mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ત્રણ પગવાળો માણસ .

Updated: Apr 19th, 2024

ત્રણ પગવાળો માણસ                            . 1 - image


- મોટરમાંથી દાદા ઉતર્યા ને બધા ઊભા હતા ત્યાં જોઈને મીઠાઈ વહેંચી. લોકોને તો દાદાનો ત્રીજો પગ જોવાની ઉતાવળ હતી તે દાદા જાણી ગયા. તેઓ લોકો જુએ તે રીતે થોડું ચાલ્યા.

સરદારખાન મલેક

ભ ગુના દાદા ઘણાં વર્ષથી કામરું દેશમાં કમાવા ગયેલા. ત્યાં દાદાને એવું ફાવી ગયું કે વરસો નીકળી ગયાં પણ તેના દાદા પાછા ઘેર આવ્યા નહીં. ભગુ હવે જુવાન થવા આવ્યો હતો, પણ દાદા હજુ સુધી ઘરે આવ્યા નહીં.

ભગુના બાપાએ કહ્યું, 'ભગુ બેટા, હવે તો તું યુવાન થયો. થોડાં વરસો પછી તારાં લગ્ન લેવાશે. હવે દાદાને ઘેર આવી જવા પત્ર લખ.'

ભગુએ તો પછી સરનામું મેળવીને દાદાને પાછા આવી જવા કામરુ દેશમાં પત્ર લખ્યો. ને વહેલા ઘરે આવી જવા વિનંતી કરી.

દાદાનો જવાબ આવ્યો. તેમણે પત્રમાં લખ્યું હતું કે ભગુ બેટા. હું સાઈઠ વર્ષનો હતો ત્યારે અહીં આવેલો. એ વખતે તારો જન્મ પણ નહોતો થયો. હાલે મારી ઉંમર એંસી વર્ષની થઈ. અહીં કામરું દેશમાં તો માણસની ઉંમર એંસી વર્ષ ઉપર જાય ત્યારે મોંમાં નવા દાંત ફૂટે ને એક નવો પગ પણ ફૂટે. તું તો મોટો થઈ ગયો હોઈશ. તને જોવાની મારી ખૂબ ઇચ્છા છે. હું આવતે અઠવાડિયે પહેલી તારીખે ઘેર આવીશ. ત્યારે તને મારા નવા દાંત અને ત્રીજો પગ પણ ફૂટયો છે તે બતાવીશ.'

ભગુએ તો તેના દાદાની વાત પોતાના મિત્રોને કરી, ને મિત્રો તો ભગુના દાદાને જોવા તલપાપડ થઈ ગયા.

'અલ્યા, કામરું દેશમાં તો બહુ બધા જાદુગરો હોય, ચમત્કારી બાવા, ફકીરો પણ હોય. તેઓ ઘરડા માણસ ને બીજો પગ નાખી આપતા હશે,' એક ભાઈબંઘ બોલ્યો.

'હાચું હો, ભગુ. અમારે ઘેર એક ફોટો છે ને તેમાં એક દેવીને ચાર હાથ છે, બોલો.' મનીયો બોલ્યો.

ચકૂડો કહે, 'જો તારા દાદાને ત્રણ પગ હશે તો તો પછી એ ધોડાની જેમ ઝડપથી ચાલી શકતા હશે. '

'એ બઘું તો ઠીક, પણ દાદાને ત્રણ પગ માટે બે જોડી બૂટ-ચંપલ ખરીદવા પડતા હશે,' મનુએ અનુમાન લગાવ્યું.

ચકુડાએ વળી તર્ક દોડાવ્યો. 'એક પગ ડાબો ને બીજો પગ જમણો તો ત્રીજો પગને વધારાનો પગ કહેતા હશે.'

બઘા આવાં જુદાંજુદાં અનુમાન લગાવતા હતા ને ભગુ ચુપચાપ સાંભળી રહ્યો હતો.

બઘા મિત્રો ભગુના દાદા ક્યારે ઘરે આવે તેની રાહ જોઈ રહ્યા હતા.

આખરે પહેલી તારીખ આવી. આજે ભગુના દાદા ઘેર આવવાના હતા. બઘા ભગુના ઘરે તેના દાદાને જોવા ભેગા થયા.  બઘા વિચારતા હતા કે દાદા ત્રણ પગે ચાલશે તે જોવાની મજા પડશે.

એવામાં એક મોટરમાંથી દાદા ઉતર્યા ને બધા ઊભા હતા ત્યાં જોઈને મીઠાઈ વહેંચી. લોકોને તો દાદાનો ત્રીજો પગ જોવાની ઉતાવળ હતી તે દાદા જાણી ગયા. તેઓ લોકો જુએ તે રીતે થોડું ચાલ્યા. પછી સામે હાથમાંનો રૂપેરી ચાંચવાળી લાકડી ઊંચી કરીને બોલ્યા. 'જુઓ, આ મારો ત્રીજો પગ! છેને મજાનો!' પછી મોંમાંથી દાંતનું ચોકઠું કાઢી હાથમાં લઈ બોલ્યા, 'ને જુઓ એંસી વર્ષે મને નવા દાંત ફૂટયા છે તે આ!'

આ સાંભળી બધા હસવા લાગ્યા.

ભગુ તો ખુશ થઈ ને બોલ્યો. 'દાદા, આતો તમે અમને એપ્રિલફૂલ બનાવ્યા. એપ્રિલફૂલ બનાવ્યા તો ભલે બનાવ્યા, પણ તમે અમને કામરુ દેશની મીઠાઈ ખવડાવી ને મજા કરાવી. આભાર દાદા!' 

Gujarat