પર્યાવરણ એટલે શું? તેમાં શું શું હોય?

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
પર્યાવરણ એટલે શું? તેમાં શું શું હોય? 1 - image


પ ર્યાવરણ વિશે આપણે ઘણું જાણીએ છીએ. તેના શુધ્ધિકરણની વાતો લગભગ દરરોજ સાંભળવા મળે પરંતુ પર્યાવરણ એટલે શું અને તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તે જાણો છો ?

બ્રહ્માંડમાં માત્ર પૃથ્વી પર હવા, વાતાવરણ, પાણી, જમીન, અને સજીવ સૃષ્ટિ છે. પૃથ્વીના ત્રણ આવરણ છે. જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણ. આ ત્રણે આવરણો એટલે પર્યાવરણ. જલાવરણ એટલે સમુદ્રો, નદીઓ, તળાવ અને હિમશિખરો. વરસાદ પૃથ્વી પરનું જળચક્ર સતત ફરતું રાખે છે. વાતાવરણ એટલે હવા અને તેમાંના વાયુઓ. તેમાં રહેલો ઓક્સિજન સજીવ સૃષ્ટિનો પ્રાણ છે. મૃદાવરણ એટલે જમીન સપાટીથી ૩૩ કિલોમીટરની ઉંડાઈ સુધીની જમીન નરમ પોપડો છે. તેમાં નાના મોટા અળશિયા જેવા જીવજંતુઓ અને બેક્ટેરિયા રહે છે. તેમાં જ વનસ્પતિના વીજ અંકુરિત થઈ વૃક્ષો ઊગે છે. અને ખેતી થાય છે.

પર્યાવરણમાં એક ચોથું આવરણ પણ છે તેને જીવાવરણ કહે છે. તેમાં માણસ સહિત તમામ સજીવોનો સમાવેશ થાય છે. આપણે આ આવરણનો ભાગ છીએ. પૃથ્વીને શક્તિ પુરી પાડનાર સૂર્ય છે. માણસો અને પ્રાણીઓ મૃદાવરણમાં રહે છે, જળચરો જળાવરણમાં રહે છે ? એટલે આ બધા આવરણોનો સમૂહ પર્યાવરણ શુધ્ધ રહે તો જ સજીવ  સૃષ્ટિનો વિકાસ સારી રીતે થાય અને જીવન સરળતાથી ચાલે.

પર્યાવરણ એટલે શું? તેમાં શું શું હોય? 2 - image

બાગબગીચામાં ફુવારા રાખવાનું વિજ્ઞાાન

ફુ વારા એ બગીચાની શોભા છે. જાત જાતના આકારના  અને કરામતોવાળા ફૂવારામાંથી પાણીની છોળો ઊંચે સુધી જઈ નીચે પછડાય એ દૃશ્ય સુંદર હોય છે. કેટલાક બગીચા અને પાર્ક તો તેના ફૂવારા માટે પ્રસિધ્ધ થયા છે.

બગીચામાં ફુવારા એ માત્ર આકર્ષણ માટે નથી પણ તેનો મુખ્ય હેતુ હવા શુધ્ધ કરવાનો છે. વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોકસાઈડ અને કાર્બન મોનોકસાઈડ પ્રદૂષણ સમાન છે. આ બંને વાયુઓ પાણીમાં ઓગળી જાય છે. સતત ઊડતા ફુવારા વાતાવરણમાંથી કાર્બનડાયોકસાઈડ ઓછો કરવામાં મદદરૂપ થાય છે, આ કારણથી જ બગીચાની હવા તાજગી ભરેલી હોય છે. અને વાતાવરણ ખૂશનૂમા હોય છે. ઘણા શહેરોમાં પ્રદૂષણ ઓછુ કરવા રસ્તા પર પાણી છાંટવાની પરંપરા છે.

પર્યાવરણ એટલે શું? તેમાં શું શું હોય? 3 - image

જમીનમાંથી લાખો ટન ક્રૂડ કાઢી લીધા પછી ખાલી પડતી જગ્યાનું શું?

પેટ્રોલ અને ડીઝલ વિશ્વભરની જરૂરિયાત છે અને તેની માગ મોટી છે. માટે વિશ્વના કુદરતી ગેસના કૂવામાંથી દરરોજ લગભગ ૧૦ કરોડ બેરલ ક્રૂડ કાઢવામાં આવે છે. દરરોજ આટલું બધું ક્રૂડ નીકળી જાય પછી પેટાળમાં ખાલી પડેલી જગ્યાનું શું થતું હશે ?

જમીનના પેટાળમાં કુદરતી ગેસ સમુદ્રમાં મૃત્યુ પામેલા જળચરોના અવશેષમાંથી બને છે. સમુદ્રના પાણીમાં ઓગળેલ ઓક્સિજન વડે તેનું તેલમાં રૂપાંતર થાય છે. તેલ પાણી કરતાં હળવું હોવાથી તે સપાટી પર આવે છે અને જુદા જુદા વહેણ દ્વારા જમીનના પેટાળમાં કૂવા બને છે. ખોદકામ કરતા જમીનમાંથી ક્રૂડ આપમેળે બહાર આવે છે. તેને નિયંત્રિત કરવા કૂવા પર સાધન મુકાય છે. જમીનમાંથી ક્રૂડ બહાર કાઢયા પછી ખાલી પડેલી જગ્યામાં નવું ક્રુડ ભરાવા માંડે છે. આમ ક્રૂડ નીકળવાથી જમીનમાં ખાલી જગ્યા પડતી નથી. ક્રૂડ અને પાણી જેવા પ્રવાહીઓ ખાલી જગ્યા તરફ વહીને જગ્યા ભરી દે છે. જો કે, પેટાળમાંથી લોખંડ, સોનું કે અન્ય ધાતુના ખનિજો ખોદી કાઢવાથી ખાલી પડેલી જગ્યા ખાલી જ રહે છે અને પેટાળમાં બોગદા બને છે. ઓઇલના કૂવામાં આવું થતું નથી.

પર્યાવરણ એટલે શું? તેમાં શું શું હોય? 4 - image

અજાયબ ઊભયજીવી : સેલામાન્ડર

દે ડકાં ટેડપોલ તરીકે પાણીમાં જન્મે છે અને પુખ્ત થયા પછી જમીન પર વસે છે. અર્ધું જીવન પાણીમાં અને અર્ધું જમીન પર જીવનારા પ્રાણીઓને ઊભયજીવી કહે છે. દેડકા જાણીતા છે પરંતુ પૃથ્વી પર લગભગ ૨૮૦૦ જેટલા ઊભયજીવી પ્રાણીઓ વસે છે તેમાં મેક્સિકોનું સેલામાન્ડર વિશિષ્ટ છે. કાળા શરીર પર કેસરી ટપકાંવાળા સેલામાન્ડર ગરોળીના આકારનું પ્રાણી છે. ટૂંકા પગ અને પૂંછડી ધરાવતા આ પ્રાણી ઉત્તર ગોળાર્ધના દેશોમાં જોવા મળે છે. તે પુખ્ત થાય ત્યારે પાંચ ફૂટ લાંબા હોઈ શકે છે. કેટલાક સેલામાન્ડરની જીભ તેના શરીર કરતા લાંબી હોય છે. ચીનમાં જોવા મળતા જાયન્ટ સેલામાઇન્ડર જંગી કદના કાચિંડા જેવા હોય છે. ઉત્તર અમેરિકામાં સેલામાન્ડરની સૌથી વધુ જાતો જોવા મળે છે. કેટલાક સેલામાન્ડર ઝેરી ડંખ ધરાવે છે.

સેલામાન્ડર રાત્રિ દરમિયાન નાના જીવજંતુઓનો શિકાર કરે છે. દિવસ દરમિયાન જમીનમાં દર કરીને રહે છે. અડપપ્પી નામનું ૨૬ ઇંચ લાંબુ સેલામાઇન્ડર કૂતરા ભસતા હોય તેવો અવાજ કરે છે તેને વોટરડોગ પણ કહે છે.

પર્યાવરણ એટલે શું? તેમાં શું શું હોય? 5 - image

શક્તિદાયક ફળ : ખજૂર

ઉ ત્તરાયણ અને હોળી એટલે ધાણી ચણા અને ખજૂર ખાવાના તહેવાર. આ રિવાજ આપણા આરોગ્ય સાથે સંકળાયેલો છે. ખજૂર એ સૌથી વધુ શક્તિ દાયક ફળ ગણાય છે. ખજૂર વિશે ઘણી રસપ્રદ વાતો પણ જાણવાની મજા પડશે.

ખજૂર એક બીજ કે ઠળિયાવાળું ફળ છે. તે દરિયા કિનારે નાળિયેરી જેવા ઊંચા વૃક્ષ પર ઊગે છે.

વૃક્ષ ઉપર ખજૂર ઝુમખા રૂપે ઊગે છે. એક ઝુમખામાં ૫૦૦ થઈ ૨૦૦૦ નાનાં ફળો હોય છે.

વૃક્ષ ઉપર શરૂઆતમાં લીલા રંગની ખજૂરના ઝુમખા બાઝે છે તે પાકીને પીળાં થાય છે.

ખજૂરના ફળને બજારમાં પહોંચતા પહેલા ત્રણ તબક્કા છે. પીળાં રંગના સખત ફળને ખલાલ (આપણે ત્યાં ખલેલા) કહે છે. ત્યારબાદ રૂતાબ અને છેલ્લે બજારમાં મળતી પોચી ખજૂર.

ખજૂરી પરથી ઉતાર્યા પછી બજારમાં ખજૂર તરીકે આવતાં ૨૦૦ દિવસ લાગે છે.

ખજૂરીના ઝાડ ૨૦ થી ૨૫ મીટર ઊંચા હોય છે.

ખજૂરીને ડાળીઓ હોતી નથી. થડ ઉપર છેક ઊંચે લાંબાં પાન ચારે તરફ ફેલાય છે. તે જ રીતે જમીનમાંથી માત્ર એક જ મૂળ ઊંડે સુધી જાય છે.

ખજૂરીના પાન ૨ થી ૫ મીટર લાંબા હોય છે.

ખજૂરીના ઝાડ નર અને માદા એમ બે જાતના હોય છે. માત્ર માદા ખજૂરી ઉપર જ ખજૂર પાકે છે.

ખજૂરીનું એક ઝાડ એક સિઝનમાં ૧૦૦ કિલો ખજૂર આપે છે.

ઇરાન, ઇજિપ્ત અને સાઉદી અરેબિયામાં બધી મળીને વર્ષે લગભગ એક કરોડ ટન ખજૂર પાકે છે.

ખજૂરના ફળને તડકે સૂકવીને ખારેક બનાવાય છે.

ભારત પણ ખજૂરની નિકાસ કરનાર મોટો દેશ છે.

પર્યાવરણ એટલે શું? તેમાં શું શું હોય? 6 - image

ભારતીય નાણાનું રૂપિયો નામ કેમ પડયું?

બ હુ જુના સમયમાં પૈસા નહોતા પરંતુ પોત પોતાની વસ્તુની અદલા બદલી કરી લેતાં. કપડાંની જરૂર હોય તો અનાજ કે કોઈ બીજી વસ્તુના બદલામાં મેળવી લેવાતા. આ પધ્ધતિને વિનિમય કહેતાં. ધીમે ધીમે કીમતી ધાતુઓ, મોતી વગેરે ચલણમાં આવ્યા અને ત્યાર બાદ સોનું, ચાંદી, તાંબા વગેરે ધાતુઓના સિક્કાનું ચલણ બન્યું. ભારતમાં સોના અને ચાંદીના સિક્કાનું ચલણ હતું. જુદી જુદી ભાષામાં તેના અનેક નામ હતા. સુવર્ણ મહેરો પણ કહેતા. સિક્કા મુખ્યત્વે ચાંદીના બનતાં. ચાંદીને રૂપુ પણ કહે છે. રૂપા ઉપરથી ચાંદીના સિક્કાનું રૂપિયો નામ પડયું અને આજે કાગળની નોટને પણ રૂપિયો જ કહે છે. ભારતના નાણાને રૂપિયો નામ મળ્યું.


Google NewsGoogle News