Get The App

એક્સ-રે શું છે? તે શું કામમાં આવે?

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
એક્સ-રે શું છે? તે શું કામમાં આવે? 1 - image


આપણે પ્રકાશના વિવિધ રંગોના કિરણો જોઈ શકીએ છીએ. મેઘધનુષ્યના સાત રંગો જુદી જુદી તરંગ લંબાઈના હોય છે. પરંતુ પ્રકાશના કિરણોમાં આપણી આંખ જોઈ ન શકે તેવાં કિરણો પણ હોય છે. રંગીન કિરણોમાં વાયોલેટ એટલે કે જાંબલી કિરણો સૌથી ઓછી તરંગ લંબાઈના છે પરંતુ તેનાથી ઓછી તરંગ લંબાઈના અલ્ટ્રાવાયોલેટ, એક્સ-રે અને ગામા કિરણો પણ સૂર્યપ્રકાશમાં હોય છે. તે આપણે જોઈ શકતા નથી. હેનરીચ હર્ટઝ નામના વિજ્ઞાાનીએ કેથોડ ટયુબમાંથી કોઈ અદ્રશ્ય કિરણો નીકળીને એલ્યુમિનિયમની પાતળી ફોઈલમાંથી પસાર થઈ જાય છે તેવી શોધ કર્યા પછી વિલ્હેમ રોન્ટજને ૧૮૯૬માં પ્રયોગો કરીને એક્સ-રે પેદા કરતું મશીન બનાવ્યું. એક્સ-રે એટલે કે ક્ષ-કિરણો કપડા, લાકડા અને ચરબી, ચામડી વગેરે નરમ પદાર્થોમાંથી પસાર થઈ શકે છે. ધાતુઓ અને અન્ય સખત પદાર્થોમાંથી પસાર થઈ શકતાં નથી. રોન્ટજને એક્સ-રે વડે તેની પત્નીના હાથનો ફોટો પાડયો જેમાં હાથના હાડકાં અને આંગળી પર પહેરેલી સોનાની વીંટી દેખાતાં હતાં. એક્સ-રેની ખાસિયત જાણ્યા પછી તેનો ઉપયોગ શોધાયો.

૧૯૪૦માં દુકાનોમાં બૂટના ગ્રાહકોનો બૂટ પગમાં ફિટ થાય છે કે નહીં તે તપાસવા એક્સ-રે મશીન વપરાવા લાગ્યા પરંતુ એક્સ-રે શરીરને નુકસાન કરે છે તે વાત જાણવા મળ્યા પછી તેનો ઉપયોગ બંધ કરાયો. એક્સ-રે મશીનમાં એક્સ-રે ટયૂબ મુખ્ય ભાગ છે. આ ટયુબ શૂન્યાવકાશવાળી કાચની નળી છે. જેના એક છેડે કેથોડ દ્વારા ઇલેકટ્રોનનો મારો સામેના એનોડ પર ચલાવાય છે. ઇલેક્ટ્રોન એનોડ સાથે અથડાય ત્યારે ૧ ટકો એક્સ-રે કિરણો અને બાકીની ઉર્જા ગરમી રૂપે પેદા થાય છે. આ ગરમી સામે રક્ષણ મેળવવા મશીનમાં કુલિંગ સિસ્ટમ હોય છે. જેમાં પાણી કે તેલના સકર્યુલેશનનો ઉપયોગ થાય છે. એક્સ-રે સીધી લીટીમાં બીમ દ્વારા ફેલાય છે. માનવ શરીરમાંથી સખ્ત હાડકાં સિવાયના ભાગમાંથી પસાર થાય છે. પરિણામે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર હાડકાનો ફોટો મળે છે જેના આધારે હાડકામાં થયેલી ઈજા જોઈ શકાય છે. આમ એક્સ-રેનો ઉપયોગ હોસ્પિટલમાં નિદાન માટે થવા લાગ્યો. એક્સ-રેનો એકમ રોન્ટજન છે. વધતા-ઓછા વીજપ્રવાહથી જુદી-જુદી ક્ષમતાના એક્સ-રે પેદા કરી શકાય છે. હવે હાડકાં ઉપરાંત શરીરમાં આંતરિક ચાંદા, ગાંઠો, પથરી વગેરેના નિદાન પણ કરી શકાય છે. એક્સ-રેનો ઉપયોગ વિમાનમથકો પર સલામતી માટેના ચેકિંગમાં પણ થય છે. ખાદ્ય પદાર્થોના પેકિંગ તપાસમાં પણ એક્સ-રે ઉપયોગી થાય છે.


Google NewsGoogle News