Get The App

જડભરતની કથા .

Updated: Jan 21st, 2022


Google NewsGoogle News
જડભરતની કથા                                         . 1 - image


- પૌરાણિક કથા

- ભરતમુનિએ કહ્યું, 'તું માફી માગે છે પણ તારામાં હજુ સાચી સમજ નથી આવી. તું તારી જાતને રાજા માને છે!'

- હરણીનું બચ્ચું જનમતાં જ પાણીમાં પડયું. એ તણાવા માંડયું. ભરતમુનિએ દોડીને બચ્ચાંને ઉઠાવી લીધું

- ભરતરાજા હવે ભરતમુનિ થઈ ગયા. તેમણે ખૂબ તપ કર્યું. મોટા મોટા મુનિઓ તેમનાં દર્શને આવતા. ઘણા સાધુઓ તેમની પાસે ભગવાન વિષે જાણવા આવતા

ઘ ણા જૂના જમાનાની વાત છે. તે સમયે આપણો દેશ 'ભારત વર્ષ' કહેવાતો. ઋષભદેવ મોટા રાજા થઈ ગયા. તેઓ આખા ભારત પર રાજ કરતા હતા. તેઓ રાજ છોડીને સાધુ થઈ ગયા. તેમના દીકરા ભરત ગાદીએ આવ્યા. રાજા ભરતે ઘણા સમય રાજ કર્યું. તેમને દાસ-દાસીઓ, ધન-દોલતની ખોટ જ ન હતી. તેમને સુંદર રાણીઓ હતી. તેમનો રાજમહેલ દેવલોક જેવો હતો.

એક વખત ભરતરાજા અરીસા સામે ઊભા હતા. દાસ શરીર પર ચંદનનો લેપ લગાડતા હતા. દાસીઓ રાજાને ઘરેણાં પહેરાવતી હતી. રાણી રાજાને માથે સુગંધી તેલ નાખતી હતી. અચાનક રાજાનો ચહેરો બદલાઈ ગયો. તેના મોં પરથી હસવાનું દૂર થયું. રાજા ગંભીર થઈ ગયા. રાણીઓ ચિંતામાં પડી ગઈ. અચાનક આ શું થયું? રાજાએ માથામાં એક સફેદ વાળ જોયો. તેણે રાણીને કહ્યું, 'રાણી આ સફેદ વાળ જોયો?' રાણી કહે, 'હા, મહારાજ સફેદ વાળ ખરાબ લાગતો હોય તો હમણાં કાતરથી કાપી નાખું.' રાણીએ તાળી પાડી. એક સાથે દસ દાસીઓ દોડી આવી. રાજા કહે 'ઊભા રહો.'

રાણીએ કહ્યું, 'શું કહો છો, મહારાજ?' ભરત રાજા કહે 'વાળ તોડવાની જરૂર નથી.' રાણી કહે, 'કેમ મહારાજ?'

રાજા કહે 'આ તો સંદેશો આવ્યો છે.'

રાણી કહે, 'મહારાજ કોનો સંદેશો છે? મને કાંઈ સમજાતું નથી.'

ભરત રાજા હસીને બોલ્યા, 'રાણી આ સફેદ વાળ એટલે ઘડપણનો સંદેશો. ઘડપણ એટલે કાળનો સંદેશો. ઘડપણ આવે છે અને મોત આવશે એવું સૂચવે છે. અમારે હવે તૈયાર થવાનું છે.'

રાણી કહે, 'મહારાજ, શેને માટે તૈયાર થવું છે?'

ભરતરાજા પાછા હસ્યા, 'રાણી, ન સમજ્યાં? હવે અમે ઘરડા થયા. અમે હવે સંસાર ભોગવી લીધો. હવે અમે પરલોકની તૈયારી કરીશું.'

ભરતરાજાએ તાળી પાડી. નોકરો હાજર થયા.

રાજાએ હુકમ આપ્યો, 'જાઓ રાજકુમારો અને પ્રધાનને બોલાવો. થોડીવારમાં પ્રધાન આવ્યા રાજાને પાંચ દીકરાઓ હતા. રાજાએ પોતાનું રાજ પાંચેય કુમારોને વહેંચી દીધું. તેણે ધનદોલત, નોકરચાકર અને મહેલ બધુંય આપી દીધું.

રાણીઓ કહે, 'અમે સાથે આવીએ.'

રાજાએ કહ્યું, 'ના. મને વૈરાગ આવ્યો છે, તમને નથી આવ્યો. પરાણે વૈરાગી ન થવાય. તમે તમારા દીકરાઓ સાથે રહો.'

ભરતરાજા તો વનમાં ચાલી નીકળ્યા. સાપ કાંચળી છોડે એમ બધું છોડી દીધું. તેઓ ચાલતાં ચાલતાં ગંડકી નદીને કિનારે પહોંચ્યા. ત્યાં તેમણે એક ઝૂંપડી બાંધી. તેમણે ઝાડની છાલના કપડાં પહેર્યાં. તેઓ ભૂખ લાગે ત્યારે ઝાડના ફળ ને કંદમૂળ ખાતા. ભરતરાજા હવે ભરતમુનિ થઈ ગયા. તેમણે ખૂબ તપ કર્યું. મોટા મોટા મુનિઓ તેમનાં દર્શને આવતા. ઘણા સાધુઓ તેમની પાસે ભગવાન વિષે જાણવા આવતા.

ભરત મુનિ હવે ઘરડા થયા. માથે સફેદ દૂધ જેવી જટા શોભતી હતી. શરીર દૂબળું થયું હતું. હરણના ચામડાના આસન પર તેઓ બેસતા. તેમની આંખો પર સફેદ પાંપણો ચમકતી. મોં પર કરચલીઓ પડી હતી. તેઓ મોટાભાગનો સમય ભગવાનનું નામ લેતાં વિતાવતા. ઘણાં વર્ષો પસાર થઈ ગયાં.

એક દિવસ એક બનાવ બન્યો. ભરતમુનિ નદીમાં નહાવા ગયા હતા. એક હરણી નદીમાં પાણી પીવા આવી. હરણી વીંયાવાની તૈયારીમાં હતી. એ પાણી પીતી હતી. તે વખતે સિંહની ભયાનક ત્રાડ સંભળાઈ. હરણી ગભરાઈ ગઈ. હરણી ઠેકીને નદીને સામે પાર ભાગવા માંડી. તેનું બચ્ચું પાણીમાં સરી પડયું. હરણી મરી ગઈ. હરણીનું બચ્ચું જનમતાં જ પાણીમાં પડયું. એ તણાવા માંડયું. ભરતમુનિએ દોડીને બચ્ચાંને ઉઠાવી લીધું.

ભરતમુનિ બચ્ચાને ઊંચકીને ઝૂંપડીમાં લાવ્યા. તેમણે બચ્ચાને કૂણાં કૂણાં પાનની પથારીમાં સૂવડાવ્યું. તેઓ માતાની મમતાથી ધીમે ધીમે હાથ ફેરવવા માંડયા. બચ્ચાની છાતી કંપતી બંધ થઈ. તેણે ધીમે ધીમે આંખો ઊઘાડી. ભરતમુનિ હવન માટે રાખેલું દૂધ લાવ્યા. તેમણે વહાલથી બચ્ચાને પીવડાવ્યું. તેમણે રાતે બચ્ચાને પોતાની પથારીમાં સૂવડાવ્યું. તેને છાતી સરસું ચાંપીને સૂઈ ગયા.

પછી તો મુનિ હવનમાં ધરાવેલું દૂધ બચ્ચાને પાવા લાગ્યા. ધીમે ધીમે બચ્ચું ખાતું થયું. મુનિ તો પોતાના હાથે કૂણી ધરો કાપીને તેને ખવડાવતા.

બચ્ચું ઝૂંપડીની બહાર હરતું ફરતું થયું. ભરતમુનિની આંખો તેના પર મંડાયેલી રહેતી. તેઓ ધ્યાન કરતા. અચાનક આંખો ખૂલી જતી. તેઓ હરણનું બચ્ચું ક્યાં છે તે જોઈ લેતા. તેમને થયું કે ક્યાંક બચ્ચાને વાઘ-વરુ તો ઉઠાવીને નહિ લઈ જાય ને?

મુનિ તો હરણના બચ્ચાની પાછળ જતા. તેને પકડીને પાછા લાવતા.

પહેલાં તો ભરતમુનિ ઝૂંપડીના બારણાં ખૂલ્લાં રાખતા. હવે બચ્ચાને કોઈ જાનવર ઉપાડી જશે તેવી બીક લાગતી હતી. તેઓ ઝૂંપડીને બંધ રાખવા લાગ્યા. તેઓ નદીએ પણ બચ્ચાને સાથે લઈ જતા.

બચ્ચું પણ મુનિની આસપાસ ફરતું. સમય જતાં તેની કથ્થાઈ રંગની ચામડી પર સફેદ ટપકાં દેખાવા લાગ્યા. બચ્ચાની આંખમાં ક્યારેક પાણી ટપકતું. મુનિ સમજતા કે તેને તેની મા યાદ આવે છે. મુનિ તેને પંપાળતા. બચ્ચું શાંતિથી બેસીને મુનિના હાથ ચાટતું. ક્યારેક પૂજાને છોડીને મુનિ બચ્ચાને સૂવડાવતા. ક્યારેક હોમ-હવન છોડીને તેને માટે ઘાસ કાપતા. તેઓ તીરથ-જાતરા છોડીને બચ્ચાની ફિકરથી અધવચ્ચે જ પાછા ફરતા.

મુનિઓ ભરતમુનિનાં દર્શને આવતા. કોઈ તેમને કહેતું, 'મુનિરાજ હરણ તરફની માયા છોડી દો. આપ તો જપ-તપ છોડીને આની પાછળ ભટકો છો. આ ખોટું કહેવાય.'

પણ ભરતમુનિ કહેતા, 'આને મા નથી. એની સંભાળ કોણ રાખે? ભગવાને જ મને આ કામ સોંપ્યું છે.'

મુનિઓ આ સાંભળીને મૂંગા થઈ જતા.

ભરતમુનિ માયામાં ફસાઈ ગયા. બધુંય સુખ છોડી દીધું. હવે જીવ હરણના બચ્ચામાં બંધાયો. આમ કરતાં કરતાં અંતકાળ આવ્યો. મુનિનું શરીર સાવ ખખડી ગયું. તેમની આંખ બીડાવા માંડી. બચ્ચું મુનિની છાતીમાં ડોક નાખીને રડવા માંડયું. એ પણ મુનિની વેદના સમજી ગયું. બીજા સાધુસંતો પણ એકઠા થયા હતા. તેઓ મુનિના હૈયાને સમજી ગયા હતા. મુનિને હરણના બચ્ચા તરફથી માયા છૂટતી ન હતી. મુનિએ છેલ્લો શ્વાસ મૂક્યો.   

ભરતમુનિ મરણ પામ્યા. તેમની સારી ગતિ ન થઈ. તેમનો જીવ હરણના બચ્ચામાં રહી ગયો. તેઓ હરણના રૂપમાં જન્મ્યા. હરણ થઈને તેઓ એ જ વનમાં ભટકતા. આ હરણ ભરતમુનિની ઝૂંપડીમાં બેસતો. આખો દિવસ શાંતિથી આંખો મીંચીને બેસી રહેતો. બધા એને ભરતમુનિનો અવતાર ગણતા. આ હરણ નદીમાં નહાવા પણ જાય. આમ વરસો ગયાં. હરણની આવરદા પૂરી થઈ.

ભરતમુનિનો આ પછી ત્રીજો જન્મ થયો. હરણ રૂપે તેમણે ભગવાનનું ભજન કરેલું. તેઓ બ્રાહ્મણના ઘરે જન્મ્યા. બ્રાહ્મણને આઠ દીકરા અને એક દીકરી તો હતાં જ. ભરતમુનિ સૌથી નાના નવમા દીકરા થયા. તેમને પોતાના આગલા જન્મ યાદ હતા. ભરતમુનિને યાદ હતું કે હરણના બચ્ચા તરફ માયાને લીધે તેમને બે વાર જન્મ લેવો પડયો. હવે તેઓ સાવધાની રાખતા. કોઈની સાથે કશું બોલતા નહીં. નાનપણથી જ મૂંગા રહેવા લાગ્યા. ક્યારેક મોટે મોટેથી હસતા. ક્યારેક મોટે મોટેથી રડતા. ક્યારેક બીજા સામે તાકીને જોયા કરતા. બાપે જનોઈ આપી પણ એ ગાયત્રીમંત્ર ન જ બોલ્યા. બધા એને 'મૂરખ' ને 'જડ' કહેતા. તેઓ ઠીક લાગે તો ખાય. ન ગમે તો દિવસો સુધી ભૂખ્યા રહે. બધા તેમનાથી કંટાળી ગયા. બધા 'જડભરત' તરીકે એને ઓળખવા માંડયા.

ભાઈઓ તેમને ખેતરે લઈ ગયા. તેમણે તેને કોદાળી અને પાવડો આપ્યો. ભરતમુનિ ઠીક લાગે તો કામ કરે. કદીક બીજાના ખેતરમાં પણ મદદ કરવા જતા રહે. તેમને મન પોતાનું કે પારકું કાંઈ હતું જ નહિ. ભાઈઓ તેને સમજાવીને થાક્યા. તેમણે 'તું તો નકામો છે. નીકળ ઘરમાંથી બહાર' એમ કહ્યું. જડભરતને આટલું જ જોઈતું હતું. તેઓ બધું છોડીને નીકળી ગયા. મન ફાવે ત્યાં ફરે. હવે તેઓ સાચા સાધુ હતા.   

સૌવીર નામનો એક દેશ હતો. તેના રાજાનું નામ રહૂગણ હતું. રહૂગણ જ્ઞાાની હતો. તે કપિલ મુનિના દર્શન કરવા જતો હતો. તેની પાલખી ચાર ભોઈ લોકો ઉપાડીને જતા હતા. ભોઈ લોકો થાકી ગયા. તેમણે રાજાની પાલખી નીચે મૂકી. તેઓ કોઈક મદદગારની શોધ કરવા લાગ્યા. તેમને નજરે જડભરત પડયા. જડભરતે એક ધોતિયું પહેર્યું હતું. તેમના પગમાં જોડા ન હતા. તેમનું શરીર કદાવર હતું. ભોઈ લોકોએ જડભરતને કહ્યું 'ચાલ અલ્યા, તને અમારા રાજા બોલાવે છે.'

જડભરત તેમની સાથે ગયા. તેમણે ભોઈ લોકોને મદદ કરવા પાલખી ઉઠાવી. જડભરત તો સાધુ હતા. તેઓ ચાલતા ચાલતા પગ નીચે જીવજંતુ કચડાઈ ન જાય તે જોતા હતા. આથી પાલખી વાંકીચૂંકી થતી હતી. રહૂગણ રાજા આમથી તેમ ગબડવા માંડયો. તે ગુસ્સે થયો. તેણે બૂમ પાડી, 'અલ્યા ઓ, સરખી રીતે ચાલો.'

ભોઈઓએ કહ્યું, 'મહારાજ અમારો વાંક નથી. આ જાડિયો બરોબર ચાલતો નથી.'

રહૂગણે જડભરતને કીધું, 'કેમ અલ્યા જાડિયા! શરીર તો તગડું છે ને લથડતો લથડતો કેમ ચાલે છે? ઊંચો-નીચો કેમ થાય છે? સીધી રીતે ચાલ, નહિ તો મેથીપાક આપવો પડશે!'

આ સાંભળીને જડભરત મોટેથી બોલ્યા, 'રાજા ઊંચું શું અને નીચું શું? જાડું શું અને પાતળું શું? લાકડાની પાલખી માટીના પૂતળા ઉપાડે છે. લાકડાના દાંડા હાડકાંના ખભા પર છે. હાડકાં પર ચામડી લપેટેલી છે. તુંયે માટીનું પૂતળું છે. તું મારવાની બીક બતાવે છે? મરવું શું? જીવવું શું? તું કપિલ મુનિની પાસે જ્ઞાાન મેળવવા જાય છે પણ તારા જેવો મૂરખ તો કોઈ નથી.'

રહૂગણ રાજા તો એકદમ નીચે ઉતર્યો. તે જડભરતના પગમાં પડયો, 'હે મહાત્મા! મને માફ કરો. આપ જરૂર કોઈ મહાન માણસ છો. ભલે હું રાજા રહ્યો, મને પાપનો ડર લાગે છે. મેં તમારી પાસે પાલખી ઉપડાવી તે બદલ મને માફ કરો. મને સાધુઓનો ડર લાગે છે.'

ભરતમુનિએ કહ્યું, 'તું માફી માગે છે પણ તારામાં હજુ સાચી સમજ નથી આવી. તું તારી જાતને રાજા માને છે!'

'હું રાજા છું' એમ બોલે છે એ પણ તારું અભિમાન છે. તું પાલખીમાં બેસે છે. બીજાને તારાથી હલકા માને છે.' પછી જડભરત બોલ્યા, 'આમાં તારો વાંક નથી. હું યે ઋષભદેવનો પુત્ર ભરતરાજા હતો. બીજા જન્મે હરણ થયો. ત્રીજા જન્મે જડભરત થયો. એ જ એક વખતનો ભરત તારી સામે ઊભો છે.'

રહૂગણ તો નવાઈ પામ્યો. 'આપ પોતે ભરતરાજા છો? ભરત તો મહાન રાજા હતા. તે તો અવસાન પામ્યા. તમે...'

જડભરતે શાંતિથી કહ્યું, 'એ જ ભરત સાધુ થયા, પણ હરણની માયામાં બંધાયા તેને હરણનો અવતાર લેવો પડયો. ફરી પાછો છૂટકારો મેળવવા બ્રાહ્મણને ત્યાં જન્મવું પડયું. હું જ એ ભરત રાજા છું. મને ભગવાનની દયાથી પૂર્વજન્મો યાદ છે. એટલે આ જનમે હું આ રીતે જડ થઈને રહું છું?' રહૂગણ ફરી પગમાં પડયો, 'હે મહાત્મા! મારે હવે કપિલની પાસે જવું નથી. તમે જ મને જ્ઞાાન આપો. રાજાએ ભોઈ લોકોને કહ્યું, 'જાઓ હવે તમારે પાલખી ઉપાડવાની જરૂર નથી. મારે જ્યાં જવું હશે ત્યાં ચાલીને જઈશ. મારા પગમાં તાકાત હતી પણ મારું મન નબળું હતું. આ સાધુ પુરુષે મને સાચું સમજાવ્યું છે.' જડભરતે આ પછી રહૂગણ રાજાને ઉપદેશ આપ્યો. એ પછી જડભરત તપ કરવા જતા રહ્યા. રહુગણ રાજાનો પણ ઉદ્ધાર થયો.

આ કથા ભાગવતપુરાણમાં આવે છે.

- ડૉ. હર્ષદેવ માધવ


Google NewsGoogle News