ગણેશજી અને માતા પાર્વતી વચ્ચે શો સંવાદ થયો?
- 'હું જગતજનની છું. હું ચારેબાજુ નજર રાખું છું. મારો સાચો ભક્ત જ્યારે જ્યારે મને પોકારે છે ત્યારે હું એની મદદ કરવા દોડી જાઉં છું, પાપીને ફટકારું છું.'
ભારતી પી.શાહ
ન વરાત્રિ શરૂ થઈ તેના થોડા દિવસો પહેલાંની આ ઘટના છે. ગગન સાથે વાતો કરતા હિમાલયના ઉત્તુંગ શિખરો. એ શિખરોમાંનું એક ભવ્ય શિખર એટલે કૈલાસ પર્વત. બરફ આચ્છાદિત શ્વેત શિખર.. અને તેના પર બિરાજમાન દેવોના દેવ મહાદેવ તથા માતા પાર્વતી, જેમનાં દર્શનથી જીવન ધન્ય બની જાય. એકવાર શંકર અને પાર્વતી વાતોમાં લીન હતા ત્યારે 'નારાયણ... નારાયણ' બોલતાં નારદમુનિ પધાર્યા.
'મને લાગે છે નારદમુનિ જરૂરથી પૃથ્વી લોકના કોઈ સમાચાર લઈને આવ્યા હશે,' શંકરભગવાન બોલ્યા.
'પ્રણામ હો પ્રભુ... પ્રણામ હો માતે...' નારદમુનિ બોલ્યા.
'પૃથ્વીલોકના શું સમાચાર લાવ્યા છો?' માતા પાર્વતીએ પૂછ્યું.
'પ્રણામ માતાશ્રી, હું સરસ સમાચાર લાવ્યો છું. આપના પુત્ર રિદ્ધિ-સિદ્ધિના દાતાર, વિઘ્નહર્તા શ્રીગણેશ હમણાં અહીં પધારવાના છે,' નારદમુનિ બોલ્યા.
ભગવાન શંકર અને માતા પાર્વતીની આંખો હસી ઉઠી. થોડી વારમાં ગણેશજી આવી પહોંચ્યા. તેમણે પોતાનાં માતા-પિતાને દંડવત્ પ્રણામ કર્યા, આસન ગ્રહણ કર્યું.
'ગણેશ, ધરતી પરની તારી યાત્રા કેવી રહી?' શંકર ભગવાને પૂછ્યું.
'પિતાશ્રી, ગણેશચતુર્થીના દિવસે મેં પૃથ્વી પર પગ મૂક્યો. પૃથ્વીવાસીઓએ મારા સ્વાગત માટે પહેલેથી જ તૈયારી કરી રાખી હતી. રૂડા મંડપ બનાવીને ફૂલપાનથી સજાવ્યા હતા. કેટલીય સુશોભન સામગ્રીનો ઉપયોગ કર્યો હતો. ચારે બાજુ રોશની કરી હતી. લોકોમાં ખૂબ ઉત્સાહ અને થનગનાટ હતો,' ગણેશજી બોલ્યા.
' આ સિવાય બીજી શું શું તૈયારી કરી હતી? તારા ભોજન માટે પૂરતી તૈયારી હતી કે નહીં?' ચિંતાતુર વદને મા પાર્વતી બોલ્યા.
'માતા, પૃથ્વીવાસીઓએ મારા ભોજન માટે પૂરતી વ્યવસ્થા કરી હતી. તેઓ સવાર-સાંજ મારી આરતી કરતા અને ભોજનમાં મોદક, લાડુ, હલવો, પેંડા, આહાહાહા... ન જાણે કેટલીય મિઠાઇ ધરતા હતા,' ગણેશજી ખુશ થતા બોલ્યા.
'પ્રભુ, તમે જોતા નથી કે ગણેશજી કેવા દુંદાળા બની ગયા છે, લાડુ, મોદક ખાઈખાઈને...' નારદમુનિ બોલ્યા.
આ સાંભળી બધા બસી પડયા.
'પિતાશ્રી, હું પણ મારા ભક્તોને સુખ-શાંતિ, સમૃદ્ધિના આશિષ આપીને પાછો આવ્યો છું, પણ... પણ... માતુશ્રી શેની તૈયારી કરી રહ્યાં છે? તેઓ પણ ક્યાંક યાત્રાએ જવાનાં છે?' ગણેશજી બોલ્યા.
'હા... તારી માતા પણ પૃથ્વીની યાત્રા પર જવાનાં છે, પરંતુ હજુ પંદરેક દિવસની વાર છે. હવે તું જણાવ કે પૃથ્વી પર આ વખતે તને શું ફેરફાર જોવા મળ્યા?
'પિતાજી, પૃથ્વીવાસીઓ હવે મારી ઇકો-ફ્રેન્ડલી પ્રતિમા બનાવતા થયા છે. વળી, મારા વિસર્જન માટે નદીનું દરિયાનું જળ પ્રદૂષિત નથી કરતા. ઘરના આંગણે મોટાં મોટાં ટબમાં મારું વિસર્જન કરે છે. અને ધરતીને, વાતાવરણને જળાશયોને પ્રદૂષિત થતાં બચાવે છે.'
'વાહ, આ તો ખૂબ સારી વાત કહેવાય,' નારદમુનિ બોલ્યા.
'માતાશ્રી, આપ પૃથ્વી પર ક્યારે જવાનાં છો?' ગણેશજીએ માતા પાર્વતીને પૂછ્યું.
'આસો સુદ-૧ના દિવસે હું માતા શક્તિ, મા અંબાનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર જઇશ,' માતાએ જવાબ વાળ્યો.
'માતા, આપ સ્વરૂપ બદલીને શા માટે જાઓ છો?
'બેટા, હું માતા... મારાં અનેક સ્વરૂપ. જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે પૃથ્વી પર મારી આવશ્યકતા હોય ત્યાં હું મારા સ્વરૂપને બદલીને જાઉં છું. દેવોને રંજાડનાર મહિષાસુર રાક્ષસનો વધ કરવા માટે મેં અંબાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. મહિષાસુરના વિનાશમાં માનવીની અંદર રહેલા ષડ્રિપુઓ એટલે કે છ શત્રુઓ - કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરનો નાશ કરવાનો ગૂઢાર્થ પણ છે. મા દુર્ગા, મા કાલિકા, મા બહુચરા, મા ચંડિકા... આ બધાં જ મારાં રૂપો છે. આસુરી તત્ત્વો સામે દેવી તત્ત્વોનો અને અસત્ય સામે સત્યનો વિજય કરવાની મારી ભાવના છે,' માતા પાર્વતીએ જવાબ વાળ્યો.
'માતા, મને એ કહો કે પૃથ્વીવાસીઓ તમારા આગમન માટે શી તૈયારીઓ કરે છે?' ગણેશજીએ આતુરતાવશ પૂછ્યું.
'પૃથ્વી પર મારો ઉત્સવ નવ દિવસ ચાલે છે એટલે નવરાત્રિ કહેવાય છે. ઠેરઠેર વિશાળ મંડપો બંધાય છે. મંડપમાં મારી સ્થાપના કરવામાં આવે છે. મારા સ્થાનક પાસે દીવો, ધૂપ કરવામાં આવે છે. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક મારી આરતી ઉતારી, પ્રસાદ વહેંચાય છે. પછી મારા ગરબા ગવાય છે. મારા કેટલાક ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ કરે છે, અને મારી આરાધના કરે છે. આઠમના દિવસે કેટલીક જગ્યાએ હવન થાય છે. અને નવમા દિવસે નૈવેદ્યથાળ કરવામાં આવે છે. રાત્રે સ્ત્રીઓ, પુરુષો અને બાળકો સુંદર વેશભૂષામાં સજ્જ થઈ ગરબે ઘૂમે છે. રોશનીની ઝાકમઝાળ અને દાંડિયા-રાસની રમઝટથી ગરબાના રસિયાઓમાં અભૂતપૂર્વ ઉલ્લાસ જોવા મળે છે,' માતાએ જવાબ વાળ્યો.
'એટલે કે પૃથ્વીવાસીઓ નવરાત્રિમાં માત્ર મજા જ કરે છે, એમ ને? આ બધું તો ઠીક, પરંતુ માતાશ્રી, આ રીતે નવ દિવસ સુધી મંડપમાં બેસીને ચૂપચાપ બધું જોતાં રહેવાનું, તમને કંટાળો ના આવે?'
'ગણેશ, હું જગતજનની છું, હું શિવની શક્તિ છું. હું પૃથ્વીવાસીઓની નારાયણી છું. હું ચારેબાજુ નજર રાખું છું. મારો સાચો ભક્ત જ્યારે જ્યારે મને પોકારે છે ત્યારે હું એની મદદ કરવા દોડી જાઉં છું, તેની ભીડ ભાંગું છું. હું પાપીને ફટકારું છું. અધર્મ અને અસત્યના માર્ગે ચાલનાર પાપીને સજા કરું છું. મહિષાસુર રાક્ષસનો વધ મેં એના પાપોની સજા કરવા માટે જ કર્યો હતો. ધરતી પર જો પાપ વધી જાય તો તેના ભારથી આ ધરા ધ્રૂજી ઉઠે, અને ચારેબાજુ વિનાશ ફેલાય. હું પૃથ્વી પર પાપ અને પુણ્યનું સમતોલન જાળવું છું. આસો સુદ-૧ના દિવસે હું મા અંબાના સ્વરૂપે પૃથ્વી પરના પાપનો નાશ કરવા માટે જવાની છું. હું પૃથ્વી પર દસ દિવસ રોકાઈશ, ત્યાં સુધી તું તારા પિતાજીની સેવા કરજે.'
'માતા, હું તમારી વાત બરાબર સમજી ગયો. આપ નિશ્ચિંત થઈને યાત્રાએ જજો. માતા, તમારા અંબા સ્વરૂપનો હંમેશા જય જયકાર હો.'
તો આમ, માતા પાર્વતી અંબા સ્વરૂપે હાલ આપણી વચ્ચે છે અને ગણેશજી પિતાજીની સેવા કરી રહ્યા છે.