મશરૂમ શું છે? .
ચો માસામાં વરસાદ પછી જમીન પર ફૂટી નીકળતાં બિલાડીના ટોપ તમે જોયા હશે. બિલાડીના ટોપને મશરૂમ કહે છે. તે વનસ્પતિ નથી પરંતુ ફૂગ એટલે કે ફંગી વર્ગનું સજીવ છે. તે પોતાની મેળે ફોટોસિન્થેસિસથી ખોરાક બનાવતાં નથી પરંતુ ખરી પડેલા પાંદડા વિગેરેના સડામાંથી ખોરાક મેળવી વધે છે. મશરૂમમાંથી ખાદ્ય વાનગીઓ બને છે.
ચોમાસામાં ઊગેલા બિલાડીના ટોપમાંથી સુક્ષ્મ વિજાણુઓ (સ્પોર્સ) સતત હવામાં ફેલાતાં હોય છે. નરી આંખે તે દેખાતાં નથી અને વનસ્પતિના બીજની જેમ તે જમીન પર પડયા હોય છે. ચોમાસામાં ભેજવાળું વાતાવરણ અને ખાતરવાળી જમીનમાં આ સ્પોરમાંથી તાંતણા સ્વરૂપે નવા મશરૂમ પેદા થાય છે. બિલાડીના ટોપ વિવિધ રંગના જોવા મળે છે. આપણે તેને બિલાડીના ટોપ અને દેડકાની છત્રી એમ બે નામે ઓળખીએ છીએ. આ બંને મશરૂમ જુદા પ્રકારના છે. બંને મશરૂમને ટોડસ્ટૂલ કહે છે. બંનેની લગભગ ૩૦૦૦ કરતાં વધુ જાતો છે. ફિલ્ડ મશરૂમ ૧૦ સેન્ટીમીટરનો વ્યાસ ધરાવતા હોય છે. દેડકાની છત્રી તરીકે ઓળખાતા મશરૂમ ઝેરી હોય છે.
વિવિધ વૃક્ષો નીચે પેદા થતા મશરૂમ તે વૃક્ષના મૂળિયામાંથી ખોરાકનું શોષણ કરતાં હોય છે એટલે મશરૂમમાં તે વનસ્પતિના સ્વાદ, ગંધ વગેરે થોડા પ્રમાણમાં આવે છે. આ વિવિધતાને કારણે મશરૂમ ખાવાલાયક બન્યા છે. આપણે ત્યાં બહુ પ્રચલિત નથી પરંતુ કેટલીક હોટલો મશરૂમની વાનગીઓ માટે જાણીતી છે.