Get The App

ટીકુ વાંદરો તોફાની .

Updated: Dec 2nd, 2022


Google NewsGoogle News
ટીકુ વાંદરો તોફાની                                      . 1 - image


- મગરે તો હળવેકથી પાણીમાં છુપાઇને જ ટીકુ વાંદરાનો એક પગ પકડી લીધો. અચાનક પોતાનો પગ પકડાતાં જ ટીકુ તો ગભરાઈ ગયો! તેણે પોતાનો પગ છોડાવવાની કોશિશ કરી પણ હવે એમ મગરભાઇ એનો પગ છોડે જ નહીં ને!

કિરીટ ગોસ્વામી

એ ક હતો વાંદરો. એનું નામ ટીકુ. ટીકુ વાંદરો ખૂબ તોફાની. આખો દિવસ તોફાન કરે. ચાલતાં ચાલતાં તોફાન! ઝાડની ડાળીએ બેઠાં પણ તોફાન! જયાં જાય ત્યાં તોફાન! જરીય વાર શાંત બેસે જ નહીંને!

ટીકુનાં તોફાનોથી જંગલનાં બધાં પશુ-પંખીઓ ત્રાસી ગયાં હતાં. બધાં માટે આ ટીકુ વાંદરો એક મોટી સમસ્યારૂપ બની ગયો હતો... પણ ટીકુ જેનું નામ! એ તો તોફાન કરવાનું ભૂલે જ નહીંને!

ટીકુને તો જાત-જાતનાં તોફાનો કરવાની મજા આવતી હતી. કયારેક કારણ વગર કોઈ ઝાડની ડાળ તોડે તો કયારેક ઝાડનાં પાન તોડયા કરે. કયારેક ચીકુ સસલીના કાન ખેંચે તો કયારેક વળી નાનકડી ખિસકોલીની પૂંછડી પકડી લે. રસ્તે ચાલતાં તળાવનાં પાણીમાં કયારેક પથ્થર ફેંકે અને બધું પાણી બગાડી નાખે.

ટીકુનાં આવા તોફાનો કોઇને ગમતાં નહોતાં. બધાં ઇચ્છતાં હતા કે ટીકુ, સારો થઇ જાય, ડાહયો થઇ જાય! પણ કેવી રીતે? કેમ કે ટીકુ તો કોઇની વાત માનવા તૈયાર જ નહોતો. કોઇ એને કાંઇ કહે તો ઉલટાનું એનાં તોફાન વધી જાય. એને સારી વાત કરો તો એ અવળો ચાલે!

ટીકુડાનાં તોફાન તો દિવસે ને દિવસે વધતાં જતાં હતાં. જંગલમાં બધાં માટે હવે એનાં તોફાન, મહા-મુસીબત રૂપ બની ગયાં હતાં. બધાં ઇચ્છતાં હતાં કે ટીકુને કોઈ બરાબરનો પાઠ ભણાવે તો કેવું સારું. એને કોઈ બધાં તોફાન ભૂલાવી દે તો કેવી મજા!

એક દિવસની વાત. ટીકુ વાંદરો તો તળાવે પાણી પીવા ગયો. પાણી પી લીધું ને પછી તળાવમાં બેઠો-બેઠો તોફાન કરવા લાગ્યો. નાના નાના દેડકાનો પગ પકડી લે અને રૂપાળી માછલીની પૂંછડી પકડી લે. બતકબેનને નિરાંતે પાણીમાં તરવા ન દે અને પાણીમાં પથ્થર નાખીને ચોખ્ખા પાણીને ગંદુ કરી નાખે!

ટીકુનાં આ બધાં  તોફાન તળાવનાં પાણીમાં છુપાઇને એક મગર કયારનો જોઇ રહ્યો હતો. એને થયું કે, હવે ટીકુડો હદ વટાવે છે. હવે એને બરાબરનો પાઠ ભણાવવો જ જોઈએ! એમ વિચારીને મગરે તો હળવેકથી પાણીમાં છુપાઇને જ ટીકુ વાંદરાનો એક પગ પકડી લીધો. અચાનક પોતાનો પગ પકડાતાં જ ટીકુ તો ગભરાઈ ગયો! તેણે પોતાનો પગ છોડાવવાની કોશિશ કરી પણ હવે એમ મગરભાઇ એનો પગ છોડે જ નહીં ને! ડબ્બ... કરતું મગરનું મોં પાણીની બહાર આવ્યું. એ જોઈને ટીકુના તો હોંશ જ ઉડી ગયા. મગરના મોઢામાં તેનો પગ જોતાં જ ટીકુડો તો બે હાથ જોડીને મગરની સામે કરગરવા લાગ્યો - 'મને છોડી દો,મગરભાઇ. મારી ભૂલ થઈ ગઈ. હવે હું કયારેય ખોટાં તોફાન નહીં કરું! કોઇને પરેશાન નહીં કરું! બસ, મને એકવાર માફી આપો ને મારો પગ છોડી દો.'

તળાવની આસપાસ આ બધો તમાશો જોઈ રહેલાં બધાં પશુ-પંખીઓ ખૂબ રાજી થયાં. બધાં મનોમન વિચારતા હતા કે - 'આ ટીકુ વાંદરો, આ જ લાગનો છે. કયારનો ઉપાડે આવ્યો હતો! કેવાં કેવાં તોફાન કરતો હતો ને બધાંને નાહક જ હેરાન કરતો હતો... ભલે મગર તેને ખાઇ જાય...' એમ વિચારીને બધાં ખુશ થતા હતા.

આ તરફ ટીકુ વાંદરો હજી પણ ખૂબ કરગરીને મગર પાસે માફી માગતો હતો ને પોતાનો પગ છોડી દેવા માટે મગરને બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો હતો.

થોડીવાર થઇ. મગરને આખરે વાંદરા પર દયા આવી. તેણે પોતાનું મોં ખોલ્યું અને ટીકુનો પગ એમાંથી છૂટો થયો. પોતાનો પગ છૂટતાં જ, મોટી છલાંગ મારીને ટીકુ તો ઊભી પૂંછડીએ ત્યાંથી ભાગી છૂટયો.

ત્યાર પછી  ટીકુ વાંદરો હંમેશા માટે તોફાન કરવાનું ભૂલી ગયો!      


Google NewsGoogle News