જોડિયાં બહેનો .
- 'સૌથી પહેલાં તો મારે ખૂબ ભણવું છે. હું પશુપક્ષીઓ, વૃક્ષો અને પ્રકૃતિની સેવા આજીવન કરતી રહીશ. તું જો આ કામમાં મારો સાથ આપવાનો હો તો જ હું તને મારો રાજકુમાર બનાવવા તૈયાર થઈશ.'
ડો. પારુલ અમિત 'પંખુડી'
તિંકુ અને રિંકુ એની મમ્મી સાથે ઘણાંય વર્ષોથી ગામના છેવાડે આવેલા તળાવ સામે નળિયાંવાળા ઘરમાં રહેતી હતી.
તિંકુ અને રિંકુંની મમ્મી મજૂરી કરી ગુજરાન ચલાવતી અને બંને દીકરીઓને સારા સંસ્કાર આપતી. જોકે બંન્ને દીકરીઓ જોડિયાં હોવા છતાં તેમનો સ્વભાવ સાવ અલગ હતા.
તિંકુ લાલચી, નિર્દયી અને ઈર્ષ્યાળુ હતી, જ્યારે રિંકુ લાગણીશીલ અને સેવાભાવી સ્વભાવની હતી.
એમની મમ્મી આ નળિયાંવાળું જુનું ઘર ખાલી કરવા તૈયાર નહોતી, કારણ કે આ જગ્યા એમના બાપદાદાની હતી.
એક દિવસ મમ્મીને એક સપનું આવ્યું. તેમાં એને સંદેશો આપવામાં આવ્યોઃ યાદ રાખજે, તારી દીકરીઓ સેવાભાવી થશે તો ચમત્કાર થશે! જો એવું નહી બને તો કશુંક ખરાબ પણ બની શકે છે.
તિંકુ અને રિંકુની મમ્મી લાંબો વખત જીવી શકી નહીં. બંને બહેનો હવે આ ઘરમાં એકલી હતી.
તિંકુ હમેશાં અમીર બનવાના વિચારો કરતી અને રિંકુનો સાથ છોડીને ચાલ્યા જવાનાં કારણો શોધતી, એટલી હદે કે એ એવાં સપનાં જોતી કે કોઇ રાજકુમાર આવે અને એની બધી સંપત્તિ પોતાના નામે થઈ જાય.
જ્યારે રિંકુ પોતાના ઘર ઉપરાંત આસપાસ આવેલાં ઝાડપાન, બગીચો અને તળાવની સારસંભાળ રાખતી. આસપાસ વૃક્ષો પર રહેતાં પક્ષી અને જીવજંતુઓને ખાવાનું આપતી અને જાહેર જગ્યાઓએ પણ સ્વચ્છતા જાળવતી.
તિંકુ આખો દિવસ રાજકુમારીની જેમ ફર્યાં કરે. બહેનને કામમાં બિલકુલ મદદ ન કરે.
એક દિવસ ભારે વરસાદના કારણે બાજુના તળાવનું પાણી છલકાવા માંડયું. કેટલીય માછલીઓ બહાર ફેંકાઈ ગઈ.
રિંકુ ઘરનાં નળિયામાંથી ટપકતા પાણીને ડોલમાં ભરી રહી હતી. એણે જોયું કે તળાવની માછલીઓ મદદ માગી રહી છે.
રીંકુએ કહ્યું, 'તિંકુ, જો તો, આ માછલીઓને મદદ કર તો!'
તિંક ઊભી જ ન થઈ. એ કહે, 'મરવા દે માછલીઓને... મારે શું?'
રીંકુ ફટાફટ એક ડોલ લઈને વરસતાં વરસાદમાં પલળતી માછલીઓ પાસે ગઈ. એણે ડોલમાં પાણી ભર્યું અને બહાર ફેંકાઈ ગયેલી માછલીઓને ડોલમાં મૂકી તેમને બચાવી લીધી.
બચેલી માછલીઓમાં એક જેલી ફિશ પણ હતી. એણે માછલીઓને જીવન આપવા બદલ રીંકુનો આભાર માન્યો અને એને એક મોતી આપ્યું. જેલી ફિશ કહે, 'વ્હાલી છોકરી, તું કોઈ પણ વ્યક્તિની મદદ કરીશ તો આ મોતીનું કદ બમણું થઈ જશે અને એક તને નવી ભેટ પણ મળશે'.
બારી પાસે બેઠેલી તિંકુ આ બધું સાંભળી ગઈ. રાત્રે જ્યારે રિંકુ સૂઈ ગઇ ત્યારે તિંકુએ લાલચમાં આવી જેલીફિશે આપેલું મોતી ચોરી લીધું અને એની જગ્યાએ નકલી મોતી કી દીધું. જેલી ફિશ આ બધું જોઈ રહી હતી.
જેલી ફિશ ગમે તેમ કરીને રીંકુને એની બહેનની અસલિયત જણાવવા માંગતી હતી, પરંતુ એ કંઈ કહેવા જાય એ પહેલાં વરસાદ શાંત થતાં રીંકુ માછલીઓને પાછી તળાવમાં મૂકવા ઊભી થઈ ચાલવા લાગી.
આ જોઈ તિંકુ બોલી, 'અરે બહેન રિંકુ, કેટલું કામ કરીશ? લાવ, મને ડોલ આપ. હું માછલીઓને તળાવમાં મૂકી આવું છું.'
ભોળી રિંકુ કહે, 'ભલે.' એણે ડોલ તિંકુને આપી દીધી.
તિંકુ માછલીઓને તળાવમાં પાસે લઇ ગઈ પરંતુ ત્યાં જઈ ડોળા કાઢીને બોલી, 'સાંભળ જેલી ફિશ, જો તું મને બીજાં મોતી નહીં આપે તો હું તને આ માછલીઓ સહિત ગામમાં જઈને વેચી આવીશ અને પૈસા કમાઈશ. એમાંથી હું મારા માટે મખમલના કપડાં લાવીશ. જો તારે બચવું હોય તો મેં કહ્યું એટલું કર.'
જેલી ફિશ હસતાં હસતાં બોલી, 'અરે છોકરી... બસ આટલી વાત? જો તળાવમાં એક કાલી નામનો પથ્થર છે. એ જાદુઈ છે. એનાથી તું તારી પાસે જે મોતી છે એના જેટલા ટુકડા કરીશ એનાથી બમણાં મોતી થઈ જશે.'
તિંકુ બોલી, 'તો રાહ શું જુએ છે? જા... જઈને મને એ પથર લાવી આપ.'
જેલી ફિશ બોલી, 'હા બસ, અમને તળાવમાં મુકી આવ. અમે બધી માછલીઓ સાથે મળીને એ જાદુઈ પથ્થર તારા માટે ઊંચકી લાવીશું.'
તિંકુએ બધી માછલીઓને તળાવમાં મુકી દીધી.
થોડી વારમાં પરપોટા કાઢતી જેલી ફિશ મોઢામાં જાદુઈ પત્થર લઇને આવી.
તિંકુએ તો મોતી પર જાદુઈ પથ્થર મારવાનું શરૂ કર્યું. મોતીના ટુકડેટુકડે થઈ ગયા અને કશું જ હાથમાં ન આવ્યું.
જાદુઈ કાલા પથ્થરે ઘીમે ઘીમે મોટું રૂપ લીધું અને એ બોલ્યો, 'ગાંડી લાલચી છોકરી, તારી પાસે અસલી મોતી હતું અને એ પણ તે લાલચમાં આવીને ગુમાવ્યું. જો તેં સાચે જ માછલીઓની મદદ કરી હોત આજે તને બીજું મોતી મળ્યું હોત અને બીજી ભેટ પણ.'
તિંકુએ ગુસ્સામાં આવી જાદુઈ પથ્થરનો છુટ્ટો ઘા કર્યો. પથ્થર ચમેલીના છોડ પર જઇ પડયો.
ચમેલીનાં ફૂલો દબાઈ ગયાં. પથ્થર વાગવાથી તેઓ કણસી રહ્યાં હતાં.
રિંકુ નિયમ પ્રમાણે રોજ સાંજે બગીચાને પાણી પીવડાવવા આવતી. ચમેલીનાં ફૂલોનો રડવાનો અવાજ આવતાં રિંકુ એમની પાસે પહોંચી. એ બોલી, 'અરે ભારેખમ કાળા પથ્થર, તું અહીં આ નાજુક નમણા ફૂલો પર ક્યાંથી આવ્યો? જો, આ ફૂલો કણસી રહ્યાં છે, તમે એક બાજુ હટી જાવ.'
પછી હળવેકથી પથ્થરને ઊંચકીને રિંકુ એને વડલાના ઝાડ નીચે કોઈને નડે નહી તે રીતે મૂકી આવી.
રિંકુએ લાલચ વગર ચમેલીનાં ફૂલોને બચાવી લીધાં. તેથી તિંકુએ જે નકલી મોતી મૂક્યું હતું એ અસલી થઈ ગયું અને ડબલ પણ થઈ ગયું.
ચમેલીનું એક ફૂલ બોલ્યું, 'વ્હાલી છોકરી, તેં અમને બચાવ્યા છે. આ લે, હું અમારી સુગંધ તને ભેટમાં આપું છું. આવતી કાલે સવારે વડ પાસે આવી જજે. એક સુંદર ભેટ તારી રાહ જોતી હશે. અને હા વ્હાલી, આ સુવાસ આજીવન તારામાં રહેશે.'
રિંકુ ચમેલીનાં ફૂલોનો આભાર માનીને ખુશ થતી થતી ચાલી ગઇ.
તિંકુના સ્વાર્થી અને લાલચી સ્વભાવના કારણે એના શરીરમાંથી માછલીની દુર્ગંધ આવતી હતી, જ્યારે રિંકુના સેવાભાવી અને પ્રેમાળ સ્વભાવના કારણે એના શરીરમાંથી ચમેલીએ આપેલા વરદાનના કારણે સુગંધ આવતી હતી.
રિંકુના શરીરમાંથી આવતી સુગંધ જોઇને તિંકુએ એને એનું કારણ પૂછયું.
ભોળી રિંકુ એ આખી ઘટના એને કહી સંભળાવી.
તિંકુને પોતાની બહેનની ઈર્ષા થઈ. એના મનમાં એક યોજનાએ આકાર લીધો.
બીજા દિવસે સવારે તિંકુ રિંકુનો ડ્રેસ પહેરીને, ચમેલીનું અત્તર છાંટીને પહેલાં વડ પાસે પહોંચી ગઇ.
એ જેવી ત્યાં પહોંચી કે વડની વડવાઇએ એને બાથ ભરી.
તિંકુ બોલી ઉઠી, 'અરે, આ શું? છોડો મને .... ગંદા, જાડા અને કદરૂપા વડ... તારી વડવાઇ મારાથી આધી રાખ, નહીં તો આ પત્થર વડે તારું માથું ફોડી નાખીશ.
વડવાઇ દૂર ન થઈ. તિંકુએ આમતેમ નજર દોડાવી અને પથ્થર ઊંચકી વડવાઈઓ પર પ્રહાર કરવા લાગી.
પરંતુ આ શું? ઊલટાનો જાદુઈ પથ્થર એના માથે વાગ્યો. વડવાઇઓએ એને દૂર ફંગોળીને કાંટાળી બોરડી પર ફેંકી દીધી.
થોડીવારે રિંકુ ત્યાં આવી અને રિંકુને પણ વડવાઈ ઓએ બાથમાં લીધી.
દરમિયાન રિંકુ ત્યાં આવી. એણે વડવાઇઓને પ્યારથી ચૂમી લીધી.
...અને ત્યાં જ વડવાઈ હાથ બની ગઇ અને વડ એક રાજુકમાર.
રાજકુમાર અને રિંકુ એકબીજાને નિહાળતાં રહ્યાં. રિંકુએ શરમથી નજર ઢાળી દીધી.
રાજકુમાર બોલ્યો, 'સુંદર ખુશ્બુવાળી હે કન્યા! તેં તારી સેવભાવી મનોવૃત્તિથી મને શ્રાપમુક્ત કર્યો છે. શું તું મારી સાથે મારી રાણી બનીશ?'
રિંકુ કહે, 'હા, હું રાણી બનીશ, પણ એક શરતે. સૌથી પહેલાં તો મારે ખૂબ ભણવું છે. હું ભણી ગણીને હોશિયાર બનીશ અને પછી તારી સાથે લગ્ન કરીશ. હું પશુપક્ષીઓ, વૃક્ષો અને પ્રકૃતિની સેવા આજીવન કરતી રહીશ. તું જો આ કામમાં મારો સાથ આપવાનો હો તો જ હું તને મારો રાજકુમાર બનાવવા તૈયાર થઈશ.'
રાજકુમાર કહે, 'હું તૈયાર છું. હું પણ તારી સાથે આજીવન પ્રકૃતિ અને પશુપક્ષીઓની સેવા કરીશ. હું વચન આપું છું, બસ?'
રિંકુ કહે, 'ભલે. તો આજથી આપણે એકબીજાનાં મિત્રો!'
રિંકુ અને રાજકુમારનો આ સંવાદ સાંભળીને આખો બગીચો, ચમેલીનાં ફૂલો, તળાવ અને માછલીઓ ઝૂમી ઉઠી...