શાકભાજીના ગરબા .
- પારુલ અમિત 'પંખુડી'
- શાકભાજીના ટોપલામાં રિગ્ગી રીંગણ, બબ્બુ બટાકા, વેટ્ટી વટાણા, કિક્કી કરેલાં, ડેની દૂધી, લીમકી લીંબુ, કેકી કોબીજ, ફૂલી ફુલાવર, ડીગ્ગી ડુંગળી, ટેડ્ડી ટીંડોરા સજી ઘજીને બેઠાં હતાં.
એક દિવસની વાત છે. પલ્લબનગરમાં શાકભાજીનું ટોપલું ગરબાના ચોકમાં પહોંચી ગયું.
આજે પલ્લબનગરના ચોકમાં નવરાત્રીનું આયોજન થયું હતું.
બધી જ શાકભાજી નહાઈા-ધોઈને ચોકમાં પહોંચી ગઈ હતી.
આજે મેડી મૂળાભાઈ અને મિર્ચી મરચાંબેન ગરબાનાં ગીતો ગાવાનાં હતાં.
મેડી મૂળાભાઈ અને ટીમ્મુ ટામેટાં બન્ને સલાડમાં પિરસાતાં એટલે બન્ને જણ પક્કા મિત્રો હતાં.
ગરબા રમવા માટે સૌ આવી ગયાં હતાં. શાકભાજીના ટોપલામાં રિગ્ગી રીંગણ, બબ્બુ બટાકા, વેટ્ટી વટાણા, કિક્કી કરેલાં, ડેની દૂધી, લીમકી લીંબુ, કેકી કોબીજ, ફૂલી ફુલાવર, ડીગ્ગી ડુંગળી, ટેડ્ડી ટીંડોરા સજી ઘજીને બેઠાં હતાં.
ટીમ્મુ ટમાટર એકદમ લાલ ચટાક લાગી રહ્યું હતું. આજકાલ સૌ એની 'વાહ વાહ' કરી રહ્યા હતા...
મેડી મૂળાભાઈએ તો ગરબો ગાવાનું શરૂ કર્યું-
આહ ટામેટું બહુ મજેદાર,
વાહ ટામેટું બહુ લાલમલાલ...
એક દિવસ એને બિમાર માણસે ખાધુ,ં
લોહી બન્યું ને થયો એ સ્વસ્થ....
સૌ ઝૂમવા લાગ્યાં, પરંતુ ટામેટાંભાઈ તો ઝૂમતા ઝૂમતા અથડાઈ ગયા બબ્બુ બટાકા સાથે. બંને જણાં સામસામે આવી ગયાં, ટામેટું આજકાલ બહું ચર્ચામાં હતું એટલે પોતાને તાકાતવર માનતું હતું. બન્ને વચ્ચે હરીફાઈ થશે અને બોલચાલ થશે એમ સમજી મૂળાભાઈના હાથમાંથી માઇક ખેંચ્યું મરચાંભાઈએ અને બીજાં શાકભાજી કંઈ જેવાં તેવાં નથી એ ટામેટાં ને સમજાવવા એ ગાવા લાગ્યું,
આહ બટાકા બધે ભળી જાય,
વાહ બટાકા બધે ભળી જાય...
મોટા નાના આરોગી જાય,
અવનવી વાનગીઓ બની જાય...
એક એક કરીને બધાં તાલમાં રંગાઈ ગયાં.
એટલાંમાં રિગ્ગી રીંગણ આવ્યું ફેરફુદરડી ફરવા લાગ્યું, ને બટાકું એને જોઈ ગોળ ગોળ ફરવા લાગ્યું. ને મૂળાભાઈ ગાવા લાગ્યાં કે-
આહ રીંગણ આયર્નથી ભરપુર,
બટાકા જોડે કેવું ભળી જાય...
એક દિવસ એ ડોશીએ ખાધું,
જાતે ઊભી થઈ ગઈ, જાણે હોય યુવાન...
એટલાંમાં હિંચ લેતી ડુંગળી આવી ગઈ, ને મરચું ગાવા લાગ્યું કે-
આહા ડુંગળી ભલે હોય તીખી,
વાહ ડુંગળી લૂ સામે આપે રક્ષણ..
એકવાર મજૂરે એ ખાધી,
તાકાત આવી તડકે કામ કરવાની...
એટલાંમાં ગોળ ગોળ ફરતું કારેલું આવ્યું. ચોકની વચ્ચે ને મૂળાભાઈ ગાવા લાગ્યાં-
આહ કારેલું બહુ ગુણવાન,
વાહ કારેલું બહુ ગુણકારી ..
એકવાર બીમાર છોકરાએ એ ખાધું,
તાવ થઈ ગયો પળમાં ગાયબ...
ત્યાં ગરબામાં ગબડતું ગબડતું લીંબુ આવ્યું... ને મૂળાભાઈ ગાવા લાગ્યાં-
આહ લીંબુ તાજંુમાજું,
વાહ લીંંબુ વિટામિન 'સી'થી ભરપુર...
એકવાર રમતવીરે તે પીધું,
તાકાત આવી તડકામાં રમવાની...
હવે બધાંના ગુણગાન ગવાઈ રહ્યાં હતાં ત્યાં દૂધીબેનને ઊંઘ આવી રહી હતી. એને સપનું આવ્યું કે એમનું અથાણું બની ગયું ને એ તો જાગ્યાં. ફુદરડી ફરવા લાગ્યાં ને પોતે ગાવા લાગ્યાં-
આહ દૂધી બહુ ગુણકારી,
ઠંડક આપે ને હલવો પણ બને...
એકવાર ટકલાએ એ ખાધી,
વાળ ઊગ્યા ને ચોટલી બાંધી...
ગરબા રમીને સૌ થાક્યા હતા એટલાંમાં ગોળમટોળ ફુલાવર તો ભાઈ લપસી પડયું ને એ શરમાઈ ગયું.
ત્યાં સામેથી મળ્યું ટીંડોરાનું ટોળું. પરસેવે નહાઈને એ સૂઈ ગયું.
બધા શાકભાજીએ ગરબાની મજા માણી... ને પછી સૌ ટોપલામાં જઈ સૂઈ ગયાં.