પરસેવો કેમ વળે છે? .
સજીવોનું શરીર કોષોનું બનેલું છે. અને તેમાં સતત પ્રક્રિયા ચાલતી હોય છે. સજીવોને ખોરાક, રક્ષણ અને જૈવિક જરૂરિયાતો માટે કામ કરવું પડે છે અને ઉર્જાની જરૂર હોય છે. દરેક સજીવના શરીરમાં ગરમી સ્વરૂપે ઊર્જા હોય છે. શરીરનું તાપમાન તેને અનુકૂળ થાય તે રીતે જળવાઈ રહેવું જોઈએ. સજીવ બે પ્રકારના હોય છે. ઠંડા લોહીના અને ગરમ લોહીના. માણસ ગરમ લોહી ધરાવે છે. તેના શરીરનું ઉષ્ણતામાન ૩૭ ડિગ્રી સેન્ટીગ્રેડ જળવાઈ રહેવું જોઈએ. દરેક પ્રાણીના શરીરના ઉષ્ણતામાન જાળવવા માટે કુદરતી ઉપાયો હોય છે. હાથીના સુપડા જેવા કાન અને ઉંદરની લાંબી પૂંછડી શરીરનું તાપમાન જાળવવામાં મદદરૂપ થાય છે. માણસના શરીરનું તાપમાન જાળવવા માટે પરસેવો થાય છે. વધુ પડતી ગરમી હોય કે તરત જ પરસેવો વળે, તેનું બાષ્પીભવન થાય એટલે શરીરની ગરમી શોષાઈને તાપમાન ઘટે. ગરમી, બફારો અને પરિશ્રમ કર્યા પછી પરસેવો વળે છે તેનું મગજમાં તાપ નિયંત્રણ કેન્દ્ર હોય છે. તે ચામડીના કોષો ને સૂચના આપી પરસેવો શરૂ કરી દે છે. ચામડી ઉપર પ્રસ્વેદ ગ્રંથિઓ હોય છે. પ્રસ્વેદ ગ્રંથિઓ એક તરફી માર્ગની સ્પોંજ જેવી હોય છે. તેમાંથી પરસેવા બહાર આવે પરંતુ બહારનું પ્રવાહી અંદર પ્રવેશી શકે નહીં તેવી રચના હોય છે. પરસેવામાં ૯૯ % પાણી ઉપરાંત સોડિયમ કલોરાઈડ, યુરિયા, લેકિટક એસિડ જેવા દ્રવ્યો હોય છે. વધુ પડતો પરસેવો વળે તો શરીરમાં ક્ષાર અને પાણીની અછત સર્જાય છે. આપણે પીધેલા પાણીનો ૨૫ ટકા ભાગ પરસેવો વાટે બહાર નીકળી જાય છે. ચામડી પર એક મીલીમીટર પરસેવાનું પડ વરાળ બનીને ઊંડે ત્યારે શરીરમાં ૦.૫ કિલો કેલરી ગરમી ઓછી થાય છે. તેવો વિજ્ઞાાનીઓનો અંદાજ છે.