સમય થોભી જાય સલામ કરવા .
- એવી વાત છે માંડી પ્રકાશ ઉપકાયક સદા પાથરે ગ્રેસની દીવાદાંડી
ગ્રેસ ડાર્લિંગ! નામ સાંભળ્યું છે ખરું?
એ નામ છે દીવાદાંડીવાળાનું, સામાન્ય બાળામાંથી જે દિવ્ય બાળા બની રહી. ખડકમાં ખડકાઈને ખોવાતા, ભાંગીને ભૂક્કો થઈ જતાં જહાજોને જન્મોજન્મ સુધી બચાવતી રહી. ઘટના છેક ૧૮૩૮ના ઇંગ્લેન્ડની છે. ઘટના કે દુર્ઘટના! સપ્ટેમ્બરની પાછલી તોફાની રાતે ૪૦૦ ટન વજનનું 'ફોરફેરશાયર' જહાજ બેકાબૂ બન્યું હતું. દૂર જવાનો પ્રયાસ કરતું અને મોજાંઓ તેને ઉછાળીને ખડક તરફ ઘસડી જતાં. દીવાદાંડીનો પ્રકાશ પણ બચાવી શક્યો નહિ અને દીવાદાંડીથી ૭૦૦ ગજના અંતરે પ્રચંડ જહાજ અણીદાર ખડક સાથે અથડાયું, ટકરાયું અને મધ્યથી બરાબર બે ભાગમાં વહેંચાઈ ગયું. દીવાદાંડીની બાવીસ વર્ષની બાળા ગ્રેસે આ દ્રશ્ય જોયું. તે પોતાના પિતા સાથે અહીં જ રહેતી હતી. ઝંપલાવ્યું તેણે ઝંઝાવાતમાં.
પિતાએ કહ્યું : 'સાક્ષાત મોત છે ગ્રેસ.'
દીકરી કહે : 'તો તો તમે પણ ચાલો બાપુ, તમારી પણ જરૂર પડશે.'
નાનકડી રો-બોટમાં સવાર થઈ ગયેલી ઊછળતી ગ્રેસ સાથે કૂદીને પિતા સામેલ થયા.
દરિયાનું, પવનનું, મોજાનું, મોસમનું સમસ્ત જ્ઞાન કામે લગાડી પિતા-પુત્રીએ બચવા માટે તરફડતાં પાંચને દીવાદાંડી સુધી લાવી દીધા. એ પાંચનો ખ્યાલ રાખવાનું કામ પિતાજીને સોંપી ગ્રેસ પાછી દુર્ઘટના સ્થળે પહોંચી ગઈ અને એકલે હાથે બીજા બે જહાજીઓને બચાવી લાવી. એ બે જહાજીઓના સાથીથી વધુ ચાર જહાજીઓના પ્રાણ બચાવી લેવાયા. પાછળનું એ કામ વળી વધુ મુશ્કેલ અને અશક્ય હતું. ગ્રેસ ડાર્લિંગ ચીસ પાડી ઊઠી, કેમ કે બાકીના ૪૫ને દરિયાનાં મોજાઓ કોણ જાણે ક્યાંય ફેંકી આવ્યા. રાતોરાત આ દીવાદાંડી બાળા રાષ્ટ્રીય નેતા બની ગઈ. રાષ્ટ્રીય દેવી જ કહો ને! અલભ્ય ભેટસોગાદો તથા ઊંચી કક્ષાનાં લગ્નનાં માગાઓ આવવા લાગ્યા.
ડેલ્ફી થિયેટરે એ દ્રશ્યને મૂર્તિવંત કરી થિયેટરની કાયમી શોભા બનાવી એ માટેની પરવાનગી રૂપે ગ્રેસને રોજના ૩૦ પાઉન્ડ મળવા લાગ્યા.
વિશ્વના મહાકવિ વર્ડ્ઝ વર્થે 'ગ્રેસ ડાર્લિંગ' જેવા અમર કાવ્યની રચના કરી. આ બહાદુર બાળાને યાદગાર બનાવી દીધી. ઝવેરચંદ મેઘાણીના 'ચારણકન્યા' પ્રકારના પરાક્રમ-ગીત જેવી જ આ વિશ્વ સાહિત્યની અણમોલ રચના છે, પણ ગ્રેસ કોઈ પ્રલોભનમાં લોભાઈ નહિ. 'મારું કર્તવ્ય, દીવાદાંડી છે' એવું દ્રઢપણે કહીને તે ૧૮૪૨ સુધી નાનકડા ઊંચા એકાકી લોંગસ્ટોનના ખડક ઉપર જ રહી અને અકસ્માતે અથડાતાં જહાજો તથા જહાજીઓને બચાવતી રહી. ઘણી નાની ઉંમરે માત્ર ૨૬ વર્ષની વયે જ ગ્રેસ ડાર્લિંગ ક્ષયના મહારોગથી મૃત્યુ પામી. તે છેવટ સુધી દીવાદાંડી પર જ રહી અને આખર સુધી પોતાનું કર્તવ્ય બજાવતી રહી.
એ દીવાદાંડીને જ પછી તો 'ગ્રેસની દીવાદાંડી'નું નામ અપાયું. ગ્રેસને તો 'દીવાદાંડીની દેવી' તરીકે જ લોકો ઓળખતા રહ્યા. એ દીવાદાંડી પર ગ્રેસની નાનકડી બોટ સાથેની પ્રતિમા છે. આજે સેંકડો વર્ષોથી લોકો ત્યાં દર્શને જાય છે. ત્યાં જવા માટે ખાસ હોડીઓ તૈયાર થયેલી છે. ગ્રેસની દીવાદાંડી આજે પોણાબસો વર્ષથી યાત્રાધામ મનાય છે.
- હરીશ નાયક