ટમેટું બીમાર પડયું .
- 'આપણે ટમેટાં જેવું ખરાબ વર્તન નથી કરવાનું. બધાએ એની ખબર કાઢવા જવાનું છે અને એને હિંમત આપવાની છે, મદદ કરવાની છે. એની સાથે ને સાથે રહેવાનું છે.'
- દિગ્ગજ શાહ
એ ક હતું ટમેટું. એ હતું ગોળ ગોળ લાલ લાલ... મસ્ત મસ્ત હેન્ડસમ!
ટમેટું તો ભાઈ લટક મટક ચાલે. ફટફટ બોલે. કટકટ કરીને ગમે તેની સાથે કિટ્ટા કરે. ફટફટ બુુચા પણ કરી લે. એ ટમેટું ખૂબ જ જબરું અને ઘમંડી. ગમે તેને તોડી નાખે. ગમે તેને જોડી નાખે.
ટમેટું જેની સાથે રમે કે મોજ કરે, ફરવા જાય એ બઘા આગળ પોતાના વખાણ પોતે જ ખૂબ વધારી વધારી ને કહે...અને બીજા વિશે હંમેશા ખરાબ ખરાબ જ બોલે. એ કોઇ ના વખાણ ના કરે કે કોઈને ભાવ ના આપે.
ટમેટાના સ્વભાવના કારણે એનો કોઈ સાચો કે પાક્કો ફ્રેન્ડ નહીં!
ટમેટું મનમાંને મનમાં બોલે ઃ 'આપણે કોની જરૂર છે? બધાને મારી જરૂર છે, કેમ કે હું મસ્ત મસ્ત લાલલાલ ટમેટું છું... હેન્ડસમ છું અને બધી જ જગ્યાએ મારી જ હોશિયારી ચાલે છે.'
ટમેટું એક દિવસ સવાર સવારમાં ફરવા ગયું. સામે દૂધીબેન મળ્યાં.
દૂધીબેન કહે ઃ 'અરે ટમેટાં ભાઈ... હું ઘણા દિવસથી બિમાર હતી. બઘાં શાકભાજી ફળફુલ મારી ખબર કાઢવા આવ્યા. તમે જ ના આવ્યા.'
ટમેટું કહે ઃ 'અરે બીમાર તો પડાય? એમાં કાંઈ ખબર કાઢવા જવાની હોય? એ બધા નવરા હતા એટલે આવ્યા હશે... હું તો કમ્પ્યુટર શીખવા કલાસમાં જાઉં છું એટલે મને ટાઈમ ના હોય. ઓકે...બાય!'
દૂધીને તો ખૂબ જ ખોટું લાગ્યું.
ટમેટું થોડું આગળ ગયું. સામે ભિંડાભાઈ મળ્યા.
ભિંડાભાઈ કહે ઃ 'અરે ટમેટાભાઈ. મારું નવું ઘર જોવા ના આવ્યા. બધા આવ્યા હતા. તમે જ ના આવ્યા...'
ટમેટું કહે ઃ 'હા, મને ખબર હતી, પણ હું અંગ્રેજી શીખવા કલાસમાં જાઉં છું એટલે નવરો નથી હોતો. બીજા બધા નવરા હોય છે. ઓકે, બાય...'
ટમેટું ઘરે પાછું આવતું હતું. સામે એને બટાટાભાઈ મળ્યા.
બટાટભાઈ કહે ઃ 'અરે ટામેટાભાઈ... મેં મારી બર્થડે પાર્ટીમાં તમને બોલાવ્યા હતા. પાર્ટીમાં તમે ના આવ્યા. બીજા બધા આવ્યા હતા...'
ટમેટું કહે ઃ 'અરે આજકાલ હું ડાન્સ કલાસમાં ડાન્સ શીખવા જાઉં છું. એટલે મને ટાઈમ નથી મળતો. બીજા બધા નવરા હોય છે. હું નહીં...ઓકે, બાય...'
ટમેટું ઘરે આવ્યું. મમ્મી કહે ઃ 'ટમેટાં બેટા... તું એકલો એકલો કેમ ફરે છે? કોઈની સાથે હળતો-મળતો નથી. તારો કોઈ ફ્રેન્ડ નથી. કોઈ તારા ઘરે તને મળવા નથી આવતું. આ બધું સારું નહીં. આપણે બધા સાથે હળીમળીને રહેવું જોઈએ. બધાની ખબર પૂછવી જોઈએ. મદદ કરવી જોઈએ. સંબંઘો સાચવતાં શીખવું જોઈએ.'
ટમેટું ગુસ્સે થઈને કહે ઃ 'મમ્મી... તું મને ભાષણનાં લાડવા નાં ખવડાવ. હું બીજા જેવો નવરો નથી. મારે ઘણાં કામ હોય છે. ઓકે... મને ભૂખ લાગી છે. નાસ્તો આપ.'
મમ્મી બિચારી શું બોલે? મમ્મી ચૂપ થઈ ગઈ.
થોડા દિવસ પછી ટમેટું ભયંકર બીમાર પડી ગયું. એનાથી હલાય નહીં. ચલાય નહીં. ખવાય નહીં. પીવાય નહીં. બોલાય નહીંં. બસ, બધાને ટગર ટગર જોયા કરે. ટમેટું ખુબ જ ડરી ગયું.
જ્યારે બઘાને ખબર પડી કે ટમેટું ખૂબ જ બીમાર છે. તો બઘા એકબીજાને કહે ઃ 'આપણે ટમેટાં જેવું ખરાબ વર્તન નથી કરવાનું. બધાએ એની ખબર કાઢવા જવાનું છે અને એને હિંમત આપવાની છે, મદદ કરવાની છે. એની સાથે ને સાથે રહેવાનું છે.'
બધાએ કહ્યું ઃ 'હા... આપણે તો સારુ જ વર્તન કરવાનું છે. એની બઘી જ જવાબદારી આપણી... આપણે એને હિંમત, પ્રેમ, હૂંફ આપીશું.'
પછી તો એક પછી એક બધાં જ શાકભાજી, ફળ-ફુલ એની ખબર કાઢવા આવ્યા. એની સાથે પ્રેમથી વાત કરી. એને હિંમત, પ્રેમ, હૂંફ આપ્યા. અને કહ્યું ઃ ' ટામેટાભાઈ, જરાય ચિંતા ના કરશો. અમે તમારી સાથે જ છીએ. તમને કંઈ જ તફલીફ નહીં પડવા દઈએ. હિંમત રાખો.'
આ સાંભળીને ટમેટું રડી પડયંુ. એને બઘાને હાથ જોડીને માફી માગી.
થોડા દિવસમાં ડોક્ટર કારેલાની મસ્ત મસ્ત ટ્રીટમેન્ટથી ટમેટું પહેલા જેવું લાલ લાલ મસ્ત મસ્ત હેન્ડસમ થઈ ગયું.