કોણ ચઢે - હળ કે સુદર્શન ચક્ર?
- દાઉ કહે : 'ન્યાય કરો નારદજી,ન્યાય કરો.'
- 'હવે તમારા સુદર્શન ચક્રનો મહિમા બતાવો...'
- મોટાભાઈ દાઉ અને નાનાભાઈ શ્રીકૃષ્ણ વચ્ચે વિવાદ જાગ્યો. તેમાં ન્યાયાધીશ બન્યા નારાયણ... નારાયણ...નારદજી
બ લરામ, બળભદ્ર, બળદેવ કે કનૈયાના દાઉ. તેનું શસ્ત્ર હળ.
શ્રી કૃષ્ણનું શસ્ત્ર સુદર્શન ચક્ર.
એક વખત ચર્ચા ચાલી. બન્નેમાંથી કોનું શસ્ત્ર ચઢિયાતું? બન્ને શસ્ત્ર જોરદાર હતા, પણ હળથી લડવાની આવડત એક માત્ર દાઉમાં જ હતી. એ શસ્ત્ર કાચા પોચા તો ઉપાડી જ ન શકાય, પણ બળવંત સદા એ શસ્ત્ર ઊંચકીને જ ચાલે. જરૂર પડે ભીમની ગદાની જેમ એનાથી જ લડે. ગોફણના ગોળાની જેમ એવું ગોળગોળ ફેરવે કે કોઈ નજીક ચાલી જ શકે નહીં. અરે, થોડે દૂરના શત્રુને પણ દૂર જ રહેવુ પડે. પણ શ્રી કૃષ્ણને જેટલો સુદર્શન ચક્રનો ઉપયોગ કરવો પડતો, તેટલો દાઉને કદી હળનો પ્રહાર કરવો પડતો નહીં. દાઉના એટલા હરીફ ન હતા. શત્રુઓ ન હતા.
શ્રી કૃષ્ણ તો બીજાને બચાવવાય ચક્રનું ચકરડું ફેરવીને ફેંકી દેતાં. હા, એની એક ખૂબી હતી કે ચક્ર પોતાનું કામ પતાવી પાછું શ્રી કૃષ્ણની આંગળી પર ફરવા લાગતું. ફરતુ ફરતું ઠરી ઠામ થઈને ઠેરી જતું.
પોતપોતાની ચીજ વસ્તુનો ગર્વ કોને ન હોય!
જ્યારે બે ભાઈઓમાં વિવાદ જાગ્યો ત્યારે 'નારાયણ... નારાયણ...' નારદજી ન્યાયાધીશ બન્યા.
બે બિલાડીની વચમાં જેમ વાંદરો-ત્રાજવું લઈને આવી જ જાય તેમ નારદજી પોતાના નારાયણ સાથે હાજર થઈ જ જાય. જ્યાં વિવાદ ત્યાં નારદજીનો સાદ. તૂંઈ તૂંઈ તંબૂરો વાગ્યો કે સ્વાગત કરવું જ પડે. બન્ને ભાતૃ-ભરથીઓએ નારદજીને આવકાર્યા.
દાઉ કહે : 'ન્યાય કરો નારદજી ન્યાય કરો.'
શ્રી કૃષ્ણ કહે : 'તમે જાતજાતના અને ભાતભાતના ભાંગરાં વાટયા હશે, પણ નારદજી અહીં તમારા તુક્કા નહીં ચાલે, કહો હળ ચઢે કે સુદર્શન ચક્ર?'
'નારાયણ... નારાયણ...' નારદજી કહે : 'ફેરવો. બંન્ને ભાઈઓ પોતપોતાના શસ્ત્ર ફેરવો.'
બળદેવ ભૈયાએ હળ ખેતરમાં ફેરવ્યુ. હળ તો ખેતર માટે જ હોય ને! ખેડયુ, ખોદ્યું, ખખડાવ્યું, જોતજોતામાં આખું ખેતર ખેડી નાખ્યું.
દાઉ કહે : 'કહો નારદજી... શેરડી, ઉગાડુ કે મકાઈ? કેરી ઉગાડુ કે ચીકુ? કેળાનું વન ઊભું કરું કે શાકભાજીની વાડી? ઘઉં જુવાર કે બાજરીના ડૂડલાં ડોલતાં કરું કે ચોખા-ડાંગરનાં ડૂંડલા, ધરૂં કે તરુ?'
નારદજી કહે : 'ઘાસ ઊગાડો ઘાસ, દાઉ. ઊંચુ મોટુ જાડુ માથોડું.'
શરતનો ઝટ નિકાલ ઈચ્છતા હતા. તેમણે તો ઘાસ જ ઊગાડી બનાવ્યું. માથાથી ઉપર સુધી ઘાસનાં ભારા ડોલવા લાગ્યા.
દાઉ કહે : 'હવે શું કહો છો નારદજી, કહો!'
નારદજી કહે : 'હવે જરા શ્રી કૃષ્ણ-કનૈયાલાલને કહી જોઈએ. બન્ને હરીફને સરખી તક મળવી જોઈએ,' એમ કહી નારદજીએ કાનજી કુંવરને કહ્યુ : 'હા, હવે તમારા સુદર્શન ચક્રનો મહિમા બતાવો...'
મહાવીર માધવદાસની આંગળી ક્યારની ફરકતી હતી. તેમણે ચક્કર ચઢાવીને છોડયું ચક્ર.
જોતજોતામાં તમામ ઘાસ પર કરવત ચાલી ગઈ. જમીન દોસ્ત થઈ ગયું ઘાસ.
દાઉ અરરરર કે અરેરેરેરે કરે અને શ્રી કૃષ્ણ જીતનો જયજયકાર કરે તે પહેલાં જ નારદજીએ ન્યાય ઉચ્ચાર્યો.
'ભાંડુઓ! મારી દષ્ટિએ તો હળ જ શ્રેષ્ઠ છે. તે ઉત્પાદન કરે છે, ઊગાડે છે, માનવ જાત માટે ઉપયોગી થઈ પડે છે, હળ જીવન દાતા છે. જ્યારે...'
શ્રી કૃષ્ણ કહે : 'જ્યારે....?'
નારદજી કહે : 'ચક્ર સંહારી છે, મારે છે. ઊભા પાકને ખતમ કરે છે. ભલે શત્રુ રહ્યા, પણ જીવતા માણસોના માથા ઘડથી અલગ કરે છે. ચક્ર મૃત્યુ વાહક છે, વિનાશક છે, ઘાતક છે, સંહારક છે, આપત્તિજનક છે, ડરામણું છે...'
નારદજી બોલતા રહે એટલે બોલતાં જ રહે.
શ્રીકૃષ્ણ પણ કદીક હારે ખરા. જેવા તેઓ આંગળી ઊંચી કરી ધસી ગયા કે નારદજી એ જાય ભાગ્યા.