ઘરની ફેકટરી નાખી. પરંતુ નિષ્ફળતા મળતાં તે ફરી ન્યૂયોર્ક આવ્યો અને લેથમશીન, ખેતીકામમાં ઉપયોગી થતાં યંત્રો સહિત ઘણા નવા યંત્રો બનાવ્યા. તેણે શોધેલા ગ્રેનડ્રિલ મશીનને ફેન્કલીન ઇન્સ્ટિટયૂટનું ઇનામ મળેલુ તેથી તે પ્રસિદ્ધ થયો. ત્યાર બાદ તરત જ તે ફિલાડેલ્ફિયામાં દૈનિકના તંત્રી તરીકે જોડાયો. તે વખતે લાકડાના બીબા વડે એક એક કાગળ મૂકીને પ્રિન્િંટગ થતું. બુલોકે ઝડપી પ્રિન્ટિંગ કરવા માટે મશીનની શોધ આરંભી.
ઇ.સ. ૧૮૪૩માં રિચાર્ડ હો એ વેબરોટરી મશીન શોધેલું. બુલોકે તેમાં ઘણા સુધારા કરી ઉપયોગી મશીન બનાવ્યું. તેણે બનાવેલા મશીનમાં કાગળની બંને તરફ એક સાથે પ્રિન્ટિંગ થતું અને કલાકના ૧૨૦૦૦ શીટ છાપી શકાતા. આ મશીનથી પ્રિન્ટિંગ ક્ષેત્રમાં મોટી ક્રાંતિ આવી.
કમનસીબે ઇ.સ.૧૮૬૭ની એપ્રિલની ત્રીજી તારીખે પ્રિન્ટિંગ પ્રેસમાં અકસ્માત તેનો પગ ફસાઈ ગયો અને સારવાર દરમિયાન જ તેનુ અવસાન થયું.