સહુથી ઊંચે .
- તે પતંગ બની ઊંચા આકાશે તો પહોંચી ગયો, પણ પાછા આવવાનો પ્રશ્ન ઊભો થયો
- હરીશ નાયક
બા ળકોની બુદ્ધિ ક્યાં ચાલે છે? કેવી રીતે ચાલે છે? - એનો કોઈ અંદાજ નથી. બાળકોમાં તર્કશક્તિ ભારોભાર હોય છે. કંઈનું કંઈ તેઓ વિચાર્યા જ કરે છે. એ વિચારમાંથી જ તેમને નવી દુનિયા લાધે છે.
ક્યારેક વળી એ વિચારમાંથી જોખમ પણ ઊભું થઈ જાય છે.
વાત છે એવા જ એક બાળકની. તે રોજ ચર્ચના ઊંચા ઘુમ્મટને જોતો. ઊંચું દેવળ, એથી ઊંચો તેનો ઘુમ્મટ, એ ગોળાકાર ઘુમ્મટ પર અણિદાર ટોચ. માઈકલને એમ થતું મારે ઠેઠ ટોચ પર જવું જોઈએ.
એક દિવસ તે લોકોની નજર બચાવી ઉપર ને ઉપર ઉપર દોડી ગયો. ઝરૂખાઓ, અગાશી, છાપરું વટાવી તે ઠેઠ ઉપર પહોંચ્યો ઉપરથી નીચે જોઈ શકાય તેમ ન હતું. ઊંચાઈ ઘણી હતી. તેમાં માઈકલને તો એથી પણ ઉપર જવું હતું.
ગોળ ગુંબજ પર જઈને પેલા ધ્વજના ભાલા સાથે ઊભા રહી લોકોને હાથ બતાવવો હતો.
બાળકો જ્યારે આવાં સાહસ કરે છે ત્યારે પાછા ફરવાનો વિચાર જ કરતાં નથી. માઈકલ ઠેઠ કેવી રીતે પહોંચ્યો એની પણ એને ખબર નથી.
તે ઉપરના ધ્વજદંડ સુધી પહોંચી શક્યો. તેણે એ ભાલો હાથમાં પકડયો. બસ, પછી તેના પગ સરકી જવા લાગ્યા.
હવે જ એને ખ્યાલ આવ્યો કે તે કેટલે ઊંચે પહોંચ્યો હતો અને હવે ઊતરવાની કોઈ શક્યતા ન હતી. તે ગભરાયો, હાથ પરસેવે રેબઝેબ થતો હતો પણ તે હાથ છોડી શકે તેમ ન હતું પગને તો ટેકો જ ન હતો.
પરસેવો હાથમાં જ નહીં નહીં, આખા શરીરે થવા લાગ્યો. તે રાડારાડ અને ચીસાચીસ કરવા લાગ્યો પણ નીચે માણસો કીડી જેવા દેખાતા હતા. ત્યાં સુધી કોણ એની બૂમ સાંભળે?
સમય પસાર થવા લાગ્યો.
અંતમાં, રસ્તા પરના કોઈક રાહદારીની નજર ઊંચે ગઈ. તેણે મંદિરના ભાલા પર લટકી પડેલા માઈકલને જોયો. તેના પોતાના મોઢામાંથી ચીસ પડાઈ ગઈ.
લોકો ભેગા થયા. ઉપર જવાનો સરળ કોઈ રસ્તો જ ન હતો. આ સાહસી છોકરો આટલે ઉપર ગયો કેવી રીતે?
દોડાદોડ અને ધમાલ પછી બધા ઉપર પહોંચ્યા. સીડીઓ, ઊંટડી, ટેકાઓ જેવાં કંઈક સાધનો આવી પહોંચ્યાં.
માઈકલને ઉતારવાના જીવલેણ પ્રયત્નો થયા.
બધા એક જ વાત કહેતા હતા : 'માઈકલ! હાથ છોડતો નહીં. પકડી રાખજે. અમે આવીએ છીએ!'
માઈકલને જીવ હાથમાં લઈ ઉતારવામાં આવ્યો. માઈકલ આ રીતે પોણા બે કલાક ઉપર લટકી રહ્યો હતો.
જ્યારે સંપૂર્ણ શાંતિ થઈ ત્યારે માઈકલને પૂછવામાં આવ્યું : 'તું ઉપર શું કામ ચઢ્યો હતો?'
'હું પતંગ બન્યો હતો. મારે પતંગની જેમ ઊંચે ને ઊંચે જવું હતું. મારે લોકોને ભેગા કરવા હતા. મારે જોવું હતું કે ઉપરથી લોકો કેવા લાગે છે!'
અલબત્ત માઈકલ બચ્યો. એ માઈકલની બીજી જિંદગી હતી, પણ... મોટો થઈને એ જ માઈકલ એક અચ્છો વૈજ્ઞાાનિક તથા સંસદસભ્ય બન્યો. લંડનની પાર્લમેન્ટમાં માઈકલનું અચ્છું નામ છે. લોકો કહે છે કે પાર્લમેન્ટમાં જ્યારે માઈકલ બોલવા ઊભો થતો ત્યારે બધા જ તેને ધ્યાનથી સાંભળી રહેતા.
ઈતિહાસ કહે છે કે ત્યારે માઈકલ ઊંચામાં ઊંચો વક્તા હતો. તમામ લોકો ગરદન ઊંચી કરી તલ્લીનતાથી એને નિહાળી રહેતા.