Get The App

સાચી સેવાભાવના .

Updated: Apr 11th, 2025


Google News
Google News
સાચી સેવાભાવના                                         . 1 - image


- બાળકોએ અવાજની દિશામાં નજર નાખી. તેમણે જોયું કે એક બાઈકસવાર એક છોકરાને ટક્કર મારી ભાગી રહ્યો હતો. બાળકો તરત જ ત્યાં પહોંચ્યા. હર્શિલે ઝડપથી બાઈકવાળાનો નંબર નોંધી લીધો

- ભારતી પ્રવીણભાઈ શાહ

વનિતા વિદ્યાલય શહેરની પ્રસિધ્ધ શાળાઓમાંની એક છે. શાળાની સવારની પાળીનો સમય પૂરો થયો, એટલે શાળા છૂટવાનો ઘંટ વાગ્યો - ટન...ટન...ટન... વિદ્યાર્થીઓ પોતાના વર્ગમાંથી બહાર નીકળવા લાગ્યા. બોર્ડના વિદ્યાર્થીઓ માટે શાળામાં આજે છેલ્લો દિવસ હતો. બોર્ડની પરીક્ષા હોવાથી તેમને વાંચવાની રજાઓ આપવામાં આવી હતી.  હર્શિવ, ધ્વનિત, આર્યન, મનસ્વી અને હીર પણ વર્ગમાંથી બહાર નીકળ્યાં અને પરીક્ષાની તૈયારી અંગે ચર્ચા કરતાં આગળ વધ્યાં. તેમની સાથે વ્યોમ, રિવા, કાવ્યા અને વયાન પણ હતાં. 'હર્શિવ, આપણે સાથે બેસીને વાંચીશું. જેથી એકબીજાને મુંઝવતા પ્રશ્નોમાં એકબીજાને હેલ્પ કરી શકાય,' આર્યન બોલ્યો.

'ચોક્કસ, તું મારા ઘરે આવી જજે,' હર્ષિતે જવાબ આપ્યો. 

' હું અને હીર પણ સાથે જ વાંચવાના છીએ' મનસ્વી બોલી.

'હું તમારી સાથે જ વાંચવાની છું, મને ભૂલી ના જતાં...' પાછળથી આવેલી ઝીલ બોલી. પછી પરસ્પર ચર્ચા કરતાં બાળકો ચાલવા લાગ્યાં.

'ઝીલ દીદી, તમારી પરીક્ષાઓ પતી જાય, પછી તમે અમને ભણાવજો,' વ્યોમ અને રિવાએ ઝીલનો હાથ પકડીને જણાવ્યું.

'અમે મનસ્વી દીદી પાસે ભણીશું,' વયાન અને કાવ્યા બોલ્યાં.

ચાલતાં ચાલતાં બાળકોએ પોતાની સોસાયટીમાં પ્રવેશ કર્યો, અને સૌ પોતપોતાનાં ઘર તરફ વળ્યાં. હર્ષિવ અને ધ્વનિત ઘરે આવ્યા ત્યારે તેમની મમ્મી અમિતાબેન રાહ જોતાં હતાં. 'આવી ગયા... ચાલો, હાથપગ ધોઈ ફ્રેશ થઈ જમી લો. પછી ભણવા બેસી જજો. હવે ટાઈમ બગાડવાનો નથી.' 

બન્ને ભાઈઓ માતાની આજ્ઞાાને માન આપી, જમીને ભણવા બેસી ગયા. બન્ને જણાએ લગભગ ત્રણ-ચાર કલાક અભ્યાસ કર્યો.

સાંજ પડવા આવી. સૂર્યદેવની વિદાય સાથે પંખીઓ માળા ભણી વળવા લાગ્યા. અમિતાબેને આવીને બાળકોને થોડીવાર ફ્રેશ થવા માટે ઘરની બહાર જવાની છૂટ આપી. બન્ને બાળકો ભીખાલાલ દાદા સાથે બગીચામાં ગયા, અને ઝાડ નીચે બાંકડા પર બેઠા. તેઓ વાતો કરવા લાગ્યાં.

'તમારા પપ્પાએ ડોક્ટર બનવા માટે ખૂબ જ મહેનત કરી હતી. તમે પણ ખૂબ મહેનત કરી. અભ્યાસમાં સારી ડીગ્રી મેળવવા પ્રયત્ન કરજો,' ભીખાલાલ દાદા બોલ્યા.

'દાદા, તમે પપ્પાને એન્જિનીયર કેમ ન બનાવ્યા? હું તો એન્જિનીયર બનવા માગું છું...' હર્શિવ બોલ્યો.

'દાદા, હું તો પપ્પાની જેમ ડોક્ટર જ બનીશ!' ધ્વનિતે કહ્યું. 

'કોઈપણ સારી લાઈન લેવા માટે ખૂબ જ મહેનત કરવી આવશ્યક છે. તારા પપ્પા ખૂબ મહેનતું હતાં એટલે દર વર્ષે ઉત્તમ પરિણામ સાથે આગળ વધતા ગયા. તમે પણ ખૂબ જ મહેનત કરજો.' દાદાએ બાળકોને સમજાવ્યું.

'દાદા, અમે પણ ખૂબ જ મહેનત કરીએ છીએ,' ધ્વનિત બોલ્યો. પછી દાદા પૌત્રો સાથે ઘરે પાછા ફર્યા.

રાત્રે ડૉ. હિરેનભાઈ ફરજ પરથી પરત ફર્યા. તેમણે અમિતાબેન પાસેથી એક જવાબદાર પિતાની જેમ બાળકોના આખા દિવસના અભ્યાસનો રિપોર્ટ માંગી લીધો.

'આવતીકાલે રવિવાર છે. હું ઘરે જ છું. તમને અભ્યાસમાં કોઈપણ તકલીફ હોય તો મને બતાવી દેજો.' હિરેનભાઈ બોલ્યા. 

બીજા  દિવસે રવિવાર હોવા છતાં હર્શિવ, ધ્વનિત અને તેનો સહપાઠી આર્યન વહેલાં ભણવા બેસી ગયા. હિરેનભાઈ પણ પ્રશ્નોમાં મદદ કરવા લાગ્યા. જેને મેથ્સમાં તકલીફ હતી તેને મેથ્સમાં માર્ગદર્શન આપ્યું, જેને વિજ્ઞાાનમાં મુંઝવણ હતી તેને વિજ્ઞાાન સમજાવ્યું. હીર, મનસ્વી અને ઝીલ પણ ત્યાં આવી ગયાં અને હિરેનભાઈ પાસે મૂંઝવતા પ્રશ્નો અંગે યોગ્ય માર્ગદર્શન લેવા લાગ્યા. અમિતાબેને પણ બાળકોને અંગ્રેજી અને વ્યાકરણના વિષયોમાં યોગ્ય માર્ગદર્શન આપ્યું એટલે બાળકોનો આત્મવિશ્વાસ વધી ગયો.

સમય વહેતો ચાલ્યો. બોર્ડની પરીક્ષા આવી ગઈ. બોર્ડની પરીક્ષા હોવાથી માતા-પિતાની ચિંતા અને જવાબદારી વધી જાય છે. પ્રથમ દિવસે હિરેનભાઈ ગાડીમાં હર્શિવ, ધ્વનિત, મનસ્વી, હીર અને ઝીલને પરીક્ષા સેન્ટર પર મૂકવા માટે નીકળ્યા. હિરેનભાઈએ બાળકોને સૂચના આપતાં કહ્યું, 'બાળકો, બોર્ડની પરીક્ષામાં તમે કોઈ મોબાઈલ પાસે રાખતા નહીં, કાગળની કાપલીઓથી ચોરી કરતાં નહીં, આજુબાજુના વિદ્યાર્થીને કશું પૂછવું નહીં, અને કોઈનેૈ કશું બતાડવું નહીં. આડી અવળી એવી કોઈ કરતૂત ન કરતાં કે તમારે સસ્પેન્ડ થવું પડે. શાંતિથી વિચારીને પેપર લખજો...' 

પછી હિરેનભાઈ બધાં બાળકોને પરીક્ષા સેન્ટર પર મૂકી પાછા વળી ગયા. પરીક્ષા દરમ્યાન આ રીતનો ક્રમ ચાલતો રહ્યો. અને છેવટે પરીક્ષા પૂરી થઈ ગઈ. છેલ્લી પરીક્ષા આપીને બાળકો ઘરે આવ્યા, ત્યારે ધ્વનિતનાં દાદી મંજુલાબેન બોલ્યાં, 'તમારી પરીક્ષાઓ પૂરી થઈ ગઈ, હવે શું કરશો?'

'દાદી, અમે અમારાં નાનાં ફ્રેન્ડસ વ્યોમ, રિવા, વયાન અને કાવ્યાને અભ્યાસમાં મદદ કરીશું.'

'આ તો બહું સારું કામ કહેવાય,' મંજુલાબા બોલ્યાં. 

 હર્શિવ, ધ્વનિત, હીર, ઝીલ, મનસ્વી નવરાશની પળોમાં બાળકોને ભણાવતાં. સમય સાથે નાના બાળકોની પરીક્ષા પણ પૂરી ગઈ. બાળકો ખૂબ ખુશ હતાં, તેમણે બધાએ બહાર ફરવા જવાનો અને પછી હોટેલમાં જમવાનો પોગ્રામ બનાવ્યો.

બાળકો પોગ્રામ અનુસાર ફરવા નીકળ્યા.'હાશ, પરીક્ષા પતી ગઈ. જાન છૂટી! અમે તો આવતી કાલે મામાના ઘરે જઈશું...' વ્યોમ અને રિવા બોલ્યા. 

અચાનક ધ્વનિતનું ધ્યાન એક આંધળી  છોકરી તરફ ગયું. તેને રસ્તો ક્રોસ કરવો હોય તેમ લાગ્યું. ધ્વનિત ત્યાં ગયો અને કહ્યું, 'ચાલો દીદી, હું તમને રસ્તો ક્રોસ કરાવી દઉં.'

 ધ્વનિતે અંધ બાળાનો હાથ ઝાલી તેને રસ્તો ક્રોસ કરાવી દીધો. બાળકોએ ધ્વનિતની પ્રસંશા કરી. બધા આગળ વધ્યાં. ત્યાં તો ચર... ર..ર.. ચર.. ધૂમ... ધડામ કરતો અવાજ સંભળાયો. બાળકોએ અવાજની દિશામાં નજર નાખી. તેમણે જોયું એક બાઈકસવાર એક છોકરાને ટક્કર મારી ભાગી રહ્યો હતો. બાળકો તરત જ ત્યાં પહોંચ્યા.હર્શિલે ઝડપથી બાઈકવાળાનો નંબર નોંધી લીધો. આજુબાજુથી ઘણાં માણસો દોડી આવ્યા હતા. હર્શિવ, ધ્વનિત, આર્યને ઘાયલ બાળકને રિક્ષામાં સુવાડી પોતાના ઘરે લઈ આવ્યા. ઘેર મમ્મી-પપ્પા ન હતાં, પણ દાદા-દાદી તેમની મદદે આવી ગયા. બાળકો ફર્સ્ટએડ બોક્સ લાવી દાદાને આપ્યો. ભીખાલાલ દાદા અને મંજુબાએ ઘાયલ બાળકની સારવાર કરી તેની પાટાપીંડી પણ કરી લીધી. 

થોડીવાર પછી ડૉ. હિરેનભાઈ અને અમિતાબેન આવી ગયાં. તેમણે આખી વિગત જાણી અને ઘાયલ બાળકને દવા આપી. ડૉ. હિરેનભાઈએ બાળક સાથેની વાતચીત પરથી જાણી લીધું કે ઘાયલ બાળક પોતાના મજૂર બાપને ટિફિન આપી ઘરે જતો હતો ત્યારે આ ઘટના ઘટી. ડૉ. હિરેનભાઈ ઘાયલ બાળકને તેના ઘરે પહોંચાડવા પોતાના મિત્ર પ્રશાંતભાઈની મદદ લીધી. પ્રશાંતભાઈ ઘાયલ બાળકને તેના ઘરે પહોંચાડવા ગાડીમાં લઈ ગયા.

'બાળકો, તમારા હોટલમાં જમવા જવાના પોગ્રામનું શું?' અમિતાબેન બોલ્યાં.

'મમ્મી, અમે આજે હોટેલનો પોગ્રામ કેન્સલ કરીએ છીએ...' હર્શિવ અને ધ્વનિત બોલ્યા.

'પેલા છોકરાને કેટલું બધું વાગ્યું... આવા સેડ સીન પછી હોટેલમાં જવાનું મન નથી,'  ઝીલ, હીર અને મનસ્વી બોલ્યાં.  

બાળકોમાં રહેલી ઉમદા સેવાભાવના જોઈ હિરેનભાઈ અને અમિતાબેનની આંખો ખુશીથી છલકાઈ ગઈ. હિરેનભાઈએ ગુનેગારને યોગ્ય સજા માટે પોલિસને જાણકારી પહોંચાડવાની ખાતરી આપી. તેમણે  બાળકોને શાબાશી આપતાં કહ્યું, 'બાળકો, અભ્યાસની સાથે સાથે જીવનમાં કેટલાક સદ્ગુણો જેવા કે દયા, મદદ, કરુણા, પરોપકાર કેળવવા આવશ્યક છે. તમે હંમેશા બીજાને સહાયરૂપ બની માનવતાના ગુણને વિકસાવજો. આવતી કાલે હું મારા પરિવાર સહિત તમને બધાને ફરવા અને હોટેલમાં જમવા લઈ જઈશ.'

હિરેનભાઈની વાત સાંભળી બાળકો ખુશશુખ થઈ ગયાં.  સમગ્ર વાતાવરણ મંગલમય બની ગયું. 

Tags :