વિશ્વની સૌથી જૂની દીવાદાંડી બેલરોક લાઈટ હાઉસ
સ મુદ્રમાં કિનારા નજીક આવતાં જહાજોને દિશા સૂચન કરવા માટે કિનારા પર ઊંચા ટાવર પર ફ્લેશ લાઈટ હોય છે. આ ટાવરને લાઈટહાઉસ કે દીવાદાંડી કહે છે. આધુનિક દીવાદાંડીમાં વીજળીથી ચાલતી શક્તિશાળી ફ્લડલાઈટ હોય છે જે સતત ફરતી રહે છે અને જહાજને સિગ્નલ આપે છે.
વિશ્વભરના બંદરો પર વિવિધ પ્રકારની લાઈટહાઉસ હોય છે. લાઈટ હાઉસ જુદી જ જાતનું અનોખું સ્થાપત્ય છે. ટાવર ક્લોકની જેમ લાઈટહાઉસ પણ જાણીતા બન્યા છે. વીજળી નહોતી ત્યારે દીવાદાંડીમાં મશાલ કે તેલના દીવા કરીને સિગ્નલ અપાતા. પ્રાચીન દીવાદાંડી જોવા જેવી અને અજાયબીભરી હોય છે.
સ્કોટલેન્ડના દરિયાકિનારે આવેલી બેલરોક લાઈટ હાઉસ વિશ્વની સૌથી જૂની છે. ૩૫ મીટર ઊંચી દીવાદાંડી ઈ.સ. ૧૮૦૭માં બાંધવામાં આવેલી અને આજે પણ ચાલુ છે. તેના જમાનામાં તે વિશ્વની સૌથી ઊંચી દીવાદાંડી હતી. બાંધકામ ક્ષેત્રમાં અજાયબી ગણાતી આ દીવાદાંડીને ૧૯૮૮માં આધુનિક સાધનોથી સજ્જ કરાઈ હતી. આ દીવાદાંડીની લાઈટ ૫૬ કિલોમીટર દૂરથી પણ દેખાય છે.
વિશ્વની સાત અજાયબીયોમાં તેની ગણના થાય છે. બેલરોક ખડક અપશુકનિયાળ ગણાતો તેની આસપાસ અનેક જહાજો ગુમ થવાની વાતો પ્રચલિત હતી. સ્ટીવન્સની નામના ભાઈઓએ આ દીવાદાંડી બાંધવાનું બીડુ ઝડપેલું. બાંધકામ દરમિયાન તેની સાથે સંકળાયેલા મુખ્ય એન્જિનિયરના મોત થઈ ગયા હતા. દીવાદાંડી ગ્રેનાઈટના ૨૫૦૦ મોટા પથ્થરો વડે બનેલી છે. બધા જ પથ્થરો એક જ ઘોડા વડે સ્થળ ઉપર લાવવામાં આવેલા.
આ બધા પડકારોને કારણે આ દીવાદાંડી અજાયબી ગણાતી. ૧૯૫૫માં આ દીવાદાંડીની ટોચ સાથે હેલિકોપ્ટર અથડાતાં તે તૂટી પડયું હતું. અને દીવાદાંડીને નુકસાન થયેલું. અંગ્રેજી સાહિત્યની બાળવાર્તાઓમાં આ દીવાદાંડી સાથે સંકળાયેલી ઘણી વાર્તાઓ અને કવિતાઓ જોવા મળે છે. 'લાઈટ હાઉસ' નામની નવલકથા પણ પ્રસિદ્ધ થયેલી તેમાં તેના બાંધકામની ઘટનાઓ વર્ણવેલી છે.